જામનગરમાં રવિવારે ખીજડા મંદિરે જન્માષ્ટમી શોભાયાત્રા સંકલન સંમેલન

  • September 02, 2023 11:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જન્માષ્ટમીની નીકળશે ભવ્ય શોભાયાત્રા: ૨૦ જેટલા ધાર્મિક ફલોટ્સ સાથે કૃષ્ણ જન્મના થશે વધામણા: શોભા યાત્રાના રૂટ પર ઠેર-ઠેર મટકીફોડ સ્વાગત માટે આયોજન

ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને વધાવવા માટે સમગ્ર દેશમાં હર્ષલ્લાસપૂર્વક વિવિધ આયોજનો થઈ રહ્યા છે ત્યારે જામનગરમાં પણ પ્રતિવર્ષની માફક આ વર્ષે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા નું ૧૭ માં વર્ષે આયોજન થઈ રહ્યું છે. જે અંતર્ગત રવિવારે જન્માષ્ટમી શોભાયાત્રા સંકલન સંમેલન યોજવા જઈ રહ્યું છે.
ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ ને વધાવવા માટે જામનગરમાં સાર્વજનિક શોભાયાત્રા અંતર્ગત શહેર ભરમાં ૧૭ જેટલા જાહેર સ્થળોએ જન્માષ્ટમી શોભાયાત્રામાં આહવાન કરતા જુદા જુદા સંસ્થા અને મહાનુભાવોના સહયોગથી ૧૫૦થી વધુ બેનરો લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ઓટો રીક્ષા અને જાહેર સ્થળોએ સામાજિક અને રાજકીય અને સામાજિક અગ્રણીઓ દ્વારા જન્માષ્ટમી શોભાયાત્રામાં આહવાન કરતા મોટા બેનર અને હોર્ડિંગ્સો પણ લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત શ્રી કૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા સમિતિ દ્વારા ૫,૦૦૦ થી વધુ બાઈક અને વિવિધ વાહનો માટે ભગવાન કૃષ્ણના રાઉન્ડ સ્ટીકર લગાવી કાનામયી વાતાવરણ બનાવવામાં આવ્યું છે. ત્યારે જન્માષ્ટમી પહેલા જ જામનગરમાં સાર્વજનિક શોભાયાત્રા માટે ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે.
શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રા પૂર્વે આ વર્ષે શોભાયાત્રા તેમજ મટકી ફોડ અને સ્વાગત કાર્યક્રમને સુચારુંરૂપે દિવ્ય અને ભવ્યતા પૂર્વક યોજવા જન્માષ્ટમી શોભાયાત્રા સંકલન સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
જામનગરમાં નીકળનાર શ્રીકૃષ્ણ જન્માષ્ટમી ની સાર્વજનિક શોભાયાત્રા શ્રી ૫ નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી ૭, સપ્ટેમ્બર ૨૦૨૩ ના ગુરુવારે સવારે ૯:૦૦ કલાકે પ્રસ્થાન કરશે. આ શોભાયાત્રામાં ૨૦ જેટલા વિવિધ સંગઠનોના ધાર્મિક ફ્લોટ્સો જોડાવાના છે. આ ઉપરાંત ૧૧ થી વધુ સ્થળોએ શોભાયાત્રા દરમિયાન મટકી ફોડ અને સ્વાગત માટે પણ અદકેરું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન અંગે સૌ પ્રથમ વખત જામનગરમાં ગોકુળિયા જેવો માહોલ બનાવવા માટે શ્રી ૫ નવતનપુરી ધામ, ખીજડા મંદિર, જામનગર ખાતે ૩, સપ્ટેમ્બર, ૨૦૨૩ના રવિવારે સાંજે ૭.૦૦ વાગ્યે શ્રી કૃષ્ણ પ્રણામી ધર્માંચાર્ય ૧૦૮ કૃષ્ણમણિજી મહારાજની નિશ્રામાં જન્માષ્ટમી શોભાયાત્રા સંકલન સંમેલન યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે.
છોટીકાશી ગણાતા જામનગરમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ૧૭માં વર્ષે નીકળનાર સાર્વજનિક શોભાયાત્રામાં જોડાનાર તમામ ધાર્મિક સંસ્થા, સામાજિક સંસ્થા, રાજકીય અગ્રણીઓ અને ધર્મપ્રેમીઓનું ખાસ સંમેલન યોજવામાં આવ્યું છે. આ સંમેલનમાં ઉપસ્થિત રહેવા શ્રીકૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા સમિતિના કિંજલભાઈ કારસરીયાની યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application