ધ્રોલ યાર્ડમાં થયેલી ૧૦.૮૫ લાખની ચોરીમાં શકમંદોની કરાતી પુછપરછ

  • June 21, 2023 12:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ત્રણ તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ: બે ડઝન જેટલા નિવેદનો નોંધાયા

 ધ્રોલના માર્કેટિંગ યાર્ડની એક દુકાનમાં રૂપિયા ૧૦ લાખ ૮૫  હજારની રોકડ રકમ ની ચોરીમાં પોલીસ દ્વારા સીસી ફુટેજમાં ત્રણ શખ્સો કેદ થયાનું જાણમાં આવતા આ દીશામાં તપાસનો દોર આગળ ધપાવ્યો છે, અન્ય ફુટેજ પણ ચેક કરવામાં આવી રહયા છે. તેમજ બે ડઝનથી વધુ નિવેદનો લેવામાં આવ્યા છે અને શકમંદોની પુછપરછ કરાઇ રહી છે. તપાસમાં ધ્રોલ ઉપરાંત એલસીબીની ટુકડી પણ જોડાઇ છે.
ધ્રોલ માર્કેટિંગ યાર્ડમાં આવેલ મહાવીર ટ્રેડિંગ નામની દુકાનમાં ૧૮મી રાત્રે બારી ના સળિયા તોડી ને કોઈ  તસ્કરો એ અંદર પ્રવેશ કર્યો હતો. અને દુકાન મા રાખવામાં આવેલ રૂ.૧૦ લાખ ૮૫ હજાર રોકડ રકમ  ની ચોરી કરી લઈ ગયા હતા.
જે બનાવ અંગે વેપારીએ ધ્રોળ પોલીસને જાણ કરતાં પોલીસ કાફ્લો દોડી આવ્યો હતો અને પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. આ ઉપરાંત ચોરી પ્રકરણની તપાસમાં એલસીબીની ટીમ પણ જોડાઈ હતી. જે સંયુક્ત તપાસ દરમિયાન સીસીટીવી કેમેરામાં ત્રણ  તસ્કરો પોતાના મોઢા પર કપડું બાંધીને આવ્યા હતા, અને ઓળખ છુપાવવાનો પ્રયત્ન કર્યો હતો. જેથી પોલીસે ધ્રોળ પંથકના અન્ય જુદા જુદા સીસીટીવી કેમેરાઓ ની મદદ લઈને શોધવા માટેના પ્રયાસ શરૂ કર્યા છે. બીજી બાજુ પોલીસ દ્વારા નિવેદનો નોંધી અને કેમેરામાં દેખાતા શંકાસ્પદો જેવા શખ્સો તરફ તપાસ કેન્દ્રીત કરી ૧૫ થી વધુની સધન પુછપરછ કરી હતી અને અન્ય ફુટેજો મેળવવામાં આવી રહયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application