૬ જુલાઈ રાજકોટ સ્થાપના દિન : રંગીલા રાજકોટનો ૪૧૪મો જન્મદિન

  • July 05, 2024 12:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


​​​​​​​૬ જુલાઈ એટલે રાજકોટનો સ્થાપના દિન. આપણા રંગીલા રાજકોટનો ૪૧૪મો જન્મદિવસ. રાજકોટ એ આ વર્ષોમાં રાજવી ઠાકોર વિભાજીથી લઈ હાલનાં રાજવી માંધાતાસિંહ સુધીના સમયને જોયો છે. ૪૧૩ વર્ષ પહેલા ઈ. સ. ૧૬૧૦મા જાડેજા રાજવી ઠાકોર વિભાજી અને તેના વિશ્વાસુ સાથીદાર રાજુ સંધિએ આજી નદીના કાંઠે ગામ વસાવ્યું. તેના નામ ઉપરથી જ શહેરનું નામ રાજકોટ થયું. શરૂઆતમાં રાજકોટ હાલના કોઠારીયા નાકા,રૈયા નાકા,બેડી નાકા અને ભીચરી નાકાની અંદર ઊંચાઈ પર વસેલું હતું.સમય જતા મોગલ વંશનું શાસન ફેલાતા ઈ. સ.૧૭૭૬મા જૂનાગઢના નાયબ ફોજદાર માસુમખાને સરધાર કબજે કરી રાજકોટમા થાણું નાખી, રાજકોટનું નામ માસૂમાબાદ કર્યું હતું. ત્યારબાદ અંગ્રેજોનું શાસન આવતા રાજકોટને ફરી રાજ પરિવાર મળ્યો.

               
રાજકોટના રાજવીઓએ ધર્મેન્દ્રસિંહજી લો કોલેજ, રાજકુમાર કોલેજ,ધર્મેન્દ્રસિંહજી કાપડ માર્કેટ, બાવાજીરાજ સ્કૂલ, ધર્મેન્દ્રસિંહજી કાપડ માર્કેટ, લાખાજીરાજ લાઇબ્રેરીનું નિર્માણ કર્યું. તત્કાલીન દુકાળને પહોંચી વળવા લોકોને રોજગારી મળી રહે તે માટે રાજવી દ્વારા રણજીત વિલાસ પેલેસનું પણ નિર્માણ કરાયું હતું.

               
આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પિતા કરમચંદ ગાંધી તત્કાલીન રાજવી બાવાજીરાજના દીવાન હતા અને આ સંબંધના નાતે રાજકોટનું રાજપાટ તત્કાલીન રાજવી શ્રી ધર્મેન્દ્રસિંહજીએ લોકશાહીને મજબૂત બનાવવા સરળતાથી ગાંધીજીને સોંપી દીધું હતું. રાજાશાહી સમયમાં ટ્રેન સેવા માટે રાજવીઓએ મોટું દાન પણ આપ્યું હતું.જે તે સમયે મચ્છરોનો ત્રાસ પણ ખૂબ વધતા રાજવીએ સૌપ્રથમ પોતાના મહેલમાંથી મચ્છર જાળી કાઢી લોકોને સુરક્ષિત કરવા આપી દીધી હતી. આમ પ્રજા વત્સલ રાજવી તરીકેનું ઉત્તમ ઉદાહરણ તેમણે પૂરું પાડ્યું હતું.


રાજકોટને પ્રજા વત્સલ અને લોક ખેવનાવાળા રાજવીઓ મળ્યા તેના કારણે રાજકોટનો અવિરત વિકાસ થતો રહ્યો જે લોકશાહીમાં પણ આગળ વધતો જ રહ્યો છે.આઝાદી પછી સૌરાષ્ટ્ર રાજ્ય બન્યું અને ઉચ્છરંગરાય ઢેબર જેવા લોકપ્રિય મુખ્યમંત્રી પણ રાજકોટને મળ્યા જેણે રાજકોટના વિકાસને આગળ વધાર્યો.


૧ મે ૧૯૬૦ના સૌરાષ્ટ્ર ગુજરાત રાજ્યમાં ભળી ગયું અને આજદિન સુધી રાજકોટે વિકાસના મામલે પાછળ વળીને જોયું નથી. ૧૯૩૮માં રાજકોટમાં પ્રથમ જીનમીલ કરણપરામાં ચાલુ થઇ હતી અને ૧૯૪૨મા પ્રથમ કાપડ મિલ શરૂ થઈ. ૧૯૫૨માં એશિયાના સૌ પ્રથમ ઇન્ડસ્ટ્રીયલ એરીયા ભક્તિનગર ઇન્ડસ્ટ્રીયલ એરિયાનો પ્રારંભ થયો. આજે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ ક્ષેત્રે રાજકોટ દેશ અને દુનિયામાં અગ્રેસર છે. રાજકોટમાં અનેક ઉદ્યોગ સાથે અનેક લોકો રાજકોટને મહાત્મા ગાંધીના જીવન કવનના મહત્વના કારણે મુલાકાત લે છે ત્યારે રાજકોટમાં કબા ગાંધીનો ડેલો, જૂની આલ્ફ્રેડ હાઇસ્કુલ કે જે હાલ મહાત્મા ગાંધી મ્યુઝિયમ છે, રિજીયોનલ સાયન્સ સેન્ટર સહિત નજીકના વિસ્તારમાં ઓસમ ડુંગર, ખંભાલીડાની ગુફાઓ, ઘેલા સોમનાથ જેવા અનેક ફરવાના સ્થળો છે. શહેરમાં ભૂગર્ભ જળના સ્તરને વધારવાની સાથે અટલ સરોવર હાલ રાજકોટની જનતાનું લોકપ્રિય અને રમણીય પ્રવાસન સ્થળ બન્યું છે.


