ગોંડલના વ્હોરા કોટડામાં મોડીરાત્રે માથાકૂટ: સાત ઘાયલ

  • June 03, 2023 01:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલના વ્હોરા કોટડામાં ગતમોડી રાત્રે લોહિયાળ મારામારી થઈ હતી. બે વાહનમાં ધસી આવેલા છથી વધુ શખસોએ ધોકા, પાઈપ, ધારિયા વડે ખૂની હુમલો કરતા છથી સાત વ્યક્તિને નાનીમોટી ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્ત ચારને રાજકોટ ખસેડાયા હતા. એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. હુમલાખોરો દ્વારા હવામાં ફાયરિંગ પણ કર્યાના આક્ષેપો કરાયા છે. ખાણ ખનિજ વિભાગમાં થયેલી ફરિયાદનો ખાર રાખી ભરડિયાના સંચાલકે તેના સાગરીતો સાથે મળી હુમલો કર્યાનો પણ આરોપ મુકાયો છે. ગોંડલ પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી હતી.
બનાવ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ ગત મોડી રાત્રે થયેલી મારામારીમાં ઈજાગ્રસ્તો ચિરાગ ગીરધર ભાસા ઉ.વ.૨૨, જયેશ હરિ ભાસા ઉ.વ.૩૫, નરેશ હરિ ભાસા ઉ.વ.૩૪, દિવ્યેશ ભાસાને સારવારમાં રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તો પૈકીના નરેશ ભાસાના કથન મુજબ વોરા કોટડા ગામની હદમાં ખનિજ ખનન ચાલતુ હોય તે બાબતે ખાણ-ખનિજ વિભાગમાં કોઈએ ફરિયાદ કરી હતી. જેને લઈને ખાણ-ખનિજ વિભાગના અધિકારી, ટીમ તપાસ માટે આવી હતી એ સમયે કાકાનો પુત્ર (ભાઈ) ત્યાં જોવા માટે ગયો હતો. જેનો ખાર રાકીને હુમલો કરાયો હતો.
ગત રાત્રીના સાડાઅગ્યાર વાગ્યા બાદ ભરડિયો ચલાવતા નાથા રાણાભાઈ, કુંભા ચોથાભાઈ ગોલતર, તેનો પુત્ર રોહિત, ભાઈઓ હથા તથા મૈયા ગોલતર સહિતના કાર ફોર વ્હીલ અને બુલેટમાં ધસી આવ્યા હતા. ગામના દરવાજા પાસે જ આવી ચડી તમે જ ખાણ-ખનિજમાં ફરિયાદ કરો છો કહી ધારિયા, ધોકા, પાઈપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ગામના સુધીર અ‚ણભાઈ બગડા, રાજેશ ભલા બગડા પણ ઘાયલ થયા હોવાનું અને હુમલાખોરો પૈકીનાએ હવામાં ફાયરિંગ કરીને ધમકી આપી હુમલો કર્યાના પણ ઈજાગ્રસ્ત નરેશે આક્ષેપો કર્યા હતા. હુમલામાં ચિરાગ ભાસાને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી.
​​​​​​​
ગોંડલ પોલીસે હુમલા અને આક્ષેપોને લઈને ઈજાગ્રસ્તની ફરિયાદ નોંધવા તેમજ વધુ કોઈ ઘટના ન ઘટે તે માટે ગામમાં બંદોબસ્ત ગોઠવી દીધો છે. ખાણ-ખનિજ ખનન માફિયાઓ દ્વારા અગાઉ પણ અન્યત્ર સ્થળોએ પણ હુમલાઓ થતા રહ્યા છે જે આક્ષેપો થયા છે કે ખનિજ ખનનની અરજી થતા હુમલો કરાયો છે. જે જો સત્ય હોય તો સ્થાનિક ખાણ-ખનિજ વિભાગ અને પોલીસની ઢીલી નીતિ કે અસમપોશી, આંખ આડા કાન હશેને ખનિજ ચોરી થતી હશે?ની પણ આંકાઓ ઉદભવી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application