જામનગર શહેરમાં સવાર અને સાંજ ઠંડીનો ચમકારો રહે છે, બપોરના ૧૨ થી ૫ તાપમાન ૩૨ ડીગ્રી આસપાસ રહેતું હોય છે, નવાઇની વાત તો એ છે કે, કલેકટર કચેરીના ક્ધટ્રોલ રૂમ દ્વારા છેલ્લા ચારેક દિવસથી લઘુતમ તાપમાન ૧૭.૫ સ્થિર દર્શાવવામાં આવે છે, ગઇકાલે ઠંડી થોડી વધુ હતી, પરંતુ તાપમાનના ફીગરમાં કોઇ ફેરફાર થયો નથી, આ અંગે પણ તપાસ કરવાની જરૂર છે.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ રૂમના જણાવ્યા મુજબ લઘુતમ તાપમાન ૧૭.૫ ડીગ્રી મહત્તમ તાપમાન ૩૦.૫ ડીગ્રી, હવામાં ભેજ ૭૧ ટકા, પવનની ગતિ ૫ થી ૧૦ કિ.મી. પ્રતિકલાક જોવા મળી હતી. ગુજરાતના અન્ય શહેરો કરતા જામનગર દરિયાકાંઠે હોય ભેજનું પ્રમાણ પણ વધે છે, એટલું જ નહીં ઠંડો પવન પણ અન્ય શહેરો કરતા વધારે જોવા મળે છે. જો કે મોટાભાગના ચેકડેમો ભરાઇ ગયા છે, જેને કારણે પીવાના પાણીની કે ખેતીમાં અપાતા પાણીને કોઇ મુશ્કેલી નહીં પડે.
બે દિવસ પહેલા જામનગર શહેર અને આજુબાજુના ગામડાઓ તેમજ હાઇવે ઉપર ઝાકળનો માહોલ જોવા મળ્યો હતો જેના કારણે વાહન ચાલકો પણ પરેશાન થયા હતાં, જો કે હવામાન ખાતાએ આજથી સમગ્ર ગુજરાતમાં ઠંડી શરૂ થશે તેવું જણાવ્યું છે.
મિશ્ર ઋતુનું આગમન થયું છે, તાવ, શરદી, ઉધરસ, ગળુ બેસવું જેવા દર્દો વધી રહ્યા છે. સવારે ઠંડી, બપોરે ગરમી, રાત્રે પાછી ઠંડી આવા વાતાવરણથી લોકો પણ કંટાળી ગયા છે. કપાસમાં નુકશાનીનો માર ખેડુતો સહન કરી શકશે નહીં, તાત્કાલીક અસરથી સરકારે જે-જે ખેડુતોને નુકશાનીનો સામનો કરવો પડયો છે તેવા ખેડુતોને યોગ્ય વળતર આપવાની જાહેરાત કરી છે.