બાબા બાગેશ્વરના ત્રણ દિવસના મુકામને પોલીસની લોખંડી સુરક્ષા

  • May 31, 2023 05:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજથી ત્રણ દિવસ સુધી રાજકોટની ધરતી પર મુકામ કરનાર બાબા બાગેશ્ર્વર ધીરેન્દ્ર શાસ્ત્રીની સુરક્ષાને લઈને પોલીસે લોખંડી સુરક્ષા કવચ બનાવ્યું છે. એરપોર્ટ પર ઉતરાણની સાથે જ રાજકોટ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓથી લઈ ફૌજ બાબાનો પડછાયો બનીને રહેશે. બાબાના ઉતારા, રેસકોર્સ સ્થિત દિવ્ય દરબાર સ્થળ ઉપરાંત બાબાના અન્ય મંદિરો, ધાર્મિક સ્થળો કે આવી જગ્યાએ જયાં મુલાકાત, દર્શનાર્થે જનારા છે ત્યાં પણ પોલીસ દ્વારા સલામતિને લઈને આગોતરી તૈયારી સાથેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ક્રાઈમ બ્રાંચ, એસઓજી, બીડીએસ, ડોગ સ્કવોડ સહિતની ટીમો બાબાની સાથે તેમજ જયાં જયાં બાબા જવાના છે ત્યાં અગાઉથી મોરચો સંભાળી આવા સ્થળો ચેક કરવામાં આવશે, આજથી ત્રણ દિવસ દરમિયાન ડીસીપીથી લઈ પોલીસ કોન્સ્ટેબલ સુધી 1000થી વધુનો કાફલો તહેનાત રહેશે.


સનાતમ ધર્મ તેમજ હિંદુ વિચારધારા તરફે બેબાક બોલતા અને પ્રખર હિન્દુવાદી છાપ ધરાવતા બાગેશ્ર્વરબાબાને સરકાર દ્વારા જ વાય કેટેગરીની સુરક્ષા અપાઈ છે જેને લઈને સુરક્ષામાં કોઈ કચાસ ન રહે તે માટે પોલીસે કમિશનર રાજુ ભાર્ગવના માર્ગદર્શન હેઠળ ફૂપ્રુફ સુરક્ષા કિલ્લેબંધી ગોઠવવામાં આવી છે. આજે બપોરે બાબા એરપોર્ટ પર ઉતરે ત્યારે એસીપી, ગાંધીગ્રામ પીઆઈ સહિતનો સ્ટાફ સુરક્ષા પુરી પાડશે.


બાબાના કાર્યક્રમની આયોજક કમિટીમાંથી મળેલી પ્રાથમિક વિગતોમાં એરપોર્ટથી સીધા શ્રમજીવી સોસાયટી આનંદ બંગલા ચોક ખાતે પધરામણી માટે જશે ત્યાં પણ એસીપી, પીઆઈ અને અન્ય પોલીસ ખડેપગે રહેશે. ત્યાંથી નીકળીને ગુલાબવાટિકા અમીન માર્ગ પર ભાવિકના ઘરે ત્યાંથી અમીન માર્ગ પર કિંગ્સ હાઈટ એપાર્ટમેન્ટમાં ઉતારા ખાતે જશે. બાબાના ઉતારા સ્થળે ત્રણ દિવસ માટે એસીપીથી લઈ અન્ય અધિકારીઓને બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યા છે.
આજે સાંજના કિંગ્સ હાઈટ એપાર્ટમેન્ટમાં ઉતયર્િ બાદ આવતીકાલે સવારે કાલાવાડ રોડ એ.જી.ચોક સ્થિત ચમત્કારિક હનુમાન મંદિર ખાતે દર્શનાર્થે જશે જયાં ઉત્તર વિભાગના એસીપી ઉપરાંત યુનિવર્સિટી પોલીસ અને શહેરની અન્ય પોલીસનો 170થી વધુનો સ્યાફ તહેનાત હશે. ત્યાંથી દર્શન, ભાવિકોને આશીવર્દિ બાદ કાલાવાડ રોડ સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે પહોંચશે જયાં સુરક્ષા માટે અધિકારીઓ મળી અંદાજે 100થી વધુ પોલીસ ખડેપગે હશે.


