રાવકી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાંથી ૧૯.૨૦ લાખનો દારૂનો જથ્થો ઝડપાયો

  • December 02, 2023 01:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લોધીકા તાલુકાના રાવકી ગામ પાસે ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં રાત્રિના પોલીસે દરોડો પાડી અને ગોડાઉનમાં ટ્રકમાંથી ૧૯.૨૦ લાખ નો ૧૯,૨૦૦ બોટલ દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસે દારૂના જથ્થા સાથે રાજસ્થાની શખસને ઝડપી લીધો હતો. જેની પૂછતાછ કરતા દારૂનો જથ્થો રાજસ્થાનના સાંચોરમાં રહેતા શખસે મોકલ્યો હોવાનું માલુમ પડ્યું હતું. અહીં ગોડાઉનમાં દારૂ ઉતારવા પાછળ ગોડાઉન માલિકની ભૂમિકા છે કે કેમ? તેમજ દારૂ મંગાવનાર કોણ સહિતની બાબતો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
લોધીકા પોલીસે રાત્રિના રાવકી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં દરોડો પાડી ગોડાઉનમાં રહેલા ટ્રકમાંથી રૂપિયા ૧૯. ૨૦ લાખના દારૂના જથ્થા સાથે અનિલ આંસુરામ બિશનોઈ (ઉ.વ ૨૩ રહે. ચિતલવાના,જાલોર, રાજસ્થાન)ને ઝડપી લીધો હતો. જ્યારે રાજસ્થાનના સાંચોરના પ્રકાશ પૂર્વે અનિલ શાહુનું નામ ખુલ્યું હતું. જેથી પોલીસે બંને સામે પ્રોહીબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. દરોડા દરમિયાન પોલીસે દારૂનો આ જથ્થો ટ્રક, એક્સેસ અને મોબાઈલ સહિત ૨૨.૦૫ લાખનો મુદ્દામાલ કબજે કરી જરૂરી કાર્યવાહી કરી હતી.


લોધિકા પોલીસ મથકના પીએસઆઇ કે.વી. પરમારની રાહબરી હેઠળ રાત્રિના ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન કોન્સ્ટેબલ સાગરભાઇ ખટાણા અને હરેશભાઈ સોરાણીને એવી બાતમી મળી હતી કે, રાવકી ગામે ન્યારા પેટ્રોલ પંપ સામેના રસ્તે ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં બંસીધર પાણીના પ્લાન્ટની પાછળ જીગ્નેશભાઈ પ્રવીણભાઈ સોજીત્રાના ગોડાઉનમાં વિદેશી દારૂનો મોટા જથ્થો ઉતારવામાં આવ્યો છે અને તેની હેરફેર થઈ રહી છે.
આ બાતમીના આધારે લોધિકા પોલીસ મથકના સ્ટાફે મોડી રાત્રિના અહીં દરોડો પાડતા અહીં ગોડાઉનના ગેટની અંદર એક સફેદ કલરની અશોક લેલન ગાડી પડી હતી અને તેની ટ્રોલીમાં પુઠાના બોક્સ એક શખ્સ ગોઠવતો હોય જેથી પોલીસે આ શખસની પૂછતાછ કરતા તેણે પોતાનું નામ અનિલ આંસુરામ બિશ્નોઇ(ઉ.વ ૨૩ રહે. ચિતલવાના જાલોર, રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. અહીં ગોડાઉનમાં એક ગ્રે કલરનું એક્સેસ પણ પડ્યું હોય અને તેમાં પણ બોક્સ પડ્યા હોય પોલીસે ગાડીમાં પડેલા અને એક્સેસમાં પડેલા બોક્સની તલાસી લેતા તેમાંથી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે અહીંથી રૂપિયા ૧૯.૨૦ લાખની કિંમત ૧૯,૨૦૦ બોટલ દારૂનો જથ્થો કબજે કર્યો હતો. દારૂના આ જથ્થા ઉપરાંત અશોક લેલન ગાડી તથા એક્સેસ અને મોબાઈલ સહિત કુલ રૂપિયા ૨૨.૦૫ લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
​​​​​​​
પોલીસે પકડાયેલા આ શખસની પૂછતાછ કરતા દારૂનો આ જથ્થો રાજસ્થાનના સાંચોરમાં રહેતા પ્રકાશ ઉર્ફ અનિલ શાહુએ મોકલાવ્યો હોવાનું માલુમ પડ્યું હતું. જેથી પોલીસે બંને શખસો સામે ગુનો નોંધી દારૂનો આ જથ્થો અહીં કોણે મંગાવ્યો હતો? તેમ જ ગોડાઉન માલિક જીગ્નેશ સોજીત્રાએ અહીં દારૂનો જથ્થો ઉતરાવ્યો હતો કે કેમ?કે તેમની જાણ બહાર અહીં દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો હતો? સહિતની બાબતો અંગે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application