તા.3ના રોજ સિંહણ દેખાયા બાદ ફોરેસ્ટ વિભાગની મોટી ટીમ દ્વારા એક સપ્તાહ સુધી ચાલ્યા રાત ઉજાગરા: જામનગર જિલ્લાની હદમાં દેખાયેલી બંને સિંહણો ગીરનાર તરફ ચાલી ગઇ હોવાની પુરી સંભાવના વચ્ચે જામજોધપુરના સોરઠી ડેમ પાસે દેખાયો દીપડો: એક ગાય અને એક કુતરાનું મારણ: દીપડાને પકડવા પાંજ મુકાયું: આજે સડોદરમાં સાવજના પધરામણા-વધામણા લોકડાયરો
જામજોધપુરના સડોદર અને કાલાવડના ધુનધોરાજી વિસ્તારની વચ્ચે ખાસ કરીને ફુલનાથ મહાદેવ મંદિરની વીડી વિસ્તારમાં બે સિંહણ આવી હોવાનું સ્પષ્ટ થયા બાદ આનંદની લાગણી ફેલાઇ હતી અને જામનગર જિલ્લાને લઇને ઐતિહાસિક ઘટના બની હતી પરંતુ આ ખુશી વધુ ટકી શકી નથી, કારણ કે બંને સિંહણ જામનગર જિલ્લાની હદ બહાર નિકળી ગઇ હોવાના ફુટપ્રિન્ટ જંગલ ખાતાને મળ્યા છે, એક ફુટપ્રિન્ટ જુનાગઢના મોજ ડેમ તરફ અને બીજા ફુટપ્રિન્ટ ઉપેલટા તરફના પાટણવાવ નજીક મળ્યા છે, આમ છતાં ફોરેસ્ટ વિભાગ દ્વારા હજુ પણ ખરાઇ કરવામાં આવી રહી છે, આ દરમ્યાન જામજોધપુરના સોરઠી ડેમ નજીક દીપડો દેખાયો છે જેને પકડવા પાંજરા મુકવામાં આવ્યા છે, એક ગાય અને એક કુતરાનું મારણ આ દિપડા દ્વારા કરવામાં આવ્યું છે.
જુનાગઢના ગીરનાર તરફથી સંભવત બે સિંહણો જામનગર જિલ્લાની હદમાં આવી હોવાનું તા.3ના રોજ સામે આવ્યા બાદ ફોરેસ્ટની મોટી ટીમ દ્વારા તપાસ શ કરવામાં આવી હતી અને વાતની ખરાઇ થયા બાદ 150 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર સિંહણો જામનગર જિલ્લામાં આવી હોવાનું જાહેર કરાયું હતું અને આ બાબતને ઐતિહાસિક ગણાવામાં આવી હતી, ફોરેસ્ટ ખાતાએ તો ઉત્સવ મનાવવા સુધી પ્રતિક્રિયા આપી હતી, કેટલાક યુવાનોના મોબાઇલ કેમેરામાં એક સિંહણ કેદ પણ થઇ હતી જેની તસવીરો અખબારોમાં પ્રસિઘ્ધ થતી રહે છે.
છેલ્લા આઠ દિવસથી ફોરેસ્ટની ટીમો 30 કિ.મી. જેટલા વિસ્તારમાં સિંહણોના સગડ મેળવવા રાત ઉજાગરા કરી રહી હતી, આ દરમ્યાન ઉપલબ્ધ ફુટપ્રિન્ટ પરથી વન વિભાગે એવું અનુમાન લગાડયું છે કે, બંને સિંહણો સંભવત રિટર્ન થઇ ગઇ છે, કારણ કે એક ફુટપ્રિન્ટ જુનાગઢ જિલ્લામાં આવતા મોજ ડેમ તરફના રસ્તા પર મળ્યા છે એટલે એવું અનુમાન છે કે કદાચ એક સિંહણ એ તરફ જતી રહી છે જયારે ઉપલેટા તરફના પાટણવાવ પાસે પણ સિંહણના ફુટપ્રિન્ટ જોવા મળ્યા છે એટલે કદાચ બીજી સિંહણ આ તરફ નિકળી ગઇ હોઇ શકે.
જામનગરના આરએફઓ રાજન જાદવે આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હજુ બે દિવસ પહેલા જ જંગલ ખાતાની ટીમે પોતાની નજરે સિંંહણને હીલચાલ કરતા જોઇ હતી, પરંતુ તેની પોઝીશન એટલી બધી ઝડપથી બદલાતી હતી કે, મોબાઇલ અથવા કેમેરામાં ફોટા લેવા શકય બન્યા ન હતાં.
ફોરેસ્ટ વિભાગને એવી આશા હતી કે, કદાચ સિંહણો જામનગર જિલ્લાના વિસ્તારમાં રોકાણ કરી શકે છે, પરંતુ કાંઇપણ હોય સિંહણોનું મનડુ અહીં લાગ્યું ન હોવાના કારણે હાલની તકે તો એવું દેખાય છે કે, બંને સિંહણો કદાચ ગીરનાર તરફ પાછી વળી ગઇ છે.
વન વિભાગે સિંહણોના આગમનને ઉત્સવ તરીકે લેવા ટકોર કરી હતી અને ગ્રામ્ય વિસ્તારમાં ઠેકઠેકાણે સિંહ દર્શન, લોક ડાયરાનું આયોજન કર્યુ હતું, આજે પણ આ પ્રકારે એક આયોજન સડોદર ખાતે કરવામાં આવ્યું છે જયાં સાવજના પધરામણા-વધામણાના નામે લોકડાયરો યોજાશે અને વધુ એક વખત ફોરેસ્ટ વિભાગ લોકોને સિંહના રોકાણને લઇને સમજણ આપશે.
દરમ્યાનમાં જામજોધપુરના સોરઠી ડેમ પાસે દીપડો જોવા મળ્યો છે અને આ દીપડા દ્વારા એક ગાય અને એક કુતરાનું મારણ પણ કરવામાં આવ્યૂં છે, ગામ લોકોમાં દહેશતની લાગણી છે, ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડાને કેદ કરવા માટે પાંજ મુકી દેવામાં આવ્યું છે.
છેલ્લા એક સપ્તાહની ઉત્તેજના વચ્ચે અંતે પિકચર એ ઉપસ્યું છે કે, સિંહણો સંભવત રિટર્ન થઇ ગઇ છે અને દીપડાની રંઝાડ યથાવત છે, જો કે ફોરેસ્ટની ટીમોએ હજુ સુધી 30 કિ.મી.ના ઉપરોકત વિસ્તારમાં તપાસ ચાલું રાખી છે અને જયાં સુધી જુનાગઢ ફોરેસ્ટ ખાતુ બંને સિંહણો પાછી આવી ગઇ હોવાની વાતને સમર્થન ન આપે ત્યાં સુધી જામનગરનું ફોરેસ્ટ ખાતુ તપાસ ચાલું રાખશે.
સડોદર અને ધુનધોરાજી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં આ વાત પુરી રીતે ફેલાઇ ગઇ છે કે, સિંહણો અહીં આવી છે માટે ગ્રામજનો એલર્ટ જર છે અને થોડો ભય પણ એમને સતાવી રહ્યો છે, પરંતુ હવે જયારે સિંહણો રિટર્ન થઇ ગયાના પુરાવા મળી રહ્યા છે ત્યારે આ બાબત ગ્રામ્ય પ્રજા માટે રાહત આપનારી બની રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech