જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ હોદ્દાનો કરે છે દુરઉપયોગ: જવાહર ચાવડા

  • September 19, 2024 03:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે ત્યારે પૂર્વ કેબિનેટમંત્રી જવાહર ચાવડાએ વડાપ્રધાનને લેખિતમાં જાણ કરીને જૂનાગઢ જિલ્લા  ભાજપના પ્રમુખ સામે ગંભીર આક્ષેપ કર્યા છે.
જવાહર ચાવડાએ નરેન્દ્ર મોદીને પાઠવેલ પત્રમાં સ્પષ્ટપણે જે કાંઇ જણાવ્યુ છે તે અક્ષરસ: આ મુજબ છે.
 આ કથા છે જુનાગઢ શહેરની નવ વર્ષની વ્યથાની, આપણા શિસ્તને વરેલા પક્ષમાં કેટલાક નિયમો છે. (એક વ્યક્તિ એક હોદો, ત્રણ વર્ષનો કાર્યકાળ વગેરે) આમ તો આ નિયમો દરેક કાર્યકર્તા કે હોદેદારોને સમાન રીતે લાગુ પડે છે પરંતુ જુનાગઢ આમાં અપવાદ છે.
જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કીરીટ પટેલ છેલ્લા નવ વર્ષથી હોદા પર છે અને આ સ્થાન પર રહી અને તેનો દુરઉપયોગ કરીને બીજા સ્થાનોની પ્રાપ્તિ  કરેલ છે.
એક સાથે  જિલ્લા પ્રમુખ, બેન્કમાં પ્રમુખ અને માર્કેટીંગ યાર્ડમાં પ્રમુખ એમ ત્રણ હોદા પણ ભોગવે છે.(સત્તાના દુરઉપયોગનું આવુ ઉદાહરણ આખા ગુજરાતમાં નહીં જોવા મળે)
બે જિલ્લાના ત્રણ તાલુકાઓના યાર્ડમાં પ્રમુખપદ ભોગવ્યુ. તાલાળા, વિસાવદર અને જૂનાગઢ. કદાચ ભારતમાં પહેલીવાર આટલુ લોલમલોલ ચાલ્યુ હશે અને પ્રમુખ પદની મ્યુચ્યુલ ટ્રાન્સફર પણ કરી. (આ અસંભવ છે પરંતુ સત્તાના  દુરઉપયોગ પર હથોટી હોય અને ચડી બેસવાની વૃત્તિ હોય તો જ આ બને તેવો ગંભીર આક્ષેપ કર્યો છે. આટલા બધા પદ એ સતા લાલસાની પરાકાષ્ટા છે. કેટલાક તો એકસાથે ભોગવ્યા જેથી વિવિધ વિભાગો અને સ્થાનોમાં વસુલી કે હફતાખોરી કરીને ચરમસીમા વટાવેલ છે. 
આ અંગે મેં અને અન્ય આગેવાનો કનુભાઇ ભાલાળા, ઠાકરશીભાઇ જાવિયા, માધાભાઇ બોરીચા વગેરેએ વખતો વખત ફરીયાદ કરી હોવા છતા પણ આપના  સમક્ષ આ વાત પહોચી નથી, કયાંક કોઇ રહેમ નજર હેઠળ દબાઇ જાય છે.
આ પત્ર જાહેર એટલે કરવો પડે છે કે આપ સુધી આ વાત પહોંચે કારણકે આ માણસની ગુનાહિત બેદરકરી અને ભ્રષ્ટાચારે આપણા પક્ષને પણ નીચુ જોવુ પડે તેવા કૃત્યો કર્યા છે. આમ તો આ લિસ્ટ લાંબુ છે પરંતુ બે અક્ષમ્ય કૃત્યો જેનાથી સમગ્ર જુનાગઢની પ્રજામાં નારાજગી છે અને રોષ છે. એ જણાવુ તો જિલ્લા પ્રમુખ હોવાના તોરમાં આ માણસે ભાજપના કાર્યાલયનું બાંધકામ પણ નિયમોને નેવે મૂકીને કરેલુ છે. જે આપને કદાપિ સ્વીકાર્ય નહી થાય. જુનાગઢની જનતાને અભૂતપૂર્વ પૂરની આફતમાં સંડોવનાર કારણોમાં એક વોકળા પરના દબાણોમાં જનાબ શિરમોર છે એમના દ્વારા નિર્મિત ક્રિષ્ના આર્કેડ એટલે ખોટી મંજૂરી, ખોટું બાંધકામ અને કાયમી દબાણ હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.
અમારી સમસ્યા અને પીડા એ છે કે જો ભાજપ પ્રમુખ જ આવા કૃત્યો કરે તો પ્રજાની વચ્ચે કયાં મોઢે જવું? પ્રજાનો સામનો કેમ કરવો? તેવો સવાલ જવાહર ચાવડાએ ઉઠાવતા ભારે ચકચાર જાગી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application