જામનગરના લોકો આનંદો: વિરોધ બાદ કૉમર્શિયલ ટેકસમાં ૩૦૦ ટકાનો ઘટાડો

  • August 17, 2023 01:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે જામ્યુકોની મળેલી જનરલ બૉર્ડની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો: હવે ૪૦૦ ટકાના બદલે ૧૦૦ ટકા જ કૉમર્શિયલ પ્રોપર્ટી પર ટેકસ વસૂલ કરવામાં આવશે: જેમણે રુપિયા ભરી દીધાં છે તેમને જમા અપાશે: રહેણાંકમાં ૬૦ અને બિન રહેણાંકમાં ૧૩૦ની કૅપ બંધાઈ

જામનગર મહાનગર પાલિકા દ્વારા પાછલા બારણેથી અગાઉ ટેકસ નહીં વધારીએ એમ કહીને પણ કૉમર્શિયલ બિલ્ડિંગમાં ૩૦૦થી ૪૦૦ ટકા જેટલો ટેકસ વધારી દેવાતાં જામનગર ચૅમ્બર ઑફ કૉમર્સ સહિતની અનેક વેપારી સંસ્થાઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો, આખરે આજે ચૅર ઉપરથી કૉમર્શિયલ ટેકસમાં હવે ૪૦૦ ટકાના બદલે સરેરાસ ૧૦૦ ટકાનો વધારો કરવામાં આવશે. એટલું જ નહીં રહેણાંકમાં ૬૦ અને બિન રહેણાંકમાં ૧૩૦ પ્રતિ ચોરસ મીટરની કૅપ બાંધામાં આવી છે. જે લોકોએ અગાઉ ઍડવાન્સ ટેકસ ભર્યો છે તેમના ખાતામાં જમા આપવામાં આવશે તેમ આજે કોર્પોરેશનની બૉર્ડમાં ચૅર ઉપરથી ખાસ દરખાસ્ત લેવામાં આવી હતી.
આજે મહાપાલિકાની જનરલ બૉર્ડ પ્રથમ વખત ધનવન્તરિના હૉલમાં મળી હતી, જેમાં ચૅર ઉપરથી કૉમર્શિયલ મિલ્કતોમાં ટેકસ ઘટાડવાનો મહત્વનો નિર્ણય કરાયો હતો. જ્યારે ટેકસ વધારાયો ત્યારે અમુક લોકોનું બિલ પહેલાં સવા લાખ આવતું હતું તેને બદલે પાંચ લાખ આવ્યું હતું અને કોર્પોરેશનના જણાવ્યા મુજબ લગભગ ૭૦૦ કૉમર્શિય મિલ્કતોને અસર થતી હતી. ચૅરમેન મનિષ કટારિયાએ કહ્યું હતું કે, અગાઉ રુા.૪ લાખ ટેકસ આવતો હતો તેના બદલે રુા.૧૪ લાખ ટેકસ આવ્યો હતો. આવા દાખલા પણ બન્યા હતાં આખરે અમે ૧૦૦ ટકા જ વધે તેવો નિર્ણય કર્યો છે.
માહિતી મુજબ રહેણાંક મકાનોમાં ૬૦ અને બિન રહેણાંક મકાનોમાં ૧૩૦ની કૅપ પ્રતિ ચોરસ મીટર બાંધી દેવામાં આવી છે. આમ હવે કોર્પોરેશને જે મિલ્કતોમાં ૩૦૦થી ૪૦૦ ટકા ટેકસ વધુ આકારાયો હતો તેના બદલે હવે લગભગ ૧૦૦ ટકા જેટલો ટેકસ આકારાશે. ટેકસ અધિકારી કોમલ પટેલના કહેવા મુજબ પહેલાં ૪૦ની કૅપ હતી અને બિન રહેણાંકમાં ૮૦ની કૅપ હતી ત્યારે હવે ૪૦ના બદલે ૬૦ અને ૮૦ના બદલે ૧૩૦ ઉપર ટેકસ લેવામાં આવશે.
