રાજકોટની ભાગોળે આવેલ મહિકા અને ભીંચરી વચ્ચેની સીમમાં આવેલ અલખધણી આશ્રમમાં ચિંકારા હરણના શિંગડા સહિતના અવશેષો ઝડપાતા વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળના ગુનાના સાત વર્ષ પહેલાના કેસમાં અદાલતે આશ્રમના કાળુબાપુ ઉર્ફે જયસિંહ નાથુસિંહ રાજપૂતને ત્રણ વર્ષની કેદ તેમજ દંડ સહિતનો હુકમ કર્યો છે.
આ કેસની પ્રાપ્ત હકીકતો મુજબ ૨૦૧૮ની સાલમાં રાજકોટના વન વિભાગને મળેલી બાતમીને આધારે રાજકોટની ભાગોળે ભાવનગર રોડ નજીક આવેલા મહીકાથી ભીંચરી જવાના રસ્તે આવેલા અલખધણી આશ્રમમાં તપાસ કરતા ત્યાંથી ચિંકારા હરણના માથાના શીંગડા વાળો ભાગ તેમજ પગની ખરી વગેરે અવશેષો મળી આવતા, આ બાબતે રેન્જ ફોરેસ્ટ ઓફિસરે ચિંકારા હરણ શેડ્યુલ - ૧માં આવતું હોવાને કારણે આશ્રમના કાળુબાપુ ઉર્ફે જયસિંહ નથુસિંઘ રાજપુત સામે વન્ય પ્રાણી સરક્ષણ 1972 અધિનિયમ (સુધારા 2002) હેઠળ ગુનો નોંધી કાળુબાપુની ધોરણસરની કાર્યવાહી કરી હતી. બાદમાં તપાસના અંતે ચાર્જશીટ મૂકવામાં આવતા આ કેસ અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલવા ઉપર આવ્યો હતો. જેમાં સરકાર પક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવાઓ, રજૂઆતો તેમજ સરકારી વકીલ અમર પરમારની ભારપૂર્વકની દલીલો તેમજ રજૂ કરવામાં આવેલા ચુકાદા ધ્યાને લઇ ત્રીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એમ.એમ. શુકલે અલખ ધણી આશ્રમના કાળુબાપુ ઉર્ફે જયસિંગ નથુસિંગ રાજપૂતને વન્ય પ્રાણી સંરક્ષણ 1972 અધિનિયમ (સુધારા 2002)ની કલમ 2 (2), 39 (2), 40 (1), 49 (ક), 50 (1) (ગ), 51 મુજબ દોષિત ઠરાવે ત્રણ વર્ષની કેદ અને રૂપિયા 25000 દંડ, દંડ ન ભરે તો વધુ છ માસની કેદનો હુકમ ફરમાવ્યો છે. આ કેસમાં સરકાર પક્ષે મદદની સરકારી વકીલ અમર પરમાર રોકાયા હતા.
રે અંધશ્રદ્ધા : ચિંકારાના અવશેષો બાળકોની નજર ઉતારવા રાખ્યા હતા
અલખધણી આશ્રમના કાળુ બાપુએ ચિંકારાના અવશેષો અંગે વન ખાતાને જણાવ્યું હતું કે એક વર્ષ પહેલા આશ્રમમાં અજાણ્યા ઇસમો આવ્યા હતા અને તેઓ નાના બાળકોને નજર ઉતારવા રૂ. ૪૦૦૦માં આપી ગયા હોવાનું કહ્યું હતું.