હાપા યાર્ડ પાસે વેપારીની જમીન પચાવી પાડનાર પિતા-પુત્ર સામે લેન્ડ ગ્રેબિંગ અંગે ગુનો

  • December 18, 2023 09:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૬ પ્લોટવાળી જમીનનો કબજો કરી ગેરકાયદે રસ્તો બનાવ્યો: ખાલી નહીં કરી ધમકી આપી

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ રોડ પર આવેલી જામનગરના એક વેપારીની જમીનમાં ગેરકાયદે પેશ કદમી કરી જમીન પચાવી પાડવા અંગે જામનગરના  પિતા-પુત્ર સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંગે ગુનો નોંધાયો છે. જમીનનો કબજો કરી લઈ તેમાં રસ્તા બનાવી લીધા બાદ જમીન ખાલી નહીં કરી પતાવી દેવાની ધમકી આપતાં મામલો આખરે પોલીસમાં પહોચ્યો હતો.
જામનગરમાં મહાવીર સોસાયટીમાં રહેતા અને અનાજ કરિયાણાનો વેપાર કરતા નિશાંતભાઈ ગિરધરલાલ મોરજરીયા નામના લોહાણા વેપારી કે જેઓની જામનગર નજીક હાપા માર્કેટિંગ યાર્ડ રોડ પર રેવન્યુ સર્વે નંબર ૪૬૭,૪૬૮/૧ ના પેટા પ્લોટ નંબર ૬ વાળી જમીન આવેલી છે. જે જમીનનો ગેરકાયદે રીતે કબજો કરી લેવાયો હતો, અને જામનગરમાં કૌશલ નગરમાં રહેતા રસિકભાઈ જેઠાલાલ ભરડવા અને દિશાંત રસિકભાઈ ભરડવા નામના પિતા-પુત્ર દ્વારા જમીનમાં પેશ કદમી કરી લઈ પોતાના આવવા જવા માટેના રસ્તા વગેરે બનાવી લેવાયા હતા.
જે અંગેની ફરિયાદી વેપારીને જાણ થતાં તેઓએ  પોતાની જમીન ખાલી કરી દેવા માટે જણાવ્યું હતું. પરંતુ પિતા પુત્ર એ જમીન ખાલી નહીં કરી ફરીથી જમીન ખાલી કરવા માટે દબાણ કરશે તો ટાંટીયા ભંગાવી નાખશે, તેવી ધમકી ઉચ્ચારી હતી.
જેથી નિશાંતભાઈ મોરજરીયા દ્વારા જામનગરના જિલ્લા કલેકટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ અરજી કરવામાં આવી હતી. જે અરજીના અનુસંધાને સીટી એ. ડિવિઝન પોલીસને તપાસ સોંપવામાં આવી હતી, અને તેનો રિપોર્ટ તૈયાર કરાયો હતો.
જેમાં વેપારીની જમીનમાં ગેરકાયદે પેશકદમી કરવામાં આવી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેથી કલેક્ટરના આદેશ અનુસાર જિલ્લા પોલીસવડાને ગુનો દાખલ કરવા હુકમ કરાયો હતો, તે અનુસાર જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસમાં આરોપી પિતા પુત્ર રસિકભાઈ ભરડવા અને દિશાંત રસિકભાઈ સામે ધી ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ ૨૦૨૦ની કલમ ૪(૩),૫ (ગ) અને આઈપીસી કલમ ૫૦૬(૨) તથા ૧૧૪ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application