કાલાવડના કોટનના બે વેપારીઓને રાજસ્થાન બોલાવી લૂંટી લેનાર બે લુટારુઓને એલસીબીની ટીમે રાજસ્થાનના અલવરમાંથી ઝડપી લીધા

  • October 03, 2023 10:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લાના કાલાવડ પંથકના વેસ્ટ કોટનના બે વેપારીઓને વેસ્ટ કોટન ખરીદવાની લાલચ આપી રાજસ્થાન બોલાવી રૂપિયા છ લાખ પંદર હજારની લુંટ ચલાવવા અંગેના પ્રકરણમાં તપાસનો દોર રાજસ્થાનના અલવર સુધી લંબાઇ ત્યાંથી બે લૂંટારુઓ ને ઝડપી લીધા છે, અને જામનગર લઈ આવી વધુ પૂછપરછ હાથ ધરી છે. તેઓની પૂછ પરછ દરમિયાન વધુ ચાર સાગરીતો ના નામો ખુલ્યા છે.


આ બનાવની વિગત એવી છે કે કાલાવડના ખોડીયાર પરામાં રહેતા અને કોટન વેસ્ટ નો વેપાર કરતા મૌલિકભાઈ ડાયાભાઈ સાવલિયા અને તેમના મિત્ર ભાવેશભાઈ કે જે બંનેને સસ્તા ભાવે કોટન વેસ્ટ આપવા બાબતે રાજસ્થાનના અલવરના કેટલાક શખ્સો એ રાજસ્થાન બોલાવી લીધા પછી તેઓને એક સ્થળે ગોંધી રાખી રૂપિયા ૬,૧૫,૦૦૦ ની લૂંટ ચલાવી હતી, ત્યારબાદ બંને યુવાનોને છોડી દેવાયા હતા.


તેઓએ જામનગર આવ્યા પછી કાલાવડ પોલીસ મથક માં પોતાને ગોંધી રાખીએ રૂપિયા ૬.૧૫ લાખની લૂંટ ચલાવવા અંગે કાલાવડ ટાઉન પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી હતી, અને રાજસ્થાનની ટોળકી નું કારસ્તાન હોવાનું જણાવ્યું હતું.


જેથી જામનગરના જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ ની સુચના થી એલસીબી ની ટુકડીએ રાજસ્થાનમાં ધામા નાખ્યા હતા, અને અલવર જિલ્લામાંથી શેહરૂનખાન શરીફખાન મેવ, તેમજ અરસદ ખાન હમીદખાન ભૂરેખા બંનેની અટકાયત કરી લીધી હતી, અને તેઓને જામનગર લઈ આવ્યા પછી કાલાવડ ટાઉન પોલીસ મથકમાં સુપ્રત કરી દેવામાં આવ્યા છે, ત્યારે પોલીસ દ્વારા તેઓ પાસેથી રૂપિયા ૩,૫૦૦ ની રોકડ રકમ અને મોબાઇલ ફોન વગેરે કબજે કરવામાં આવ્યા છે.

દરમિયાન આ કાવતરું રચવામાં તેઓની સાથે રાજસ્થાન પંથકના અન્ય ચાર લૂંટારુઓ પણ જોડાયા હતા, અને તેઓના નામ મુસ્તકીમ હબીબખાન, સમસૂ મુસ્લિમ, વસીમ હાકમદિન મેવ અને નશિમ હનીફખાન મેવ વગેરે પણ આ લુંટની ઘટનામાં જોડાયા હોવાથી તેઓની શોધ ખોળ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application