ગોળીછોડી માતા-પુત્રીની હત્યા કરનાર શખ્સને આજીવન કેદ

  • February 26, 2024 05:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરનાઆંબાચોક વિસ્તારની સવાઈગરની શેરીમાં પડોશીના મકાનનું મરામત કામ ચાલતું હોય સિમેન્ટ તેમજ રેતી ઘર પાસે રખાયા બાબતે થયેલી બોલાચાલીમાં ઉશકેરાઈ જઈ શખ્સે ઘરમાંથી પિસ્ટલ કાઢી પ્રથમ પુત્રી પર બે અને બાદમાં તેની માતા પર એક રાઉન્ડ ફાયરિંગ કરતા બન્નેના સારવારમાં મોત નીપજ્યા હતા : સરકારી ધારાશાસ્ત્રી મનીજ જોષીની દલીલો ગ્રાહ્ય રાખી ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટના ન્યાયમૂર્તિ એલ. એસ. પીરજાદાએ આપેલો ચુકાદો 


 શહેરનાઆંબાચોક વિસ્તારમાં આવેલી સવાઈગરની શેરીમાં પડોશીના મકાનનું મરામત કામ ચાલતું હોય સિમેન્ટ અને રેતી સહિતનો માલ-સામાન ઘર બહાર રખાયા બાબતે બોલાચાલી કરી ગાળો બોલી ઉશકેરાઈ જઈ પોતાની પાસે રહેલી પિસ્ટલ સાથે ધસી આવી પ્રથમ પુત્રી અને બાદમાં તેની માતા પર ફાયરિંગ કરી બન્નેના મોત નીપજાવનાર શખ્સને ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટએ આજીવન કારાવાસની સજા ફટકારી હતી.


શહેર સહિત સમગ્ર જિલ્લામાં ચકચારી બનેલી ઘટના અંગેના કેસની ઉપલબ્ધ વિગતો મુજબ શહેરના આંબાચોક વિસ્તારની વિસ્તારમાં સવાઈગરની શેરી, રહેમ મંઝિલ, પીપળવાળો ખાંચામાં રહેતા અનવરઅલી પ્યારઅલી વઢવાણીયા (ઉ. વ.૫૫)એ તેની બાજુમા રહેતા કરીમ ઉર્ફે પિન્ટુ શેરઅલી રાશ્યાણીસામે એવી ફરિયાદ નોંધાવી હતી કે પોતાના મકાનનું મરામત કામ ચાલતું હોય જેનો સિમેન્ટ અને રેતી સહિતનો માલ-સામાન ઘર બહાર રાખેલ હોય ગઈ તારીખ ૩૧-૩-૨૨ના રોજ બપોરના સમયે તેની પડોશમાં રહેતો કરીમ ઉર્ફે પિન્ટુએ ઝઘડો કર્યો હતો. બાદમાં ઉશકેરાઈ જઈ ઘરમાંથી પિસ્ટલ લાવી પોતાની પુત્રી ફરિયાલબેન પર બે રાઉન્ડ જયારે પોતાની પત્ની ફરીદાબેન પર એક રાઉન્ડ ફાયરિંગ કરી નાસી છૂટ્યો હતો. ઈજાગ્રસ્ત બન્ને માતા-પુત્રીને સારવાર માટે સરટી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં આગળ બન્નેના ચાલુ સારવાર દરમ્યાન મોત નીપજ્યા હતા. આ અંગે સી ડિવિઝન પોલીસે કરીમ ઉર્ફે પિન્ટુ શેરઅલી રાશ્યાણી સામે હત્યા સહિતનો ગુનો નોંધી ભારે શોધખોળના અંતે તારીખ ૨૨-૫-૨૨ના રોજ ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો.

જે કેસ અત્રેની ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી ધારાશાસ્ત્રી મનોજ જોષીની દલીલો, લેખિત અને મૌખિક પુરાવાઓ તેમજ સાક્ષીઓની જુબાની ધ્યાને લઈ ન્યાયમૂર્તિ એલ. એસ પીરજાદાએ કરીમ ઉર્ફે પિન્ટુ શેરઅલી રાશ્યાણીને તકસીરવાન ઠરાવી આજીવન કારાવાસ તેમજ રૂપિયા ૧૦હજારનો દંડ અને જો દંડ ને ભરે તો વધુ એક વર્ષની સજા ભોગવવા હુકમ કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application