ખંભાળિયા: કૅબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને હૉમિયોપૅથી આયુષ મેળો યોજાયો

  • November 11, 2023 12:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાજપ જિલ્લા અધ્યક્ષ સહિતના અગ્રણીઓ જોડાયા

આયુર્વેદ ફોર વન હેલ્થ થીમ પર આયુર્વેદ ફોર એવરી વન ઓન એવરી ડે ટેગલાઈન પર રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ-૨૦૨૩ અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાના  અધ્યક્ષસ્થાને યોગ કેન્દ્ર, ખંભાળિયા ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.       
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ-ગુજરાત સરકાર, નિયામક આયુષની કચેરી- ગુજરાત અને જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી દેવભૂમિ દ્વારકાના દ્વારા  આયુર્વેદ, યોગ અને હોમિયોપેથીના ત્રિવેણી સંગમ સમા આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે, પ્રાચીન કાળથી આયુર્વેદનું ખૂબ જ મહત્વ રહ્યું છે. રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દિશા નિર્દેશનમાં  આયુષ દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. તેમજ આયુર્વેદના  ઉપચારને વેગવંતુ બનાવવા અલગ આયુષ મંત્રાલય બનાવવામાં આવ્યું છે.  જેને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર પણ આયુર્વેદને મહત્વ આપી રહી છે.   
વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, કોવિડ જેવી મહામારીના સમયમાં  આયુર્વેદ મહત્વનું સાબિત થયું હતું. જેને પગલે આપણે સૌએ સ્વસ્થ જીવન માટે આયુર્વેદ જરૂરથી અપનાવવું જોઈએ તેમજ આયુર્વેદ શાખાની સવિશેષ કામગીરી માટે આયુર્વેદ શાખાને અભિનંદન પણ પાઠવ્યા હતા.  
આ આયુષ મેળા અન્વયે તમામ રોગો માટે આયુર્વેદ નિદાન-સારવાર કેમ્પ, હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પ, વિવિધ આરોગ્યવર્ધક વાનગીઓનું પોસ્ટર તથા જીવંત પ્રદર્શન, દિનચર્યા - ઋતુચર્યા - વિરુદ્ધ આહાર, આપણી આસપાસ ઉગતી વનસ્પતિઓની સમજ આપતું પ્રદર્શન, હોમિયોપેથી સારવાર પદ્ધતિની માહિતી અને પ્રદર્શન, ૦ થી ૧૦ વર્ષના બાળકો માટે સુવર્ણપ્રાશન, હરસ-મસા-ભગંદર જેવા રોગોમાં અસરકારક આયુર્વેદ સારવાર, સાંધાના દુખાવાના દર્દીઓ માટે અગ્નિકર્મ ચિકિત્સા, પંચકર્મ સારવાર વગેરે સુવિધાઓ ઉપ્લબ્ધ કરાવવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ખંભાળિયા નગરપાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી, જિલ્લા ભાજપ પ્રમુખ મયુર ગઢવી, જિલ્લા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ શક્તિસિંહ જાડેજા, અગ્રણી રસિક નકુમ, સંજય નકુમ, અનિલ તન્ના, જગુભાઈ રાયચુરા, હિતેશ ગોકાણી, ઇન્દ્રજીતસિંહ પરમાર સહિત આયુર્વેદ વિભાગના અધિકારી-કર્મચારીઓ અને દર્દીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application