જોડિયાના મોટોવાસ વિસ્તારમાં વીજ ચેકિંગ માટે ગયેલી ટુકડી પર સ્થાનિકનો હુમલો: બે મહિલા સહિત ચાર સામે ફરિયાદ

  • December 25, 2023 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જોડિયા રેફરલ હોસ્પિટલમાં પણ ફરીથી ઇજનેર સહિતના સ્ટાફને ધાક ધમકી અપાતાં ફરજમાં રૂકાવટ અંગેનો ગુનો નોંધાયો:  જે મહિલાના ઘરમાં વીજ ચેકિંગ કરાયું હતું, તેનું પણ બીપી લૉ થઈ જતાં હોસ્પિટલમાં ખસેડાઈ


જામનગર જિલ્લાના જોડિયા ટાઉનમાં મોટો વાસ વિસ્તારમાં વિજચેકિંગ કરવા માટે ગયેલી ટુકડી પર હુમલો થયો હતો. સ્થાનિક બે મહિલા સહિતના ચાર શખ્સોએ વિજ અધિકારી સહિતના ચાર કર્મચારીઓને ઝપાઝપી કરી કપડા ફાડી નાખ્યા હતા. ત્યારબાદ જોડિયાની રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે પહોંચેલા વીજ અધિકારી સહિતના કર્મચારીઓને ફરી ધમકી અપાતાં ફરજમાં રૂકાવાટ અંગે ગુનો દાખલ કરાયો છે. ઉપરાંત એક મહિલાનું બીપી લૉ થઈ જતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ છે.


આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં રણજીત સાગર રોડ પર રહેતા અને પીજીવીસીએલ ની જોડિયાની કચેરીમાં જુનિયર ઈજનેર તરીકે ફરજ બજાવતા હાર્દિકભાઈ રમેશભાઇ ચાંદ્રાએ જોડીયા પોલીસ મથકમાં પોતાના ઉપર તેમજ પીજીવીસીએલના અન્ય ત્રણ સાથી કર્મચારીઓ ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે તેમજ ફરજ માં રૂકાવટ ઉભી કરવા અંગે શબીર ઓસમાણ બગાડ, ફારૂક અલાયા સાઈચા, ફાતમાબેન અહમદભાઈ પલેજા અને આયશા ફિરોજભાઈ સાયચા સામે ફરિયાદ નોંધાવી છે.


પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર પીજીવીસીએલની ટુકડી સવારે ૯.૩૦ વાગ્યાના અરસામાં મોટો વાસ વિસ્તારમાં ચેકિંગ કરવા માટે ગઈ હતી, જે દરમિયાન સ્થાનિકોએ હંગામા મચાવ્યો હતો, અને ઇજનેર હાર્દિક ચાંદ્રાને ઝાપટો મારી માથેથી વાળ ખેંચી કપડા ફાડયા હતા. અને તેને છોડાવવા માટે વચ્ચે પડેલા અન્ય ત્રણ કર્મચારીઓને પણ ફડાકા વાળી કરી હતી. જેથી ભાઈ દોડધામ થઈ હતી.


ચારેય અધિકારી -કર્મચારીઓને પ્રાથમિક સારવાર આપવા માટે જોડિયાની રેફરલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા, દરમિયાન ફાતમાબેન આમદભાઈ પલેજા કે જેનું બીપી લૉ થઈ જતાં પરિવારજનો તથા આડોશી પાડોશીઓ સારવાર માટે જોડિયાની રેફરલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા, જ્યાં ફરી હંગામો થયો હતો, અને ટુકડી ઉપર ફરી હુમલો કરાતાં આખરે મામલો જોડિયા પોલીસ પથકમાં લઈ જવાયો હતો.

જ્યાં ચારેય આરોપીઓ સામે મારકુટ અને ફરજમાં રૂકાવટ અંગેની ફરિયાદ નોંધાવી છે. ફાતમાબેન પલેજાને વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જો કે તેની તબિયત માં સુધારો થઈ જતાં રજા આપી દેવાઇ છે. આ બનાવને લઈને જોડિયા ટાઉનમાં ભારે દોડધામ થઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application