સિંહ સંપર્ક લોકડાયરો: સિંહણોની તપાસ વધી આગળ

  • January 09, 2024 11:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જુનાગઢ ફોરેસ્ટનો સંપર્ક કરીને ગીરનારથી સિંહણો આવી છે કે કેમ ? તેની કરાતી ખરાઇ: લોકોનો ભય દુર કરવા વન વિભાગ દ્વારા કવાયત શ‚ કરાઇ: હવે ૨૫ થી ૩૦ કિ.મી. સુધીના વિસ્તારમાં સિંહણની હયાતીની ખરાઇ કરવા ફોરેસ્ટની ટીમો ખુંદી રહી છે જંગલ

જામજોધપુરના સડોદર અને કાલાવડના ધુનધોરાજી એટલે કે બે તાલુકા વિસ્તારની વચ્ચે એક નહીં બે સિંહણ આવી હોવાનું જયારથી સ્પષ્ટ થયું છે ત્યારથી જામનગર જિલ્લાને લઇને આ ઘટના ઐતિહાસિક ગણાવીને તેની ખરાઇ કરવા માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા આકાશ-પાતાળ એક કરવામાં આવી રહ્યા છે, આજે ખાસ સિંહ સંપર્ક લોકડાયરો યોજાયો છે જેનો હેતુ લોકોમાંથી સિંહનો ભય દુર કરવાનો છે, બીજી તરફ તપાસનો દાયરો વધારીને ૨૫ થી ૩૦ કિ.મી. સુધીનો કરવામાં આવ્યો છે.
તા.૩ના રોજ સડોદર અને ધુનધોરાજી વિસ્તારમાં વન્ય પ્રાણી દેખાયા બાદ જંગલ ખાતાની તપાસમાં સિંહણ આવી હોવાનું ખુલ્યું હતું અને એ પછી એ બાબત પણ સ્પષ્ટ થઇ હતી કે એક નહીં બે સિંહણ આવી છે, ફોરેસ્ટ વિભાગ તરફથી આ ઘટનાને ઐતિહાસિક ગણાવામાં આવી હતી અને એવું અનુમાન લગાડવામાં આવતું હતું કે, કદાચ જામનગર જિલ્લામાં આ જંગલ વિસ્તારમાં સિંહ મુકામ કરી શકે છે.
સડોદર અને ધુનધોરાજીના કેટલાક લોકોએ સિંહણને જોઇ હતી, આટલું જ નહીં એક વિડીયો કેમેરાના શુટીંગમાં એક સિંહણ સ્પષ્ટ રીતે જતી જોવા મળી હતી અને વંડી ઠેકીને બીજી તરફ જતા કેમેરામાં કેદ થઇ હતી. જો કે ફોરેસ્ટ વિભાગના ૩૦ જેટલા અધિકારી-કર્મચારીઓની ટીમને હજુ નજરો નજર સિંહણો જોવા મળી નથી એટલા માટે સતાવાર રીતે હજુ સુધી જાહેરાત થઇ શકી નથી, સિંહણો આવી છે એના પાકા પુરાવા જ‚ર મળ્યા છે.
દરમ્યાનમાં સિંહણો આવી હોય તો આ બાબતને પોઝીટીવ રીતે લેવા માટે જંગલ ખાતા દ્વારા ગ્રામ્ય પ્રજાને સમજાવવાની કવાયત શ‚ કરવામાં આવી છે જેના ભાગ‚પે આજે રાત્રે ૯ વાગ્યે ધુનધોરાજી ખાતેના હનુમાન મંદિરમાં સિંહ સંપર્ક લોકડાયરો યોજવામાં આવ્યો છે અને તેમાં લોક સાહિત્ય થકી ફોરેસ્ટ વિભાગના ગાગીયાભાઇ સિંહની રહેણીકેણીથી લોકોને વાકેફ કરશે અને ખૌફ દુર કરવા અને જો સિંહ મુકામ કરે તો કેટલો ફાયદો થશે તે બાબત જણાવવામાં આવશે.
ફોરેસ્ટ વિભાગે એવી પ્રતિક્રિયા આપી છે કે, એક તરફ તેઓ સિંહણોના મુકામની ખરાઇ કરવાના કામમાં લાગ્યા છે અને બીજી તરફ ગ્રામ્ય પ્રજાનો ભય દુર કરવા તથા લોકોને એ વાતનો ઘુટડો ગળે ઉતારવા જહેમત ઉઠાવી રહ્યા છે કે, ખરેખર સિંહ જો અહીં મુકામ કરશે તો જામનગર જિલ્લા માટે આ બાબત ઐતિહાસિક ગણાશે.
ફોરેસ્ટના અધિકારીઓએ એવો સંકેત આપ્યો છે કે, જે બે સિંહણો આવી છે તે જુનાગઢના ગીરનાર તરફથી આવી હોવાની સંભાવના છે, એટલા માટે જ આ બાબતની ખરાઇ કરવા જુનાગઢ ફોરેસ્ટ વિભાગનો સંપર્ક કરીને વિગતો આપવામાં આવી છે અને હવે ત્યાંના ફોરેસ્ટ વિભાગ દ્વારા એવી ખરાઇ શ‚ કરાઇ છે કે અહીંથી ખરેખર બે સિંહણો જામનગર જિલ્લા તરફ ગઇ છે કે કેમ ? આ શકય એટલા માટે બનશે, કારણ કે જંગલ ખાતા પાસે વન્ય જીવોના રેકર્ડ હોય છે.
ગામ લોકોએ સિંહણ જોઇ છે, ફોરેસ્ટને પુરાવા મળ્યા છે, સિંહણો આવી હોવાની વાત સાચી છે, આમ છતાં ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને હજુ સુધી સિંહણો નજરે નહીં જોવા મળી હોવાથી હાલની તકે વાઘ આવ્યો રે વાઘ જેવો તાસીરો પણ સર્જાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application