રાજ્યમાં એક તરફ શિક્ષણમાં 'આમૂલ પરિવર્તન' અને નવા અભ્યાસક્રમના ભવ્ય કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, તો બીજી તરફ વાસ્તવિકતા એ છે કે શાળાઓ શરૂ થયાને ૧૦ દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં લાખો વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકો વગર અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હેમાંગ રાવલે પત્રકાર પરિષદમાં આ અંગે ગંભીર આક્ષેપો કર્યા છે.
શાળા શરૂ થયા પહેલા જ વિદ્યાર્થીઓના હાથમાં પુસ્તકો હોવા જોઈએ, પરંતુ વર્તમાન સ્થિતિ ચિંતાજનક છે. રાવલે રજૂ કરેલા દસ્તાવેજો મુજબ, રાજ્યના ૨૦૮ વિતરણ રૂટમાંથી માત્ર ૧૫ રૂટ પર જ પુસ્તકો પહોંચ્યા છે, જ્યારે ૧૯૩ રૂટ હજુ પણ ખાલી છે. પરિણામે રાજ્યના ૪૦૦થી વધુ વિતરણ કેન્દ્રો પર પુસ્તકો ઉપલબ્ધ નથી, જેની સીધી અસર ખાસ કરીને ધોરણ ૯ અને ૧૧ના વિદ્યાર્થીઓના અભ્યાસ પર પડી રહી છે.
વધુમાં, પાઠ્યપુસ્તક મંડળના આંતરિક સૂત્રોને ટાંકીને એવો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે વિનામૂલ્યે વિતરણ કરવાના અનેક પુસ્તકોનું છાપકામ હજુ પૂર્ણ જ નથી થયું. આશ્ચર્યની વાત એ છે કે જે પુસ્તકો બજારમાં વેચાણ માટે મૂકવામાં આવ્યા છે તે સમયસર ઉપલબ્ધ છે, પરંતુ ગરીબ અને સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટેના નિઃશુલ્ક પુસ્તકોમાં વિલંબ થઈ રહ્યો છે.
કોંગ્રેસે આ સમગ્ર મામલાને માત્ર વહીવટી બેદરકારી નહીં, પરંતુ ગંભીર અનિયમિતતા ગણાવી તપાસની માંગ કરી છે. સરકાર પાસે જવાબ માંગવામાં આવ્યો છે કે શા માટે શૈક્ષણિક કાર્ય શરૂ થયા બાદ પણ વિદ્યાર્થીઓને પાયાની જરૂરિયાત પૂરી પાડવામાં આવી નથી. જો યુદ્ધના ધોરણે વિતરણ કરવામાં નહીં આવે અને જવાબદારો સામે કાર્યવાહી નહીં થાય, તો આગામી દિવસોમાં આ મામલે વધુ ખુલાસા કરવાની ચીમકી પક્ષ દ્વારા આપવામાં આવી છે.