જામનગરમા બ્રાસ ઉદ્યોગની પ્રતિષ્ઠિત સંસ્થાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર

  • June 04, 2025 11:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૧૯૪૮માં સ્થપાયેલી "ફેક્ટરી ઓનર્સ એસોસિએશન" બ્રાસ ઉદ્યોગના ભાવિ નેતૃત્વ માટે ૨૩ કારોબારી સભ્યો માટે ૧૫૪૧ મતદારો કરશે મતદાન


જામનગર તા ૪, વિશ્વભરમાં બ્રાસ પાર્ટ્સના ઉત્પાદનમાં અગ્રેસર સ્થાન ધરાવતા જામનગરના બ્રાસ ઉદ્યોગની પ્રતિષ્ઠિત સંસ્થા, "જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન," આગામી કાર્યકાળ ૨૦૨૫-૨૮ માટે નવી કારોબારી સમિતિની રચના કરવા માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે. ૧૯૪૮માં સ્થપાયેલ અને બોમ્બે નોન ટ્રેડિંગ કોર્પોરેશન એક્ટ ૧૯૫૯ હેઠળ નોંધાયેલ આ એસોસિએશન, છેલ્લા પાંચ દાયકાથી જિલ્લાના આશરે ૧૫૪૧ જેટલા સક્રિય ઉદ્યોગપતિઓનું પ્રતિનિધિત્વ કરી રહ્યું છે અને ઉદ્યોગના સતત વિકાસ, ઉદ્યોગપતિઓ વચ્ચે એકતા જાળવવા તેમજ ઉદ્યોગલક્ષી કાયદાઓને પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુ સાથે કાર્યરત છે. આગામી કારોબારી સમિતિની ચૂંટણી માટેનો વિગતવાર કાર્યક્રમ એસોસિએશન દ્વારા જાહેર કરવામાં આવ્યો છે, 


જે મુજબ તારીખ ૦૭ જૂન ૨૦૨૪, શુક્રવારના રોજ ઉમેદવારી ફોર્મ વિતરણ અને સ્વીકૃતિની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ત્યારબાદ, ૧૦ તથા ૧૧ જૂન ૨૦૨૪, સોમવાર અને મંગળવારના રોજ ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવામાં આવશે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા માટે ૧૨ અને ૧૪ જૂન ૨૦૨૪, બુધવાર અને શુક્રવાર, એમ બે દિવસ નિર્ધારિત કરવામાં આવ્યા છે. જો ચૂંટણી યોજવાની આવશ્યકતા ઊભી થશે તો ૨૮ જૂન ૨૦૨૪, શનિવારના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને તે જ દિવસે મત ગણતરી અને પરિણામોની જાહેરાત કરવામાં આવશે. આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પ્લોટ નં. ૩૪૭/૩૪૨, જી.આઈ.ડી.સી. ઇન્ડસ્ટ્રિયલ એરિયા, શંકર ટેકરી, ઉદ્યોગનગર, જામનગર સ્થિત એસોસિએશનના કાર્યાલય ખાતે સંપન્ન થશે.


મતદારયાદીમાં જેમનું નામ નોંધાયેલ હશે તેવા જ સભ્યો મતદાન કરવા માટે પાત્ર ગણાશે. કારોબારી સમિતિની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા ઇચ્છુક સભ્ય ઉદ્યોગકારે ઉમેદવારી ડિપોઝીટ પેટે રૂ. ૫૦૦૦/- જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનમાં જમા કરાવવાના રહેશે. 


સંસ્થાના સુધારેલા બંધારણની કલમ નંબર ૧૭ (કારોબારી સમિતિની સભ્ય સંખ્યાની) પેટા કલમ–૨ ની જોગવાઈ મુજબ, સંસ્થાના સત્ર ૨૦૨૫-૨૮ ના વર્ષ માટેની કારોબારી સમિતિ માટે કુલ ૨૩ સભ્યોની ચૂંટણી  છે. ગત તારીખ ૩૧/૦૩/૨૦૨૫ સુધીમાં જે સભ્યોએ વાર્ષિક લવાજમ ભરી દીધું છે અને જેમનું નામ મતદાર યાદીમાં છે, તે મુજબ વિભાગવાર સભ્ય સંખ્યા તથા તેની સામે ફાળવાયેલ બેઠકની સંખ્યા કુલ ૧૫૪૧ મતદારો માટે ૨૩ બેઠકો ફાળવવામાં આવી છે. જેમાં બ્રાસપાર્ટ્સ વિભાગના ૧૦૦૯ સભ્યો માટે ૧૩ બેઠકો, બ્રાસ ફાઉન્ડ્રી/એકસ્ટ્રુઝન વિભાગના ૨૫૧ સભ્યો માટે ૫ બેઠકો, અને નોન ફેરસ મેટલ ટ્રેડિંગ વિભાગના ૧૪૦ સભ્યો માટે ૨ બેઠકો, જનરલ વિભાગ,એન્જીનીયરીંગ વિભાગ અને પ્લાસ્ટીક વિભાગના ૧૪૧ સભ્યો માટે ૩ બેઠકો નિર્ધારિત કરવામાં આવી છે. વિભાગવાર મતદાર તથા સીટની કુલ સંખ્યા ૧૫૪૧ મતદારો અને ૨૩ બેઠકોની છે.


આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન કરનાર ચૂંટણી પંચના અધિકારી સભ્યોમાં જીનેશભાઈ એફ. શાહ (અધ્યક્ષ), ચેતનભાઈ વી. ખટ્ટર (સભ્ય), પ્રદિપભાઈ કે. વાઘર (સભ્ય), મિલનભાઈ સી. દોઢીયા (સભ્ય), અને મગનભાઈ એચ. પટેલ (સભ્ય) નો સમાવેશ થાય છે. કારોબારી સમિતિની ચૂંટણી અંગેની તમામ કામગીરી સંસ્થાના નિયત સમય મુજબ સવારે ૯:૩૦ થી ૧૨:૩૦ તથા બપોરે ૩:૦૦ થી ૬:૦૦ દરમિયાન (રજાના દિવસો સિવાય) હાથ ધરવામાં આવશે. જો જરૂર જણાશે તો, મતદાન તારીખ ૨૮/૦૬/૨૦૨૫ ને શનિવારના રોજ સવારે ૯:૦૦ થી સાંજે ૫:૦૦ વાગ્યા સુધી યોજાશે. સાંજે ૫:૦૦ વાગ્યા સુધીમાં જે મતદારો મતદાન મથકમાં પ્રવેશી ચુક્યા હશે, તે મતદાતાઓ જ મતદાન કરી શકશે, ત્યારબાદ કોઈપણ મતદારને મતદાન કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ઉપરોક્ત તમામ વિગતો ચૂંટણી અધિકારીઓની યાદીમાં સ્પષ્ટપણે જણાવવામાં આવી છે, જેથી સમગ્ર પ્રક્રિયા પારદર્શક અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થઈ શકે. આ ચૂંટણી જામનગરના બ્રાસ ઉદ્યોગના ભાવિ નેતૃત્વને આકાર આપવામાં મહત્વનો ભાગ ભજવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application