કૉપોરેટર અલ્તાફ ખફીએ જણાવ્યું હતું કે, અમો અગાઉ પણ રજૂઆત કરી ચૂક્યા છીએ કે,  કોઈપણ જાતનો ટેકસ વધારો નહીં, છતાં તમોએ અંગ્રેજ સરકારની જેમ પાછલા બારણેથી ટેકસ વધાર્યો છે અને હવે ઘટાડો કર્યો છે તેના બદલે ૧૦૦ ટકા ટેકસ પણ વધાર્યો છે તે પાછો ખેંચવો જોઈએ.
કોર્પોરેટર અસલમ ખિલજીએ કહ્યું હતું કે, વૉર્ડ નં.૯, ૧૧ અને ૧રના ઉપયોગી કૉમ્યુનિટિ હૉલમાં સુવિધા મળતી નથી તે તાત્કાલિક આપવી જોઈએ. શહેરમાં કૂતરાઓનો ત્રાસ છે તેને કેમ પકડતાં નથી? લોકોને કરડવાથી બહુ ત્રાસ થાય છે અને અમુકના મોત પણ થયાં છે ત્યારે આ પ્રક્રિયા ઝડપી બનાવવી જોઈએ.
કોર્પોરેટર જેનબ ખફીએ કહ્યું હતું કે, જે લોકોએ ટેકસ વધારા બાદ રુપિયા ભર્યા છે તેનું શું? તેમને વ્યાજ આપશો? તેના જવાબમાં કમિશનર દિનેશ મોદીએ જણાવ્યું હતું કે, તેમને ક્રેડિટ અપાશે અને બિલમાં જમા કરાશે. જ્યારે જેનબ ખફીએ કહ્યું હતું કે, જેમણે એડવાન્સ ટેકસ આપ્યો છે તેને વ્યાજ આપો વધુમાં તેણીએ કહ્યું હતું કે, મોહનનગરમાં રુા.ર કરોડનું વોટર ડ્રેનેજનું કામ થયું છે છતાં ચાર-ચાર દિવસ પાણી ઊતર્યા નથી. આટલો ખર્ચ કર્યા બાદ શા માટે આવું થયું?
દબાણો અંગે તેણીએ કહ્યું હતું કે, કેટલાંક ચોક્કસ વિસ્તારોમાં દબાણ હટાવાય છે, અમોએ કમિશનરને અલગ અલગ વિસ્તારના દબાણના ફોટા પણ આપ્યા છે તેના ઉપર કેમ કાર્યવાહી કરાતી નથી? જવાબમાં કમિશનરે કહ્યું હતું કે, અમોએ જીજી હૉસ્પિટલ, દિગ્જામ સર્કલ, બર્ધનચોક સહિતના વિસ્તારોમાં દબાણ હટાવ્યા છે. જ્યાં મુખ્ય રસ્તાને વધુ અડચણરુપ દબાણ છે તે આગામી દિવસોમાં હટાવાશે.
કોર્પોરેટર આનંદ રાઠોડે કહ્યું હતું કે, આરોગ્ય વિભાગમાં ૨૧ર જગ્યામાંથી ૧ર૩ની ભરતી કરાઈ છે, યુસીએસસીમાં ૩૮ જગ્યા ખાલી છે તે કેમ ભરાતી નથી? રોગચાળા વખતે આંખના ટીપા મળતાં ન હતાં, ખરેખર તો રોગચાળા નિયંત્રણ અધિકારીની જગ્યા ખાલી હોય તે ભરવી જોઈએ.
સભ્યોએ  જણાવ્યું હતું કે, કોર્પોરેશનને આવક વધારવી હોય તો ઓકટ્રોય અને સ્વર્ણિમ જયંતીની ગ્રાન્ટ પણ સરકારમાંથી લાવવી જોઈએ. આ જનરલ બૉર્ડમાં શ્રાવણી મેળાના દિવસો, અપસેટ પ્રાઈઝ અને શરતો નક્કી કરવાની દરખાસ્ત મંજૂર કરાઈ હતી, વન કવચ બનાવવા જમીન ફાળવવા નિર્ણય કરાયો હતો અને ઈએસઆઈ એકટ ૧૯૪૮ લાગુ કરવા તેમજ જામનગર-લાલપુર સ્ટેટ હાઈવે પર સર્વે નં.૯૧૯ને જોડતો બ્રીજ રંગમતી નદી પર સ્વખર્ચે બનાવવાની દરખાસ્ત મજૂર કરાઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application