"સહકારી ક્ષેત્ર" એટલે લોકોને ઓછા વ્યાજદરે આર્થિક રીતે મદદ કરીને તેમના રોજગાર-ધંધા અને સ્વપ્નોને પૂરા કરવાના હેતુ સાથે ધબકતું ક્ષેત્ર. સહકારી ક્ષેત્રની આ વિચારધારાને સારી રીતે પરિપૂર્ણ કરે છે રાજકોટ જિલ્લાની “ઝાંસી લક્ષ્મીબાઈ મહિલા શરાફી સહકારી મંડળી”.
"સહકારથી સમૃધ્ધિ"ના સૂત્રને ચરિતાર્થ કરતી ઝાંસી લક્ષ્મીબાઈ મહિલા શરાફી મંડળીના ઉદભવ વિશે વાત કરતાં મેનેજર અશોક સોલંકીએ જણાવ્યું હતું કે, આજદિન સુધી મેં અનેક જગ્યાએ નોકરી કરી છે પણ જ્યારે મને ખબર પડી કે મારી ગૌરીદળ ગામની ઓફીસમાં સફાઈ કામ કરતી મહિલાઓ રોજગારને વેગ આપવા અને ઘરની જરૂરીયાતોને પુરી કરવા ઊંચા વ્યાજદરે ધિરાણ લઈને જીવન જીવી રહ્યા છે. ત્યારે આ વાતે મારા મન ઉપર ઉંડી અસર કરી અને વિચાર આવ્યો કે સહકારી ક્ષેત્રની વ્યાખ્યાને સાબિત કરતી મંડળીની રચના કરવી જોઈએ, જેમાં આર્થિક શોષણ થયા વિના મહિલાઓનો સામાજિક અને આર્થિક ઉત્કર્ષ સુનિશ્ચિત થાય. બસ, આ વિચારને અમલમાં મુકીને માત્ર ૧૦૦ બહેનોના સહકાર સાથે વર્ષ ૨૦૧૬માં ૮૦ થી ૮૫ લાખના ધીરાણ સાથે ઝાંસી લક્ષ્મીબાઈ મહિલા શરાફી મંડળની શરૂઆત કરી હતી.
સહકારના અમૃતબિંદુ સાથે ભાડાના મકાનથી શરૂ કરીને આજે પોતાની માલિકીની અસ્કયામતમાં ઝાંસીની મહિલા મંડળીમાં વિશ્વાસના તાંતણે આજે ૮૦૦૦થી વધુ મહિલા સભ્યો જોડાયા છે. જેમાંથી અત્યારે ૪૦૦૦ મહિલાઓએ પર્સનલ લોન મેળવી છે. છ વર્ષના ટુંકાગાળામાં મંડળી રૂ. ૪૨ કરોડની ધીરાણ, રૂ. ૪૦ કરોડની થાપણ, રૂ. ૬ કરોડની શેર કેપીટલ અને રૂ. ૭ થી ૮ કરોડની સરપ્લસ સાથે મંડળીએ અનેક મહિલાઓના જીવનમાં રોનક લાવી છે. તેમની સમસ્યાઓને સાંભળીને કોઈ પણ પ્રકારના ફોર્મ ચાર્જ લીધા વિના, આંટીઘુંટી ભર્યા નિયમો વિના બહુ સરળતાથી ન્યુનત્તમ વ્યાજના દરે પર્સનલ લોન આપવામાં આવે છે. કોરોના કાળમાં મંદ પડેલા રોજગાર-ધંધાને ફરી ઉભા કરવા રાજયસરકારે આત્મનિર્ભર લોન જાહેર કરી હતી. જે અંતર્ગત અમારી મંડળીએ આશરે ૪૬ મહિલાઓને ૨ ટકાના વ્યાજે રૂપિયા ૧ લાખની લોન આપી હતી. મંડળીને શરૂ કરવામાં રાજકોટ જિલ્લા રજિસ્ટ્રાર કચેરીનો સક્રિય સહયોગ મળ્યાનું મેનેજર અશોક સોલંકીએ જણાવ્યું હતું.
રાજકોટ જિલ્લા રજિસ્ટ્રાર વિશાલ કપુરીયાએ ઝાંસી મહિલા શરાફી મંડળીને સ્ત્રી સશક્તિકરણનું સચોટ ઉદાહરણ દર્શાવતા કહ્યું હતું કે, હાલના તબક્કે સહકાર ક્ષેત્રે મહિલાઓની સહભાગિતામાં વધારો કરવા માટે ઝાંસી મહિલા શરાફી મંડળી જેવી સંસ્થાઓ મહત્વની ભુમિકા અદા કરી રહી છે. સહકારથી સમૃધ્ધિના આયામ સર કરતી આ મંડળી મહિલાઓને આત્મનિર્ભર તો બનાવી જ રહી છે સાથો સાથ અન્ય સંસ્થાઓ અને સહકાર ક્ષેત્રે સહભાગિતા, મહિલા ઉત્થાન અને સ્ત્રી સશક્તિકરણ માટે દિશાસુચક છે.