આવતીકાલે જનકલ્યાણ સોસાયટી હોલ ખાતે પ્રબુધ્ધ નાગરિકો, વિવિધ સંસ્થાઓના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરશે હોલ ખાતે કે આસપાસમાં પણ કિલ્લેબંદી માફક પોલીસ અધિકારીઓ, એ-ડિવિઝન પોલીસ સહિતનો આશરે 150 જેટલો સ્ટાફ અગાઉથી જ ગોઠવાશે.
જનકલ્યાણ હોલના કાર્યક્રમ બાદ બપોર પછી મુખ્ય કાર્યક્રમ સ્થળ રેસકોર્સ ગ્રાઉન્ડ મહાદિવ્ય દરબાર ખાતે પહોંચશે. આ સ્થળ પર મોટી સંખ્યામાં જનમેદની પણ ઉમટવાની હોવાથી પોલીસ માટે થોડી કપરી કસોટી રહેશે. સભા સ્થળ ખાતે તો ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન, હાજરી સાથે પોલીસના ધાડેધાડા ઉતરશે આશરે 650થી વધુ પોલીસ હાજર રહેશે.
આવતીકાલે દિવ્ય દરબાર બાદ રાત્રીના ભૂપેન્દ્ર રોડ સ્થિત કષ્ટભંજન દેવ બાલાજી હનુમાન મંદિર ખાતે દર્શનાર્થે જશે. બીજા દિવસે દિવ્ય દરબાર પધરામણી બાદ સાંજે અન્યત્ર જવા માટે પ્રસ્થાન કરશે. આજથી ત્રણ દિવસ સુધી અધિકારીઓથી પીસી, હોમગાર્ડ, ટીઆરબી મળી 1600થી વધુનો ચુસ્ત જાપ્તો રહેશે.

બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો ત્રણ દિવસીય કાર્યક્રમ
રાજકોટમાં આજે બપોરે આવી પહોંચનાર બાબા બાગેશ્ર્વર ધીરેન્દ્ર શાસ્ત્રીના ત્રિદિવસીય કાર્યક્રમની આયોજક સમિતિના સભ્યો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ આજે એરપોર્ટથી ઉતરી આનંદ બંગલા નજીક પ્રમુખ આશીષ બંગલો પર જશે ત્યાંથી અમીન માર્ગ પર નચિકેતા ગુલાબવાટિકા સોસાયટી પર જશે. ત્યાં પધરામણી બાદ ઉતારાના સ્થળ કિંગ હાઈટસ એપાર્ટમેન્ટ પહોંચશે. આવતીકાલે તા.1ના સવારે આઠ કલાક બાદ એ.જી.ચોક ખાતેના ચમત્કારિક હનુમાન મંદિરે દર્શને જશે. ત્યાંથી નીકળી કાલાવાડ રોડ સ્વામિનારાયણ મંદિર ત્યાં દર્શન કરી જનકલ્યાણ સોસાયટી કોમ્યુનિટી હોલ ખાતે પ્રબુધ્ધો સાથે, સંસ્થાના આગેવાનોને મુલાકાત આપશે. ત્યાંથી સમય બાદ બપોરે ચાર કલાકે રેસકોર્સ સ્થિત દિવ્ય દરબાર ખાતે પહોંચશે. રાત્રે કાર્યક્રમ પૂર્ણ કરી ભુપેન્દ્ર રોડ સ્થિત બાલાજી મંદિરે દર્શન કરશે. ત્યાંતી ઉતારા પર જશે. બીજા દિવસે દિવ્ય દરબાર યોજશે.

રેસકોર્સ ગ્રાઉન્ડ તેમજ નજીકના પાર્કિંગ સ્થળોએ 500થી વધુ ટ્રાફિક પોલીસ
બાબા બાગેશ્ર્વરના કાલે અને પરમ દિવસે બે દિવસના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતેના કાર્યક્રમ તેમજ કાર્યક્રમમાં આવનારા ભાવિકોની વાહન વ્યવસ્થા, પાર્કિગ સ્થળો તેમજ રેસકોર્સ નજીક ટ્રાફિક વ્યવસ્થા ન ખોરવાય તે માટે ટ્રાફિક ડીસીપી, એસીપીની નિગરાની, માર્ગદર્શન હેઠળ 500 જેટલા ટ્રાફિક શાખાનો સ્ટાફ, ટીઆરબી ફરજ પર રહેશે.

બીડીએસ તથા સ્નીફર ડોગ ટીમ બાબાના તમામ સ્થળોએ તહેનાત
બાબાના આજના આગમનથી રાજકોટમાં બે દિવીય કાર્યક્રમ પૂર્ણ કરીને વિદાય ન લેતાં ત્યાં સુધી બાબાના પધરામણીના સ્થળો, ઉતારો તેમજ પોગ્રામ સ્થળ રેસકોર્સ ખાતે બાબાના આગમન પૂર્વે જ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડની ટીમ તેમજ સ્નીફર ડોગ સાથેની ટીમ તહેનાત રહી ખુણે ખુણે ચેક કરશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application