અમરેલીના ચિતલના યુવાનની હત્યામાં આરોપીને આજીવન કેદ

  • June 07, 2023 12:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચિતલમાં પ્રેમલગ્ન સબબ યુવાનની ઘાતકી હત્યા નિપજાવાના કેસમાં આરોપી પૃથ્વી સરવૈયાને આજીવન કારાવાસની અમરેલી એડિશનલ સેશન્સ કોર્ટે સજા ફટકારી છે. આ કેસમાં સંડોવાયેલા અન્ય પાંચ આરોપીઓને અગાઉ આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી જયારે ત્રણ આરોપીઓ જામીન પર મુકત થયા બાદ ફરાર થઈ ગયા હોય જે પૈકી હાલનો આરોપી પકડાઇ જતા તેની સામેનો કેસ ચાલી જતા તેમાં કોર્ટે તેને સજા ફટકારી છે.
​​​​​​​
હત્યાના આ કેસની જાણવા મળતી વિગતો મુજબ ગત તા.૨૭/૧૧/૨૦૧૧ના રાત્રીના ચિતલમાં રહેતા રાજેશ ઉર્ફે ગટાભાઈ પરસોતમભાઈ પંડયાની અહીં ચિતલનાં જ ભીખો કાળુભાઈ સરવૈયા, હરપાલ અજીતસિંહ સરવૈયા, પૃથ્વી વનરાજસિંહ સરવૈયા, મહાવીર બાબાભાઈ સરવૈયા, દેવકુ ધીરૂભાઈ ગઢવી, ઘનશ્યામ જયંતીભાઈ દેસાઈ, સત્યદિપ પદુભા સરવૈયા અને પપ્પુ અજીતસિંહ સરવૈયા સહિતનાઓએ મળી છરી, તલવાર, પાઈપ, લાકડી, ધારીયા સહિતના હથિયારો વડે હુમલો કરી હત્યા નિપજાવી હતી જે અંગે મૃતકનાં ભાણેજ ધર્મેન્દ્ર લાભશંકરભાઈ મહેતાએ ફરિયાદ નોંધાવી હતી.


ફરિયાદમાં જણાવ્યું હતું કે, બનાવના દિવસે રાજેશ ઉર્ફે ગટાભાઈ તેની પત્ની ભાનુ સાથે ચિતલ અમરેલી રોડ કબ્રસ્તાન પાસેથી પસાર થતા હતા ત્યારે આરોપીઓએ અલગ-અલગ વાહનમાં અહીં ધસી આવી ગાળા-ગાળી કરી તારી પત્ની સાથે છે જેથી જવા દઈએ છીએ તેવું કહ્યું હતું. બાદમાં રાજેશભાઈએ તેની પત્ની ભાનુને ચિતલ મોકલી દીધી હતી અને બાદમાં તેમણે ભાણેજ ધર્મેન્દ્ર મહેતાને ફોન કરી કહ્યું હતું કે, તેમણે કરેલા પ્રેમલગ્નનો ખાર રાખી મારા પર હુમલો કરવા કેટલાક શખ્સો આવ્યા હતા જેથી ભાણેજે કહ્યું હતું કે, તમે ઝઘડો કરતા નહીં હું અમરેલીથી ટીંબા ગામ પાસે આવું છું. અહીં ટીંબા ગામેથી બંને મામા-ભાણેજ અલ્ટો કાર લઈને ચિતલ જતા હતા ત્યારે રસ્તામાં આરોપીઓએ રાજેશભાઈ પર જીવલેણ હુમલો કરી તેમની હત્યા નિપજાવી હતી. વર્ષ ૨૦૧૬માં આરોપીઓ વિરુઘ્ધ કેસ ચાલી જતા અદાલતે આરોપી લખધીરસિંહ ઉર્ફે ભીખો, મહાવીરસિંહ સરવૈયા, ઘનશ્યામ દેસાઈ, સત્યદિપ સરવૈયા, ક્રિપાલ ઉર્ફે પપ્પુને આઈપીસીની કલમ ૩૦૨, ૧૪૭માં તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા ફટકારી હતી. જયારે આરોપી હરપાલ અજીતસિંહ સરવૈયા, પૃથ્વી વનરાજસિંહ સરવૈયા અને દેવકુ ધીરૂભાઈ ગઢવીને હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ તેઓ નાસી છુટયા હતા જેથી તેમની સામેનો કેસ પેન્ડીંગ હતો. દરમિયાન આરોપી પૃથ્વી વનરાજસિંહ સરવૈયા રહે.ચિતલને પોલીસે ઝડપી લઈ કોર્ટ સમક્ષ રજુ કરી જેલ હવાલે કરવામાં આવ્યો હતો. આરોપી પૃથ્વી વિરુઘ્ધના કેસમાં માત્ર આખરી દલીલો જ બાકી હોય સરકાર પક્ષે સ્પે. પી.પી. તરીકે રાજકોટનાં દિપક ત્રિવેદીની નિમણુક કરાઈ હતી જેમની દલીલનો માન્ય રાખી પૃથ્વી સરવૈયાને હત્યા સહિતની કલમો હેઠળ અમરેલી સેશન્સ કોર્ટે તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા ફટકારી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application