દિવાનપરામાં સાડીની દુકાનમાંથી ૧૩.૬૨ લાખની ચોરી

  • March 10, 2025 02:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
દિવાનપરા મેઇન રોડ પર આવેલી મનાલી ટેક્સટાઇલ નામની સાડીની દુકાનમાં રાત્રિના તસ્કરોએ ત્રાટકી અહીંથી રૂપિયા 13.62 લાખની મત્તા ચોરી કરી ગયા હતા. સીસીટીવી ફૂટેજમાં અગાસીએથી બે શખસો દુકાનમાં આવતા હોવાનું નજરે પડ્યું હતું. આ ફૂટેજના આધારે પોલીસે ચોરી કરનાર આ તસ્કર બેલડીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.


ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, શહેરના 150 ફૂટ રીંગ રોડ પર ગિરિરાજ હોસ્પિટલની પાછળ નવ જ્યોત પાર્કમાં રહેતા શશીકાંતભાઈ ગોપાલભાઈ રાયઠઠ્ઠા(ઉ.વ 64) દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને દિવાનપરા મેઇન રોડ પર મનાલી ટેક્સટાઇલ નામની દુકાન આવેલી છે જેમાં તેઓ ૧૪ વર્ષથી સાડીનો હોલસેલ વેપાર કરે છે.


ગઈ તા 8/3 ના રાત્રીના સવા દસેક વાગ્યા આસપાસ તેઓ તથા તેમનો પુત્ર અને દુકાનનો સ્ટાફ દુકાન બંધ કરી તાળા મારી ઘરે જતા રહ્યા હતા. તા. 9/3 ના સવારના 10:00 વાગ્યે આસપાસ ફરિયાદી ઘરે હતા ત્યારે તેમના પુત્ર વિજયનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, તમે જલ્દીથી દુકાને આવો દુકાનમાં ચોરી થઈ છે જેથી તેઓ તુરંત ઘરેથી અહીં એ ડિવિઝન પોલીસ સ્ટેશન આવ્યા હતા અને પોલીસને જાણ કર્યા બાદ દુકાને જતા અહીં તેમની મનાલી ટેક્સટાઇલ નામની દુકાનમાં દુકાનના કાઉન્ટરનું ત્રીજું ડ્રોઅર લોક તૂટેલો હોય જેમાં ખાનામાં રોકડ રૂપિયા 4.50 લાખ વેપારના રાખ્યા હતા. જે ચોરી થઈ ગયાનુ માલુમ પડ્યું હતું તેમજ આ ડ્રોઅરમા શ્રીનાથજી ભગવાનના બે સોનાના પેન્ડલ રાખ્યા હોય જેની પણ ચોરી થઈ ગઈ હતી. કાઉન્ટરના પાછળના ભાગે લાકડાનો કબાટ ખુલો જોવા મળ્યો હતો કબાટની અંદર ડ્રોઅર નીચે એક ચોરખાનું બનાવ્યું હોય જે ચોરખાનામાં ધંધાના રૂપિયા 9 લાખ રોકડ રાખ્યા હતા તેમજ રૂ.4,000 જેવું પરચુરણ હતું તેની પણ ચોરી થઈ ગઈ હતી.


બાદમાં દુકાનના સીસીટીવી ફૂટેજ ચકાસતા રાત્રિના 1:45 વાગ્યા આસપાસ બે અજાણ્યા શખસો અગાસીએથી દુકાનમાં પ્રવેશી જતા રહ્યા હોવાનું માલુમ પડ્યું હતું. જેથી અગાસીએ જઇ જોતા અહીં દુકાનમાં આવવાનો જે રસ્તો હતો તેનો નકુચો તૂટેલો હોવાનું માલુમ પડ્યું હતું. જેથી આ બે શખસોએ મોડી રાત્રીના અગાસીએથી દુકાનમાં પ્રવેશે કુલ રૂપિયા 13.62 લાખની મત્તા ચોરી કરી ગયા અંગે વેપારીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આ તસ્કર બેલડીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. બનાવ અંગે વધુ તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આર.જી. બારોટ ચલાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application