રાજકોટ શૈક્ષણિક ક્ષેત્રે પણ અવ્વલ છે.વિદેશી તથા એન.આર.આઈ વિદ્યાર્થીઓ પણ હાલ રાજકોટમાં અભ્યાસ કરી રહ્યા છે.આરોગ્ય ક્ષેત્રે પણ રાજકોટમાં અનેક ખાનગી અને સરકારી સ્તરે એઈમ્સ, પદ્મકુવરબા પંડિત દીન દયાલ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલ, જનાના જેવી આલા દરજ્જાની હોસ્પિટલ કાર્યરત છે, જે સૌરાષ્ટ્રના દર્દીઓ માટે આશીર્વાદરૂપ છે.


આંતરમાળખાકીય સુવિધા ક્ષેત્રે રસ્તા, વિજળી જેવી દરેક સવલત સાથે આજે સૌની યોજના દ્રારા રાજકોટમાં દરેક ઘરે પાણીની સવલત પણ ઉપલબ્ધ છે. લાઈટહાઉસ જેવા અત્યાધુનિક આવાસો રાજકોટની જનતા માટે આશીર્વાદરૂપ બન્યા છે. રાજકોટના સૂકા વાતાવરણ અને સૌરાષ્ટ્રમા કોઈ બારમાસી નદી ન હોવા છતા હજારો કિ. મી. અંતરથી પાઈપલાઈન દ્રારા પણ આજે નર્મદાના નીર સૌની યોજના મારફતે રાજકોટના ઘરે ઘરે પહોંચ્યા છે.

રમત ગમત માટે અનેક સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ અને આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રિકેટ માટે ખંઢેરી સ્ટેડિયમ પણ કાર્યરત છે. કલા અને સંસ્કૃતિને પ્લેટફોર્મ પૂરું પાડવા સરકારી સ્તરે હેમુ ગઢવી હોલ, અટલ બિહારી બાજપાઈ ઓડિટોરિયમ અને પ્રમુખસ્વામી ઓડિટોરિયમ કાર્યરત છે. જેમાં અનેક રાષ્ટ્રીય સ્તરના નામી કલાકારોએ પોતાની કલા રજૂ કરી છે.

આધુનિક સમયમાં પરિવહન ક્ષેત્રે પણ રાજકોટ એ કેટલાક આયામો સ્થાપિત કર્યા છે.જેમાં દેશના પ્રમુખ શહેરો સાથે રેલ સેવા, બસ સેવાઓ સાથે જોડાયું છે.રાજકોટથી કન્યાકુમારી જમ્મુ,જગન્નાથપુરી સાથે રેલ સેવા જોડાયેલી છે. વંદે ભારત જેવી અત્યાધુનિક ટ્રેનો પણ હવે ઉપલબ્ધ છે. તો હવાઇ ક્ષેત્રે રાજકોટ પાસે ડોમેસ્ટિક એરપોર્ટની સુવિધા વર્ષોથી હતી જ જેની સાથે આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી આપવા હિરાસર ગ્રીન ફિલ્ડ એરપોર્ટ દ્વારા હાલ આંતરરાષ્ટ્રીય હવાઈ સુવિધાનો લાભ રાજકોટની પ્રજાને મળી રહ્યો છે.

રાજકોટમાં કુદકે ને ભૂસકે વધતા વિકાસની સાથે વસ્તી પણ એક અંદાજ મુજબ ૩૦ લાખ સુધી પહોંચી છે ત્યારે રાજકોટના સડક માર્ગો પણ ફોરલેન- સિકસ લેન બની ચૂક્યા છે.રાજકોટ શહેરમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે આઝાદી પહેલાનો ભાવનગરના રાજા દ્રારા નિર્મિત કેસરી જય હિન્દ પુલ,પારેવડી ચોક બ્રિજ,ઉપરાંત નવા બનેલ સિવિલ હોસ્પિટલ બ્રિજ, કે.કે.વી બ્રિજ, ૧૫૦ ફૂટ બ્રિજ, ગોંડલ ચોકડી, માધાપર ચોકડી બ્રિજ નિર્માણ થઈ ચૂક્યા છે. હજુ નવા ૪ બ્રિજ આગામી દિવસોમાં નિર્માણ પામશે. રાજકોટ અને સોમનાથ વચ્ચે પણ ફોરલેન હાઈવે સિકસલેન ઓનલાઇન બનવાની તજવીજ હાથ ધરાઈ છે. જ્યારે રાજકોટ-અમદાવાદ સિકસલેન નિર્માણાધીન છે.રાજકોટ થી દ્વારકા વચ્ચે પણ ફોરલેન જ્યારે રાજકોટ મોરબી વચ્ચે પણ સિકસલેન માર્ગ નિર્માણાધીન છે.

જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રે પણ રાજકોટએ દેશમાં અગ્રગણ્ય સ્થાન મેળવ્યું છે. રાજકોટના સોના, ચાંદી તથા ઇમિટેશન જ્વેલરી દેશ તથા દુનિયામાં અને બોલીવુડમાં પણ અત્યંત લોકપ્રિય થઈ છે. રાજકોટએ સમગ્ર સૌરાષ્ટ્રનું હાર્દ છે. ત્યારે રાજકોટની આ અનેક સફળતાઓ અને પ્રગતિ સાથે રાજકોટને જન્મદિવસ મુબારક.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News