BREAKING NEWS

અમદાવાદમાં આંતરરાજ્ય બાળ તસ્કરીના રેકેટનો પર્દાફાશ, રૂ.3.60 લાખમાં બાળક ખરીદ્યુ ને હૈદરાબાદ વેચવા નીકળેલા ચાર શખ્સોને દબોચ્યા

  • January 29, 2026 01:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદમાં બાળ તસ્કરીના ગંભીર અને ચોંકાવનારા રેકેટનો પર્દાફાશ થયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ગુજરાત એટીએસ દ્વારા કરવામાં આવેલા સંયુક્ત ઓપરેશનમાં આંતરરાજ્ય બાળ તસ્કરીના નેટવર્કનો ખુલાસો થયો છે. જેમાં નવજાત બાળકને વેચાણ માટે લઈ જવાતું હોવાનું સામે આવ્યું છે. પોલીસે સમયસર કાર્યવાહી કરીને બાળકનું રેસ્ક્યૂ કર્યું અને ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે.


મળતી માહિતી મુજબ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને એટીએસને એક ગુપ્ત બાતમી મળી હતી કે હિંમતનગરથી એક કારમાં નવજાત બાળકને લઈ જઈને અન્ય રાજ્યમાં વેચવામાં આવનાર છે. આ બાતમીના આધારે પોલીસ ટીમે અમદાવાદ એરપોર્ટ નજીક કોતરપુર વિસ્તારમાં વોચ ગોઠવી હતી. હિંમતનગર તરફથી આવી રહેલી એક કારને રોકીને તપાસ કરવામાં આવી, જેમાં કારમાંથી એક નવજાત બાળક મળી આવ્યું હતુ. આ દ્રશ્ય જોઈને પોલીસ પણ ક્ષણભર માટે હચમચી ગઈ હતી.


કારમાં ડ્રાઈવર સહિત કુલ ચાર શખસો સવાર હતા. પોલીસે કડક પૂછપરછ કરતા ખુલ્યું કે આ ચારેય લોકોએ હિંમતનગરના મુન્ના નામના વ્યક્તિ પાસેથી નવજાત બાળકને 3.60 લાખ રૂપિયામાં ખરીદ્યું હતું. આ બાળકને હૈદરાબાદ લઈ જઈને ત્યાં નાગરાજ નામના એજન્ટને વેચવાનું હતું. આરોપીઓ આ સમગ્ર રેકેટમાં માત્ર સૂત્રધાર તરીકે કામ કરી રહ્યા હતા, જ્યારે મુખ્ય સૂત્રધારો હજુ પણ ફરાર છે.


પોલીસે કારમાં બેઠેલા હૈદરાબાદના રહેવાસી રોશન અગ્રવાલ, ઉત્તર પ્રદેશના સુમિત યાદવ, અમદાવાદની મહિલા વંદના પંચાલ અને કારના ડ્રાઈવર મૌલિક દવેની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે આ રેકેટ માત્ર ગુજરાત પૂરતું સીમિત નહોતું, પરંતુ તેલંગાણા અને ઉત્તર પ્રદેશ સુધી ફેલાયેલું હતું. નવજાત બાળકોને ગરીબ અથવા મજબૂર પરિવારો પાસેથી ખરીદી, પછી અલગ-અલગ રાજ્યોમાં ઊંચા ભાવે વેચવામાં આવતા હતા.


પોલીસે તાત્કાલિક નવજાત બાળકને ચાઈલ્ડ હેલ્થ ઓફિસરને સોંપીને તેની સલામતી સુનિશ્ચિત કરી છે. સાથે જ ફરાર આરોપી મુન્ના અને હૈદરાબાદના એજન્ટ નાગરાજની શોધખોળ તેજ કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે આ રેકેટના અન્ય કડીઓ અને અગાઉ થયેલા આવા ગુનાઓની પણ તપાસ કરવામાં આવશે.


આ ઘટના ફરી એકવાર સમાજ સામે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે કે નાણાકીય લાલચમાં માણસ કેટલી હદે નિર્દય બની શકે છે. પોલીસની સતર્કતા અને ઝડપી કાર્યવાહીથી એક નિર્દોષ જિંદગી બચી છે, પરંતુ આવા રેકેટને જડમૂળથી નાબૂદ કરવા માટે કડક પગલાં લેવાની જરૂરિયાત છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application