BREAKING NEWS

હોર્મુઝ પર ઈરાનનું એકહથ્થુ શાસન: 'તેલ જોઈએ તો સીધા અમારી પાસે આવો'; અમેરિકાની જરૂર નથી, ઈરાને વિશ્વના દેશોને આપી ખુલ્લી ઓફર

  • April 02, 2026 10:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ઈરાને હોર્મુઝની સામુદ્રધુની પર પોતાના પૂર્ણ નિયંત્રણનો દાવો કર્યો છે. ઈરાન માહિતી પરિષદના વડા ઈલિયાસ હજરતીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, જે એશિયાઈ, યુરોપિયન કે આરબ દેશો હોર્મુઝના રસ્તાનો ઉપયોગ કરવા માંગતા હોય, તેઓએ ઈરાન સાથે અલગથી કરાર કરવા પડશે. આ નિવેદન ટ્રમ્પના તે નિવેદન બાદ આવ્યું છે જેમાં તેમણે કહ્યું હતું કે, "જે દેશોને હોર્મુઝમાંથી તેલ જોઈએ છે, તેઓ પોતાની રક્ષા જાતે કરી લે, અમેરિકા બીજા માટે યુદ્ધ નહીં લડે."


ઈરાન-ઓમાનની રણનીતિ
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સ્પષ્ટ કર્યું છે કે હોર્મુઝ જળમાર્ગ ઈરાન અને ઓમાનની સરહદમાં આવે છે, તેથી તેના નિયમો નક્કી કરવાનો અધિકાર માત્ર આ બે દેશોને જ છે. ઈરાન હવે આ માર્ગ પરથી પસાર થતા તમામ માલવાહક જહાજો પાસેથી કાયદેસર રીતે 'ટોલ ટેક્સ' લેવાની યોજના બનાવી રહ્યું છે. આ માટે ઈરાની સંસદમાં એક પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવ્યો છે.


કેવી રીતે ચાલે છે અત્યારે હોર્મુઝમાં 'રાજ'?

બ્લૂમબર્ગના તાજેતરના (2 એપ્રિલ, 2026) અહેવાલ મુજબ, હોર્મુઝમાં અત્યારે ઈરાનનો કડક પહેરો છે. કોઈપણ જહાજે પ્રવેશતા પહેલા ઈરાનના 'ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ' (IRGC) પાસેથી મંજૂરી લેવી પડે છે. ઈરાન માત્ર તેના મિત્ર દેશોના જહાજોને જ પસાર થવા દે છે અને દરેક જહાજ દીઠ 1 મિલિયન ડોલરની વસૂલાત કરવામાં આવે છે. ખાસ વાત એ છે કે ઈરાન આ પેમેન્ટ અમેરિકી ડોલરના બદલે ચીની કરન્સી (યુઆન) માં સ્વીકારી રહ્યું છે. રિપોર્ટમાં એવો પણ ચોંકાવનારો દાવો કરાયો છે કે કેટલાક દેશોના જહાજો પર પાકિસ્તાનનો ઝંડો લગાવવામાં આવી રહ્યો છે, જેથી ઈરાનના દુશ્મન દેશો તેના પર હુમલો ન કરે.


વૈશ્વિક અર્થતંત્ર પર ખતરો
વિશ્વનું અંદાજે 20% તેલ આ સાંકડા જળમાર્ગ પરથી પસાર થાય છે. ઈરાન દ્વારા લાદવામાં આવેલી આ નવી શરતો અને ઉંચી ફીને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ વધવાની પૂરેપૂરી શક્યતા છે. જો એશિયાઈ દેશો (જેમાં ભારત પણ સામેલ છે) ઈરાન સાથે સીધી ડીલ કરે છે, તો તેનાથી અમેરિકા સાથેના તેમના સંબંધો પર કેવી અસર પડશે તે જોવું રસપ્રદ રહેશે.


​​​​​​​ઈરાને ટ્રમ્પની વાતોને 'બેતુકી' ગણાવીને સાબિત કરી દીધું છે કે અત્યારે હોર્મુઝનો અસલી 'બોસ' ઈરાન જ છે. હવે જોવાનું એ રહે છે કે વિશ્વના અન્ય શક્તિશાળી દેશો આ ખુલ્લી ઓફર પર શું પ્રતિભાવ આપે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News