જામનગર જિલ્લા કક્ષાનો સૂર્ય નમસ્કાર કાર્યક્ર્મ અજીતસિંહજી પેવેલીયન ખાતે યોજાયો

  • January 01, 2024 10:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નવા વર્ષના પ્રથમ સૂર્ય કિરણોના આગમન સાથે સૂર્ય નમસ્કાર કરી ગુજરાતે સ્થાપિત કરેલા વિશ્વ વિક્રમમાં સહભાગી બન્યો જામનગર જિલ્લો: રાજયના કૃષિ મંત્રી રાઘવજી પટેલે સૂર્ય નમસ્કાર કર્યા: રાજયભરમાં ૧૦૮ સ્થળોએ કાર્યક્રમ યોજાયો

સૂર્ય નમસ્કારને વિશ્વસ્તરીય ફલક પર લઈ જવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં સૂર્ય નમસ્કાર મહા અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજે નૂતનવર્ષના પ્રથમ દિવસે તા.૦૧ જાન્યુઆરીના રોજ રાજ્યભરમાં ૧૦૮ સ્થળોએ સૂર્ય નમસ્કાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
જે અન્વયે, રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં જામનગરમાં અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન (ક્રિકેટ બંગલો) ખાતે જિલ્લા કક્ષાનો સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમમાં કેબિનેટ મંત્રીએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં આજે તા.૦૧ જાન્યુઆરીના રોજ સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મોઢેરા સૂર્યમંદિર ખાતે રાજ્ય કક્ષાનો સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં સ્થાન પામવા જઈ રહ્યો છે, ત્યારે સમગ્ર રાજ્ય માટે આ ગૌરવાન્વીત ક્ષણ છે.
રાજ્યકક્ષાનો સૂર્ય નમસ્કાર કાર્યક્રમ મોઢેરા સૂર્યમંદિર ખાતે મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગના મંત્રી હર્ષ સંઘવીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. રાજ્યકક્ષાના કાર્યક્રમના અંતે સૂર્ય નમસ્કાર સ્પર્ધાના તમામ વિજેતા સ્પર્ધકોનું મંચસ્થ મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. જામનગર જિલ્લા સહિત અન્ય જિલ્લાઓ વર્ચ્યુઅલ માધ્યમ વડે રાજ્ય કક્ષાના સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં સંમિલિત બન્યા હતાં.
ઉલ્લેખનીય છે કે, જામનગરના અન્ય આઈકોનિક સ્થળોએ લાખોટા તળાવ અને એ.કે. દોશી મહિલા કોલેજ ખાતે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની કચેરી અને જામનગર મહાનગરપાલિકાના માર્ગદર્શન તળે સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં બહોળી સંખ્યામાં નાગરિકો જોડાયા હતાં.
મંચસ્થ મહેમાનોનું તુલસીના રોપા અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ લલિત જોશીએ કરી હતી. ઉકત કાર્યક્રમમાં, મેયર વિનોદભાઈ ખીમસુરીયા, અધિક નિવાસી કલેકટર  બી.એન.ખેર, જામનગર ગ્રામ્ય પ્રાંત અધિકારી ડોબરિયા, જિલ્લા યુવા વિકાસ અધિકારી પઠાણ, હોમગાર્ડઝ અધિકારી સરવૈયા, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ માંથી  સોનલબેન માકડિયા, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ પ્રશિક્ષકો, શાળાના વિદ્યાર્થીઓ, ૧૦૦ હોમ ગાર્ડઝ પ્લાટુન, પોલીસ મિત્રો અને બહોળી સંખ્યામાં નાગરિકો જોડાયા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application