રાજકોટમાં વ્યાજખોરે LIC એજન્ટને છરીના ઘા ઝીંકતા લોહીલૂહાણ, 4 લાખના 6.8 લાખ ચૂકવ્યા છતાં વધુ 4 લાખની પઠાણી ઉઘરાણી કરી

  • April 19, 2025 12:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં પોલીસના લોક દરબાર બાદ પણ વ્યાજખોરોને પોલીસનો કોઈ ડર જ ન હોય તેમ વ્યાજની રકમની ઉઘરાણી કરવા માટે કાયદો હાથમાં લેતા સહેજ પણ અચકાતા નથી. આ વાતની પ્રતીતિ કરાવતી વધુ એક ઘટના સામે આવી છે. જામનગર રોડ પર મનહરપુરમાં રહેતા એલઆઇસી એજન્ટ યુવાને બીમાર પિતાની સારવાર માટે ચાર લાખ વ્યાજે લીધા હતા. જેના બદલામાં 6.80 લાખ ચૂકવી દીધા હોવા છતાં હજુ વધુ ચાર લાખની ઉઘરાણી કરી ધમકી આપતા હતા. દરમિયાન ગઈકાલે યુવાનને નવા કોર્ટ બિલ્ડીંગ પાસે બોલાવી પૈસાની પઠાણી ઉઘરાણી કરી તેને છરીના ઘા ઝીંકી દઈ પથ્થર વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ અંગે યુવાની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે ચાર શખસો વિરુદ્ધ મનીલેન્ડ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.


યુવાનનો નાનોભાઈ વિકલાંગ છે

વ્યાજખોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, જામનગર રોડ પર મનહરપુર-૧ ગામમાં પાણીના ટાંકા પાસે રહેતા વિપુલ હીરાભાઈ ટોયેટા(ઉ.વ 29) નામના યુવાને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે દશરથ ઠુંગા, કરણ ફાંગલીયા, કિશન ઝાપડા અને કિશન બોળીયાના નામ આપ્યા છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે વર્ષ 2019 થી એલ.આઇ.સી.ની જયુબેલી ચોક પાસે આવેલી ઓફિસમાં એડવાઈઝર તરીકે કામ કરે છે. યુવાનનો નાનોભાઈ વિકલાંગ છે.


વહીવટ પતશે નહીં તો જોઈ લેશો તેવી ધમકી આપી

વર્ષ 2022 તથા 2024 માં યુવાનના પિતાને હૃદયમાં નળી બ્લોકેજ આવતા પૈસાની જરૂરિયાત હોય દશેક માસ પૂર્વે તેણે મિત્ર વિશાલ બાંભવાને વાત કરી હતી અને બાદમાં તેના પરિચિત દશરથ તેજાભાઈ ઠુંગા પાસેથી રૂ. 4 લાખ 10 ટકા વ્યાજ લીધા હતા જેના બદલામાં યુવાને અલગ અલગ સમયે મળી કુલ રૂપિયા 6.80 લાખ ચૂકવી આપ્યા હતા. બાદમાં યુવાનને પૈસાની વ્યવસ્થા ન થતા દશરથ ઠુંગા અવારનવાર ફોન કરી વ્યાજની પઠાણી ઉઘરાણી કરતો હતો. તેમજ તેના પરિચિત કરણ ફાંગલીયા નામનો વ્યક્તિ બે દિવસ પહેલા યુવાનની ગેરહાજરીમાં તેના ઘરે જઈ દશરથનો વહીવટ કેદી પતાવવાનો છે જો વહીવટ પતશે નહીં તો જોઈ લેશો તેવી ધમકી આપી ગયો હતો.


છરી કાઢી પ્રથમ ઊંધી છરીનો ઘા માર્યો હતો

ગઈકાલે સાંજના પાંચેક વાગ્યે યુવાન મોટી ટાંકી ચોક પાસે હતો ત્યારે કરણ ફાંગલિયાનો વોટસએપ કોલ આવ્યો હતો અને કહ્યું હતું કે, તું ક્યાં છો મારે ભેગું થવું છે દશરથ પાસેથી પૈસા લેવાના છે તે તારું નામ દે છે. જેથી યુવાને કહ્યું હતું કે, હું તને ઓળખતો નથી, મારો વહીવટ તારી સાથે નથી મને ફોન કરવો નહીં. બાદમાં ફરી ફોન આવતા સમાજના હોવાનું માની યુવાન તથા તેનો મિત્ર તેજસ ઝાપડા બંને માધાપર ચોકડીથી નવી કોર્ટ બિલ્ડીંગ પાસે જામનગર રોડ પર રવેચી ફૂડ ઝોન નામની હોટલ પાસે કરણ ફાંગલિયાને મળવા ગયા હતા. અહીં અગાઉથી જ દશરથ ઠુંગા સહિતના આ ચારેય આરોપીઓ ઊભા હોય દરમિયાન દશરથે યુવાનને ગાળો આપી વ્યાજની રકમ તો તારે આપવી જ પડશે તેમ કહી કિશન ઝાપડા અને કિશન બોળીયાએ યુવાનને પકડી રાખ્યો હતો અને કરણે છરી કાઢી પ્રથમ ઊંધી છરીનો ઘા માર્યો હતો. 


કપાળથી કાન સુધી છરીનો ઘા મારી દેતા માથું ફૂટી ગયું

ત્યારબાદ યુવાને ભાગવાની કોશિશ કરતા માથાના ભાગે કપાળથી કાન સુધી છરીનો ઘા મારી દેતા તેનું માથું ફૂટી ગયું હતું. બાદમાં પગમાં બીજો છરીનો ઘા માર્યો હતો છતાં યુવાને ભાગવાની કોશિશ કરતાં દશરથે પથ્થર ઉપાડી યુવાન પર ઘા કર્યો હતો. ઝઘડો થતા યુવાનો મિત્ર તેજસ અહીંથી ભાગી ગયો હતો. અહીં બાજુમાં યુવાનના મોટા બાપુ હીરાભાઈ ટોયટાનું ઘર હોય યુવાન દોડી તેના ઘરમાં ગયો હતો. બાદમાં આરોપીઓ ક્રેટા તથા સ્વીફટ કાર લઇ નાસી ગયા હતા. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બાદમાં તેણે આ અંગે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે હુમલો, ધમકી અને મનીલેન્ડ એક્ટની કલમ સહિત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application