BREAKING NEWS

બૂટલેગરનો ગજબનો કિમીયો...ઘેટાના ઊનની આડમાં ચંદીગઢથી ગુજરાતમાં ઘૂસાડ્યો 1.20 કરોડનો દારૂ, પોલીસ પણ જોઈને ચોંકી

  • December 02, 2025 02:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં દારૂ ઘૂસાડવા માટે બુટલેગરો નીતનવા કિમીયા અજમાવતા હોય છે. ત્યારે હવે ઘેટાના ઊનની આડમાં ગુજરાતમાં દારૂ ઘૂસાડાયો હોવાનો પર્દાફાશ થયો છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અમદાવાદના એસપી રિંગ રોડ પર આવેલા સરખેજ-બાકરોલ ટોલપ્લાઝા નજીકથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ઘેટાંનાં ઊનની આડમાં સંતાડીને ચંદીગઢથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતો રૂ.1.20 કરોડથી વધુની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.


દારૂ ફક્ત યુ.ટી. ચંદીગઢમાં વેચાણ માટે જ માન્ય હતો

મળતી માહિતી મુજબ, ગઈકાલે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે સરખેજ પોલીસની ટીમે બાકરોલ ક્રોસ રોડ તરફ વોચ ગોઠવી હતી અને RJ02GB2821 નંબરની આઈસર કન્ટેનર ટ્રકને પકડી પાડી હતી. જેમાંથી 1,20,08,025 રૂપિયાની કિંમતની 53,369 બોટલ દારૂની મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ ઉપરાંત 30 લાખની ટ્રક, 196 બેગમાં ભરેલું ઘેટાના ઊન સહિત 1,50,08,025 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. દારૂનો આ જથ્થો ચંદીગઢની જન્નત બેવરેજીસ અને ઍમ્પાયર અલ્કોબ્રેવ નામની ડિસ્ટિલરીઝમાં તૈયાર કરવામાં આવ્યો હતો અને એ ફક્ત યુ.ટી. ચંદીગઢમાં વેચાણ માટે જ માન્ય હતો.


ડ્રાઇવર સહિત 6 આરોપી વોન્ટેડ

આ રેડ દરમિયાન એકપણ આરોપી સ્થળ પરથી પકડાયો નહોતો. પોલીસે ટ્રકના ડ્રાઈવર સહિત કુલ 6 વ્યક્તિને વોન્ટેડ જાહેર કરી છે, જેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે: પોલીસે આ 6 વોન્ટેડ આરોપી સામે પ્રોહિબિશન એક્ટની કલમ 65(A)(E), 81, 83, 98(2), 116(B) અને ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 336(2), 336(3), 61(2) હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ કરોડો રૂપિયાના દારૂના નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે પોલીસ પ્રયાસ કરી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application