GSRTC લાઈવ ટ્રેકિંગ મોબાઇલ એપ્લિકેશનથી બસનું લાઈવ ટ્રેકિંગ બન્યું વધુ સરળ, જાણો રોજ કેટલા મુસાફરો ઉપયોગ કરે છે

  • January 16, 2025 03:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુસાફરોને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં, એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં તેમજ પોતાના ગંતવ્ય સ્થાનથી બીજા સ્થાને સલામત અને સમયબદ્ધ રીતે પહોંચાડવા ગુજરાત એસ.ટી.ની બસો કાર્યરત છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત એસ.ટી. નિગમમાં અનેક આમૂલ પરિવર્તન કરવામાં આવ્યા છે. ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા ‘GSRTC લાઈવ ટ્રેકિંગ મોબાઈલ એપ્લિકેશન’ મારફતે મુસાફરોને બસનું લાઈવ ટ્રેકિંગ કરવું વધુ સરળ બન્યું છે, આજે ગુજરાતની ૮ હજારથી વધુ બસોમાં લાઈવ ટ્રેકિંગ સિસ્ટમ કાર્યરત છે,  જેનો ગુજરાતના ૭.૫ લાખ કરતા વધુ મુસાફરો ઉપયોગ કરી રહ્યા છે, તેમ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની યાદીમાં જણાવાયું છે.


    
GSRTC લાઈવ ટ્રેકિંગ મોબાઈલ એપ્લિકેશનમાં મુસાફરો બસ નંબર અથવા PNR નંબરની મદદથી બસનું લાઈવ લોકેશન જોઈ શકે છે. એપ્લિકેશનમાં મુસાફરે બેસવા અને ઉતારવાની વિગતો ભરી તે રૂટ પર સંચાલિત તમામ બસોનું લાઈવ લોકેશન મેળવી શકે છે. મહિલા અને વયોવૃદ્ધ મુસાફર એકલા મુસાફરી કરતા હોય તેવા સમયે ઘરના સભ્યો દ્વારા બસનું લાઈવ લોકેશન ટ્રેક કરી બસનો પહોંચવાનો સમય જાણી શકે છે. આ એપ્લિકેશન મારફતે મુસાફરો બસનું લાઈવ લોકેશન જાણી બસ સ્ટેશન પર પહોચવાનું યોગ્ય આયોજન કરી પોતાના સમયની બચત પણ કરી શકે છે.   


બસોમાં મુસાફરી કરતા મુસાફરોને બસનું લાઈવ લોકેશન મળી રહે તેમજ પરિવહન વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા માટે, GSRTC દ્વારા GSRTC Live Tracking Android અને iOS મોબાઇલ એપ્લિકેશન મુસાફરોની સેવામાં કાર્યરત છે, જેમાં ૭.૧૯ લાખ મુસાફરો GSRTC Live Android Application તેમજ ૪૧ હજારથી વધુ મુસાફરો દ્વારા GSRTC Live iOS Applicationનો ઉપયોગ કરી રહ્યા છે, તેમ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની યાદીમાં વધુમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application