જામનગર જિલ્લા પોલીસ દ્વારા ચિત્ર-ઓડિયો અને વિડિયો સ્પર્ધા

  • June 04, 2025 10:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય સંહીતાના કાયદા અંગેની જાગૃતી સંદર્ભે આયોજન : વિજેતાઓને રોકડ પુરસ્કાર અપાશે

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ડીજીપી આઇજીપી કોન્ફરન્સ ૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન પ્રધાનમંત્રી તથા કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા રાજ્ય પોલીસને ત્રણ નવા કાયદા બાબત સામાન્ય લોકોમાં જનજાગૃતિ આવે તે માટે વિવિધ સ્પર્ધાનું આયોજન કરવા માટેનું સુચન કરવામાં આવ્યું હતું. 

જેના અનુસંધાને પોલીસ મહા નિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાયના દિશા-નિર્દેશ, તેમજ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમારના માર્ગદર્શન તથા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચના અનુસાર જામનગર જિલ્લા પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે નાગરિકોમાં જાગૃતિ લાવવા અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે ચિત્ર, ઓડિયો અને વિડિયો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. 

આ સ્પર્ધા તા. ૦૧/૦૬/૨૦૨૫ થી તા. ૧૫/૦૬/૨૦૨૫ દરમિયાન યોજાશે. આ સ્પર્ધા ભારત સરકારના નવા ફોજદારી કાયદાઓ (ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ) અંગે જાગૃતિ ફેલાવવા પર કેન્દ્રિત છે.

જેની કેટેગરીમાં ચિત્ર સ્પર્ધા યોજાશે અને નવા ફોજદારી કાયદાઓના મહત્વને દર્શાવતા ચિત્રો દોરવાના રહેશે.  બીજી ઓડિયો સ્પર્ધા, કે જેમાં કાયદાઓની જાગૃતિ માટે ઓડિયો ક્લિપ્સ (ગીત, સંવાદ, અથવા સંદેશ). તૈયાર કરવાનો રહેશે. જ્યારે વિડિયો સ્પર્ધા, કે જેમાં નવા કાયદાઓના ફાયદા અને મહત્વ દર્શાવતા ટૂંકા વિડિયો બનાવવા ના રહેશે.જેમાં ચિત્ર સ્પર્ધા માં પ્રથમ ઇનામ ૫,૦૦૦, દ્વિતીય ઇનામ ૩,૦૦૦, તૃતીય ઇનામ ૨,૦૦૦ અપાશે.

ઓડિયો સ્પર્ધામાં પ્રથમ ઇનામ ૧૦,૦૦૦, દ્વિતીય ઇનામ ૫,૦૦૦ અને તૃતીય ઇનામ ૩,૦૦૦ અપાશે. વિડિયો સ્પર્ધામાં પ્રથમ ઇનામ ૨૦,૦૦૦, દ્વિતીય ઇનામ ૧૦,૦૦૦, અને તૃતીય ઇનામ ૫,૦૦૦ અપાશે. આ સ્પર્ધા માં ભાગ લેવાની પ્રક્રિયા મુજબ દરેક  સ્પર્ધકોએ પોતાની એન્ટ્રી ઇમેલ આઇડી સુરક્ષા સેતુ સોસાયટી જામ.જીમેલ ડોટ કોમ પર મોકલવાની રહેશે. દરેક એન્ટ્રી સાથે નામ, સરનામું, અને મોબાઇલ નંબર આપવું ફરજિયાત છે. અને એન્ટ્રી મોકલવાની અંતિમ તારીખ ૧૫.૦૬.૨૦૨૫. છે

આ સ્પર્ધા નાગરિકોને નવા ફોજદારી કાયદાઓ વિશે માહિતગાર કરવા અને તેમની સર્જનાત્મક ક્ષમતાઓને પ્રોત્સાહન આપવા માટે યોજવામાં આવી છે. જામનગર જિલ્લાના નાગરિકોએ વધુ વિગતો માટે મો.નંબર ૯૯૨૫૦૩૬૨૧૧ અને ૯૦૬૭૧૪૧૮૨૯નો સંપર્ક કરી શકે છે. જામનગર જિલ્લાના તમામ નાગરિકોને આ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને જાગૃતિ ફેલાવવા અને આકર્ષક ઇનામો જીતવાની આ તકનો લાભ લેવા જામનગર જિલ્લા પોલીસ વિભાગ દ્વારા અનુરોધ કરાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application