ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ સાથે જોડાયેલી ન્યૂઝ એજન્સી ‘તસ્નીમ’ના અહેવાલ મુજબ ઈરાન હવે દરિયાઈ માર્ગે પસાર થતા તેલના જહાજો બાદ ડિજિટલ ડેટા પર પોતાનું નિયંત્રણ મજબૂત કરવા માંગે છે. દુનિયાનું અંદાજે 95% થી 97% ડેટા ટ્રાન્સફર દરિયાની નીચે બિછાવેલી ફાઈબર ઓપ્ટિક કેબલ્સ દ્વારા થાય છે, અને હોર્મુઝ એ આ ડેટા ટ્રાફિકનું મુખ્ય કેન્દ્ર છે.
જો હોર્મુઝ સ્ટ્રેટ અને લાલ સમુદ્રની આસપાસની પરિસ્થિતિ વધુ બગડે છે, તો ભારત સહિત અનેક એશિયન દેશોમાં ઇન્ટરનેટ સેવાઓ ખોરવાઈ શકે છે. જો કે, ઈરાન દ્વારા અત્યાર સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી. પરિણામે, પ્રશ્ન એ ઊભો થાય છે: ગેસ પછી, શું ઈરાન સાથેના સંઘર્ષની અસર હવે ઇન્ટરનેટ પર પણ પડી શકે છે?
ઈરાન પાસે ઈન્ટરનેટનું ‘કંટ્રોલ પોઈન્ટ’
હોર્મુઝની સામુદ્રધુની અને લાલ સમુદ્રની નીચેથી એવી મહત્વની કેબલ્સ પસાર થાય છે જેના પર વિશ્વની મોટાભાગની ઓનલાઇન સેવાઓ ટકેલી છે. દરરોજ આ કેબલ્સ દ્વારા 10 ટ્રિલિયન ડોલરથી વધુના નાણાકીય વ્યવહારો થાય છે. હોર્મુઝમાંથી 20 થી વધુ મુખ્ય કેબલ્સ પસાર થાય છે, જે વિશ્વના 17% થી 30% ઈન્ટરનેટ ટ્રાફિકને હેન્ડલ કરે છે. ઈરાન આ માર્ગમાંથી પસાર થતી 7 મુખ્ય સબમરીન કેબલ્સ પર ટેક્સ વસૂલવાની યોજના બનાવી રહ્યું છે.
ભારત પર શું થશે અસર?
ભારત માટે આ સમાચાર અત્યંત ચિંતાજનક છે કારણ કે આપણી ડિજિટલ અર્થવ્યવસ્થા આ દરિયાઈ માર્ગો પર ખૂબ નિર્ભર છે. ભારતનો યુરોપ તરફનો લગભગ 60% ઈન્ટરનેટ ટ્રાફિક મુંબઈ અને લાલ સમુદ્રના માર્ગે જાય છે. જો આ માર્ગમાં અડચણ આવે અથવા ખર્ચ વધે, તો ઈન્ટરનેટની સ્પીડ ધીમી પડી શકે છે અને UPI પેમેન્ટ, ક્લાઉડ સર્વિસ તથા AI પ્લેટફોર્મ્સના ભાવ વધી શકે છે. ભારતની પશ્ચિમ દિશાની કનેક્ટિવિટી AAE-1, ફાલ્કન નેટવર્ક અને SEA-ME-WE 4 જેવા પાંચ મોટા કેબલ સિસ્ટમ પર ટકેલી છે.
ટેલિકોમ કંપનીઓની ચિંતા
રિલાયન્સ જીયો, એરટેલ, ટાટા કોમ્યુનિકેશન્સ અને વોડાફોન આઈડિયા જેવી મોટી કંપનીઓએ અગાઉ જ સરકારને આ કેબલ્સની સુરક્ષા અંગે રજૂઆત કરી છે. જો ઈરાન ટેક્સ લાદશે, તો આ કંપનીઓનો ખર્ચ વધશે જેનો સીધો બોજ ગ્રાહકોના ખિસ્સા પર આવી શકે છે.
શું હોય છે આ સબમરીન કેબલ્સ?
આ ફાઈબર ઓપ્ટિક કેબલ્સ હોય છે જે ખાસ જહાજો દ્વારા સમુદ્રના તળિયે બિછાવવામાં આવે છે. ઊંડા સમુદ્રમાં તે સીધી જમીન પર રહે છે, જ્યારે ઉથલા પાણીમાં તેને જમીનની અંદર દબાવવામાં આવે છે જેથી જહાજોના લંગરથી નુકસાન ન થાય.
ગયા વર્ષે પણ હુમલાને કારણે ભારતને વિશ્વ સાથે જોડતી ત્રણ કેબલ્સ તૂટી હતી, જેનાથી 25% ડેટા ટ્રાફિક ખોરવાયો હતો. હવે જો ઈરાન આ માર્ગોને ટેક્સના દાયરામાં લાવશે, તો ડિજિટલ વ્યવહારોમાં મોટો અવરોધ આવી શકે છે.