જામનગર આહીર સમાજ દ્વારા આવતીકાલે સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન 

  • December 14, 2024 03:40 PM 

જામનગર આહીર સમાજ દ્વારા આવતીકાલે સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન 
સત્યમ કોલોનીમાં મહાનગરપાલિકાના ગ્રાઉન્ડમાં તૈયારીઓને આખરી ઓપ, વિશાળ સમીયાણો ઉભો કરાયો, એક જ પરિસરમાં જુદા જુદા મંડપ ઉભા કરાયા, સમાજના ૨૩ યુગલો પ્રભુતામાં પગલા પાડશે, કન્યાઓને ૪૫થી વધુ જીવનજરૂરી વસ્તુઓ કરિયાવર રૂપે આપવામાં આવશે 


જામનગર આહીર સમાજ દ્વારા આવતીકાલે રવિવારે જામનગર ખાતે ભવ્ય સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સામાજિક ઉત્થાનના આ કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોચી છે. વ્યસન મુક્તિના સંદેશ સાથે આવતી કાલે આહીર સમાજના ૨૩ યુગલો પ્રભુતામાં પગલા માંડશે, તમામ દીકરીઓને સમાજ દ્વારા ૪૫થી વધુ જીવન ઉપયોગી ચીજવસ્તુઓનો કરિયાવર આપવામાં આવશે. 

જામનગરમાં સત્યમ કોલોનીમાં આવેલ મહાનગરપાલિકાના ગ્રાઉન્ડ ખાતે આહીર સમાજનો ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાશે આવતી કાલે તા. ૧૫મી ડીસેમ્બરના રોજ સમાજના ૨૩ નવ દંપતીઓ પ્રભુતામાં પગલા માંડી સંસારની શરૂઆત કરશે, જામનગર આહીર સમાજ દ્વારા દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. આ વખતે પણ એ જ પરંપરાને આગળ ધપાવી સમાજ ઉત્થાનની આ પ્રવૃતિને વેગ આપ્યો છે. મહાનગરપાલિકાના મેદાનમાં વિશાળ મંડપ ઉભો કરવામાં આવ્યો છે. બહેનો માટે વિશેષ વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. જયારે વિશાળ પાર્કિંગ પણ તૈયાર કરવામાં આવ્યું છે. 
જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં વસતા આહીર સમાજના ૨૩ નવદંપતીઓ સમુહલગ્નમાં જોડાયા છે. સવારે સાડા સાત કલાકે જાન આગમન, સાડા આઠ વાગ્યે મંડપ મુર્હુત, સાડા નવ કલાકે હસ્ત મેળાપ અને સાડા દસ વાગ્યાથી ભોજન સમારંભની શરૂઆત થશે, ભોજન સમારંભ સત્યમ કોલોની આહીર સમાજ ખાતે રાખવામાં આવ્યો છે. જયારે બપોરે દોઢ વાગ્યે જાન વિદાય કરવામાં આવશે. દરેક કન્યાઓને પાનેતરથી માંડી સોના ચાંદીના દાગીના સહીત ઘર ઉપયોગી જુદી જુદી ૪૫ વસ્તુઓ આપવામાં આવશે. વ્યસન મુક્ત સમાજ,સુખી- સંપન્ન તંદુરસ્ત સમાજ, વ્યસન માત્ર વ્યક્તિ જ નહી પરંતુ તેના સમસ્ત પરિવારને બરબાદ કરે છે એવા વ્યસન મુક્તિના શુભ સંદેશ સાથે યોજાનાર આ સમૂહ લગ્નની સંપૂર્ણ તૈયારીઓ આખરી મુકામે પહોચી છે. આ સમગ્ર કાર્યક્રમનો આર્થિક ખર્ચ સમાજના દાતાઓએ ઉદાર દિલે ૨૫ લાખથી વધુનો ફાળો આવ્યો છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા આહીર સમાજ જામનગર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application