BREAKING NEWS

જામનગર : સિકકામાં યુવાનોને વિદેશમાં નોકરીની લાલચ આપી ૧૧.૫૬ લાખ ખંખેરી લીધા

  • January 13, 2026 01:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અવનવી સ્કીમ અને નોકરીની લોભામણી લાલચો આપીને લોકોને શિકાર બનાવવામાં આવતા હોવાના અનેક કિસ્સા પોલીસ મથકે નોંધાઇ ચુકયા છે, દરમ્યાનમાં સિકકાના યુવાનોને મલેશીયા અને સિંગાપુરમાં હેલ્પરમાં માસિક સવા લાખ જેવી રકમનો પગાર મળશે તેવી નોકરી અપાવવાનું પ્રલોભન દઇને ખંભાળીયાના પરોડીયા ગામના એક શખ્સે કુલ ૧૧.૫૬ લાખ જેવી રકમ ખંખેરી લઇ છેતરપીંડી આચરતા મામલો પોલીસ મથકે પહોચ્યો છે, ફરીયાદ અનુસંધાને તપાસ ચલાવવામાં આવી રહી છે. 


જામનગરના સિકકાની વૃંદાવન સોસાયટીમાં રહેતા અને ખાનગી કંપનીમાં કામ કરતા ચિરાગ નરેશભાઇ પરમાર (ઉ.વ.૨૮) નામના યુવાને ગઇકાલે સિકકા પોલીસ સ્ટેશનમાં ખંભાળીયાના પરોડીયા ગામમાં રહેતા મયુર ઉર્ફે માયુ પુંજાભાઇ મશુરા નામના શખ્સ વિરુઘ્ધ બીએનએસની કલમ ૩૧૮(૨) મુજબ છેતરપીંડી કર્યાની ફરીયાદ નોંધાવી છે.


જેમા જણાવ્યુ છે કે ફરીયાદી તથા તેમની સાથેના અન્ય સાત યુવાનોને વિદેશમાં સિંગાપુર તથા મલેશીયા મુકામે હેલ્પરના કામમાં લગાવવાની તેમજ માસિક સવા લાખ જેટલી રકમનો પગાર ચુકવણી કરવાની લાલચ આપીને એ જગ્યાએ કામે જવા માટેના ખર્ચ પેટે ફરીયાદી તથા અન્ય યુવાનો પાસેથી સમયાંતરે ૧૧.૫૬.૪૦૦ જેટલી માતબર રકમ બેંક ખાતા તથા રોકડથી મેળવી લીધી હતી એ પછી વિઝા તથા અન્ય કામમાં હોવાનું કહયુ હતું, જાણ કરાશે તેમ પણ કહેવાયુ હતું, લાંબા સમય બાદ કોઇ જવાબ નહીં મળતા અને કામ ન કરી કે કોઇ રકમ પરત નહી આપીને ફરીયાદી તથા સાહેદો સાથે છેતરપીંડી થયાનું બહાર આવતા મામલો પોલીસમાં લઇ જવામાં આવ્યો હતો. 


વધુમાં મળેલી વિગત મુજબ આરોપી મયુર મશુરાનો સંપર્ક થયા બાદ નોકરીમાં લાગવુ હોય તો રૂપીયા આપવા પડશે, હૂં બધુ ગોઠવી દઇશ તેવુ કહયુ હતું, ઉપરાંત અન્ય યુવાનોને પણ શોધવાનુ ફરીયાદીને જણાવવામાં આવ્યુ હતું, કારણ કે જો સંખ્યા વધારે હશે તો રકમમાં ઘટાડો કરીને અડધી રકમમાં સેટીંગ કરી આપીશ એવો પણ જાસો આપ્યો હતો. 


એ પછી એક પછી એક યુવાનો તેમા સામેલ થયા હતા અને બધા પાસેથી જુદી જુદી રકમ મેળવીને આ આંકડો ૧૧.૫૬ લાખે પહોચ્યો હતો, ગત જુન માસમાં રકમ આપ્યા બાદ લાંબો સમય વીતી જવા છતા કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી અને વિદેશ જવાની કોઇ વ્યવસ્થા ગોઠવાઇ ન હોય આથી નાણાં ફસાઇ ગયાની લાગણી થતા ફરીયાદ નોંધવામાં આવતા આરોપીની શોધખોળ ચલાવવામાં આવી રહી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application