સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે દારૂની રેલમછેલ અટકાવવા માટે પોલીસ સતત નજર રાખી રહી છે. ત્યારે રાજકોટ રેન્જની ટીમે રાજકોટ અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસે હોટલ નજીક દારૂ ભરેલો ટ્રક ઝડપી લીધો હતો. પોલીસે ટ્રકમાંથી રૂપિયા 1.28 કરોડનો 10740 બોટલ દારૂનો જથ્થો ઝડપી લઇ ટ્રક ચાલક ભાણવડના શખ્સની ધરપકડ કરી હતી. આ શખસની પૂછતાછ કરતા ભાણવડના જ ચના રબારી નામના શખસે દારૂનો આ જથ્થો મંગાવ્યો હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે દારૂનો જથ્થો મંગાવનાર અને મોકલનાર સહિત ચારને વોન્ટેડ જાહેર કર્યા છે. રાજકોટ રેન્જની ટીમે દારૂનો આ જથ્થો અને ટ્રક સહિત કુલ રૂપિયા 1.46 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
દારૂના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ રેન્જ આઈ.જી નિર્લિપ્ત રાય દ્વારા રેન્જમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન દારૂની રેલછેલ અટકાવવા અને દારૂની હેરાફેરી કરનાર શખસો સામે અસરકારક કામગીરી કરવા માટે સૂચના આપવામાં આવી છે જે સૂચનાના અનુસંધાને રાજકોટ રેન્જના પીએસઆઇ બી.સી. મિયાત્રા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે રાજકોટ અમદાવાદ હાઈવે પર ચોટીલા નજીક જાનીવડલા અંડર બ્રિજ નજીક ગાત્રાળ હોટલ પાસેથી દારૂ ભરેલો ટ્રક ઝડપી લીધો હતો.
પોલીસે ટ્રકમાંથી રૂ. 1,28,88,000 ની કિંમતનો 10740 બોટલ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. દારૂના આ જથ્થા સાથે ટ્રક ચાલકને ઝડપી લીધો હતો. જેની પૂછતાછ કરતા તેનું નામ શાહિદ જુસબભાઈ હિંગોરા (રહે ભાણવડ, જિ. દેવભૂમિ દ્વારકા) હોવાનું જણાવ્યું હતું. પોલીસે દારૂનો આ જથ્થો, ટ્રક અને મોબાઈલ સહિત કુલ રૂપિયા 1 કરોડ 46 લાખ 69 હજાર 300 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસ તપાસમાં દારૂનો આ જથ્થો ભાણવડના રાણપરમાં રહેતા ચના દેવાભાઈ રબારી નામના બુટલેગરે મંગાવ્યો હોવાનું ખુલ્યું હતું. બુટલેગર ચના રબારીએ તેના માણસ શાહિદને અહીંથી લક્ઝરી બસમાં એમ.પી મોકલ્યો હતો. ત્યાંથી તે દારૂ ભરેલો આ ટ્રક લઈ આવતો હતો. દરમિયાન રાજકોટ રેન્જની ટીમે તેને ઝડપી લીધો હતો. દારૂનો જથ્થો હરિયાણા તરફથી સપ્લાય થયો હોવાનું માલુમ પડ્યું છે. પોલીસે દારૂ મંગાવનાર ચના રબારી, એમ.પી. સુધી દારૂ ભરેલો ટ્રક લાવનાર શખસ અને દારૂનો જથ્થો સપ્લાય કરનાર તથા ટ્રકમાલિક સહિત ચાર શખસોને વોન્ટેડ જાહેર કર્યા છે.