મંડળી સાથે છેલ્લા સાત વર્ષથી એકાઉન્ટંટ તરીકે કામ કરતાં સજ્જનબેન રાઠોડે કાર્યાનુભવ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, મંડળી પરિવારની ભાવના સાથે ચલાવવામાં આવે છે. અમને સરકારી કર્મચારીની જેમ ગ્રેચ્યુઈટી, ઈ.પી.એફ., ઈ.એસ.આઈ.સી., પગાર, બોનસ બધુ આપવામાં આવે છે. અહીંની કામગીરી અમને રોજગારી સાથે અનેરા આત્મસંતોષની અનુભૂતિ કરાવે છે. આ મંડળી થકી અનેક મહિલાઓના જીવનમાં ખુશીઓનો સોનેરી પ્રકાશ ફેલાયો છે. હાઉસ વાઈફ અને નાનો મોટો વેપાર કરતી મહિલાઓ સરળતાથી પર્સનલ લોન મેળવીને આર્થિક રીતે પગભર થઈ છે. ૪૦ થી ૫૦ મહિલાઓની તો હું સાક્ષી છું કે જેઓ વ્યવસ્થિત લોન ભરપાઈ કરીને આત્મનિર્ભર બની છે.
મંડળીમાંથી પર્સનલ લોન લઈને પુત્રવધુને આર્થિક રીતે સ્વતંત્ર બનાવનાર શિલ્પાબેન ભટ્ટીએ કહ્યું હતું કે, હું છેલ્લા પાંચ વર્ષથી આ મંડળી સાથે જોડાયેલી છું. પર્સનલ લોન લઈને મેં ઘરનું રીનોવેશન કરાવ્યું, પુત્રવધુને પાર્લરનો વ્યવસાય શરૂ કરાવીને જાતે કમાતી કરી. આ મંડળી ખરેખર મહિલાઓના ઉત્કર્ષ માટે ખુબ સારું કામ કરી રહી છે. લોનના હપ્તા પણ અમારી ક્ષમતાઓ મુજબના કરી આપે છે. શિલ્પાબેનની વાતમાં સુર પુરાવતાં ગૌરીબેન ઝાલાએ ઉમેર્યું હતું કે, અન્ય બેંકો અને મંડળી ઉંચા દરે લોન આપે છે જ્યારે મંડળીમાં ન્યુનત્તમ ૧૧ ટકાના દરે લોન આપવામાં આવે છે. આ મંડળીની લોનને કારણે અનેક મહિલાઓનું ઘરના ઘરનું સ્વપ્ન, પ્રસંગ, નોકરી ધંધા અને નાની મોટી જીવન જરૂરિયાત પુરી થઈ રહી છે. અહીંનો સ્ટાફ પણ ખૂબ સહયોગી છે. ઝાંસી ધનલક્ષ્મી, ઝાંસી પુત્રી રત્ન, ઝાંસી વીરાંગના, ઝાંસી ધનવૃધ્ધિ, ઝાંસી આવક યોજના વગેરે જેવી પારદર્શક યોજનાઓને કારણે મહિલાઓ ભવિષ્ય માટે બચત કરી શકે છે. ઝાંસી મંડળીએ મહિલા માટે સહકારને સાચા અર્થમાં સાકાર કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, સહકારની ભાવના અને મહિલાઓના ઉત્થાન માટે કામ કરતી મંડળીનો સમગ્ર સ્ટાફ મહિલાઓનો જ છે. બોર્ડ મેમ્બરની ૧૫ મહિલા સભ્યોથી લઈને એડમીનીસ્ટ્રેટીવ ઓફિસર, આસીસ્ટન્ટ સોફટવેર ડેવલપમેન્ટ ઓફિસર, એકાઉન્ટન્ટ, કેશિયર, લોન ઓફિસર, રીકવરી ઓફિસર, રીકવરી કો-ઓર્ડીનેટર, કેરટેકર, પ્યુન વગેરે તમામ જગ્યાઓ મહિલાઓ જ દક્ષતાપૂર્વક સંભાળી રહી છે.
રાજય સરકારના સહકારી ક્ષેત્રના વિકાસ માટેના અનેક પરિણામલક્ષી પગલાઓને લીધે દૂધ ઉત્પાદકો અને ખેડુતો માટે સહકારી મંડળીઓ મહત્વની ભુમિકા ભજવી રહી છે. ત્યારે રાજકોટ જિલ્લાની મહિલા શરાફી મંડળી "સહકારથી સમૃધ્ધિ"ના પરિમાણ પર ચાલીને ખરી રીતે અન્ય મંડળીઓ માટે આદર્શરૂપ બની રહી છે તેમાં બેમત નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech