લંડનની વિશ્વપ્રસિદ્ધ મૂરફિલ્ડ્સ આંખ હોસ્પિટલના ડોકટરોને આંખના એક દુર્લભ અને ગંભીર રોગ હાયપોટોનિયાથી પીડિત દર્દીઓમાં દ્રષ્ટિ પુનઃસ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ સફળતા મળી છે. આ સિદ્ધિ એક નવીન અને ખાસ પ્રકારની ઇન્જેક્શન આધારિત સારવાર દ્વારા હાંસલ કરવામાં આવી છે, જે આંખના દબાણ અને આકારને ફરી સામાન્ય બનાવવામાં મદદ કરે છે. તબીબી ક્ષેત્રમાં આ પ્રગતિને આંખના રોગોની સારવારમાં એક મોટુ પગથીયું માનવામાં આવી રહ્યું છે.
હાયપોટોનિયા એ એવી સ્થિતિ છે જેમાં આંખની અંદરનું દબાણ અસામાન્ય રીતે ઘટી જાય છે. પરિણામે આંખ અંદરની તરફ દબાઈ જાય છે અને આંખની રચનામાં વિકૃતિ આવે છે. આ સમસ્યા સામાન્ય રીતે આંખની અંદર રહેલા કુદરતી પ્રવાહીના ઉત્પાદનમાં ઘટાડો થવાને કારણે સર્જાય છે. જો સમયસર સારવાર ન થાય તો હાયપોટોનિયા દ્રષ્ટિમાં ગંભીર ઘટાડો લાવી શકે છે અને કેટલાક કિસ્સાઓમાં અંધત્વનું જોખમ પણ ઉભું કરે છે.
આ નવી સારવારથી લાભ મેળવનાર પ્રથમ દર્દી 47 વર્ષીય નિકી છે. સારવાર પહેલાં નિકીને નજીકની વસ્તુઓ જોવા માટે મેગ્નીફાઈંગ કાચનો સહારો લેવો પડતો હતો. હાયપોટોનિયાના કારણે તેની દ્રષ્ટિ અત્યંત નબળી થઈ ગઈ હતી અને રોજિંદા જીવનમાં ઘણી મુશ્કેલીઓ ઊભી થતી હતી. જોકે, ઇન્જેક્શન આધારિત આ નવી સારવાર બાદ તેની આંખનું દબાણ ધીમે ધીમે સામાન્ય બન્યું અને દ્રષ્ટિમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો.
નિષ્ણાતોએ આ ઉપચારમાં હાઇડ્રોક્સીપ્રોપીલ મિથાઈલસેલ્યુલોઝ નામના સસ્તા અને પારદર્શક જેલનો ઉપયોગ કર્યો છે. આ જેલનો ઉપયોગ સામાન્ય રીતે આંખ સંબંધિત અન્ય સારવારમાં પણ થતો રહ્યો છે, પરંતુ હાયપોટોનિયાના ઈલાજમાં તેનો આ રીતે ઉપયોગ પ્રથમ વખત સફળતાપૂર્વક કરવામાં આવ્યો છે. આંખના આકાર અને દબાણને સામાન્ય કરવા માટે આ જેલને આંખના મુખ્ય ભાગમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે. આ ઇન્જેક્શન દર ત્રણ કે ચાર અઠવાડિયામાં આપવામાં આવે છે અને કુલ દસ અઠવાડિયા સુધી સારવાર ચાલે છે.
મૂરફિલ્ડ્સ આંખ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં આ નવી પદ્ધતિ દ્વારા કુલ 35 દર્દીઓની સફળતાપૂર્વક સારવાર કરવામાં આવી છે. ડોકટરોના જણાવ્યા અનુસાર, મોટાભાગના દર્દીઓમાં દ્રષ્ટિમાં સુધારો થયો છે અને આંખના દબાણમાં સ્થિરતા આવી છે. નિષ્ણાતોનું માનવું છે કે આ ઉપચાર ભવિષ્યમાં હાયપોટોનિયાથી પીડિત અનેક દર્દીઓ માટે આશાનો કિરણ સાબિત થઈ શકે છે અને અંધત્વના જોખમને નોંધપાત્ર રીતે ઘટાડવામાં મદદરૂપ બનશે.