આજે આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ: પર્વતોના સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવા માટેનો દિવસ

  • December 11, 2024 07:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પર્વતો વિશ્વના લગભગ અડધા જૈવવિવિધતાના હોટસ્પોટ્સનું ઘર છે અને અડધી માનવતાને રોજિંદા જીવન માટે તાજું પાણી પૂરું પાડે છે. જો કે, આબોહવા પરિવર્તન અને અતિશય શોષણ જેવા પરિબળોને કારણે પર્વતો જોખમમાં છે.


આ વર્ષની થીમ પર્વતીય વિસ્તારમાં રહેતા લોકોની ક્ષમતા અને જરૂરિયાતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. નવીન તકનીકો અને સ્થિતિસ્થાપકતા બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકે છે. યુવાનોને પર્વતોના સંરક્ષણમાં સક્રિય ભૂમિકા ભજવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.


ગુજરાતમાં પર્વત સંરક્ષણ:

ગુજરાતમાં ગિરનાર, પાવાગઢ જેવા પર્વતોને ધાર્મિક મહત્વ આપવામાં આવ્યું છે. રાજ્ય સરકાર અને સામાજિક સંસ્થાઓ પર્વતારોહણ સ્પર્ધાઓ અને ટ્રેકિંગ કેમ્પ જેવી પ્રવૃત્તિઓ દ્વારા યુવાનોને પર્વતો પ્રત્યે જાગૃત કરવાના પ્રયાસો કરી રહી છે.


પર્વતો એ કુદરતી ઝવેરાત છે, આ કિંમતી ખજાનો જાળવી રાખવો એ સૌની નૈતિક ફરજ છે. વિશ્વની ૧૫% વસ્તીનું ઘર પર્વતો છે અને વિશ્વના લગભગ અડધા જૈવવિવિધતાના હોટસ્પોટ્સનું યજમાન છે. તેઓ અડધી માનવતાને રોજિંદા જીવન માટે તાજું પાણી પૂરું પાડે છે, ખેતીને ટકાવી રાખવામાં મદદ કરે છે અને સ્વચ્છ ઉર્જા અને ઔષધિઓ પણ પૂરી પાડે છે. તેમનું સંરક્ષણ ટકાઉ વિકાસ માટેનું મુખ્ય પરિબળ છે. આથી પર્વતોના સંરક્ષણ અને તેમની સમૃદ્ધ જૈવવિવિધતા વિશે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૧૧ ડિસેમ્બર ના રોજ "આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ"ની ઉજવણી કરવામાં આવે છે. પર્વતીય વિસ્તારોમાં રહેતા લોકો તથા પર્વતારોહકોમાં આંતરરાષ્ટ્રીય પર્વત દિવસની ઉજવણી માટે અનેરો ઉત્સાહ જોવા મળે છે.


આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ - ૨૦૨૪ની થીમ:

આ વર્ષે આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ "ટકાઉ ભવિષ્ય માટે પર્વતીય ઉકેલો - નવીનતા, અનુકૂલન, યુવા અને તેનાથી આગળ" ની થીમ સાથે ઉજવાશે. જે પર્વતીય વિસ્તારમાં રહેતા લોકોની ક્ષમતા અને જરૂરિયાતો પર ચોક્કસ ધ્યાન કેન્દ્રિત કરે છે. જટિલ પર્વત સંબંધિત મુદ્દાઓને ઉકેલવા માટે નવીનતા જરૂરી છે. જે નવીન ટેકનોલોજી, પ્રગતિ તેમજ આબોહવા - સ્માર્ટ એગ્રીકલ્ચર જેવી સર્જનાત્મક સમસ્યાઓનું નિવારણ લાવે છે. પર્વતો પર આબોહવા પરિવર્તનના દબાણનો સામનો કરતી વખતે, સ્થિતિસ્થાપકતા બનાવવા અને નબળાઈ ઘટાડવા માટે અનુકૂલન અનિવાર્ય બની જાય છે. અનુકૂલન વ્યૂહરચનાઓમાં આપત્તિ જોખમ ઘટાડવા માટે ઇકોસિસ્ટમ આધારિત અભિગમો અને સ્વદેશી જ્ઞાન પ્રણાલીઓના એકીકરણ જેવા ઉકેલોનો સમાવેશ થાય છે. પર્વતીય ઉકેલોમાં લાંબા ગાળાનું ટકાઉપણું સુનિશ્ચિત કરવા માટે યુવાનોની સક્રિય ભાગીદારી જરૂરી છે.


આંતરરાષ્ટ્રીય પર્વત દિવસનો ઈતિહાસ:

આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ ઉજવવાનો પ્રસ્તાવ ૧૯૯૨માં બનાવવામાં આવ્યો હતો, જેને એજન્ડા ૧૩ ના પ્રકરણ ૨૧ “મેનેજિંગ ઇકોસિસ્ટમ્સ: સસ્ટેનેબલ માઉન્ટેન ડેવલપમેન્ટ” પર્યાવરણ અને વિકાસ પર સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં અપનાવવામાં આવ્યું હતું. પર્વતોના મહત્વ તરફ વધતા ધ્યાનને કારણે યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ ૨૦૦૨ ને યુનાઈટેડ નેશન્સ વિશ્વ પર્વત વર્ષ તરીકે જાહેર કર્યું અને ૧૧ ડિસેમ્બર ૨૦૦૩ થી આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ ઉજવવાનું નક્કી કર્યું. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ સૌપ્રથમ ૧૧ ડીસેમ્બર,૨૦૦૩ ના રોજ ઉજવવામાં આવ્યો હતો અને ત્યારથી દર વર્ષે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. યુ.એન એ. દ્વારા ૨૦૨૨ના વર્ષને ટકાઉ પર્વત વિકાસના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે પણ જાહેર કર્યું હતું.


પર્વતોનું સંરક્ષણ શા માટે જરૂરી?

પર્વતો આબોહવા પરિવર્તન અને અતિશય શોષણથી જોખમમાં છે. જેમ જેમ વૈશ્વિક આબોહવા સતત ગરમ થઈ રહી છે, પર્વતીય વિસ્તારમાં રહેતા લોકોએ ટકી રહેવા માટે વધુ સંઘર્ષનો સામનો કરવો પડે છે. વધતા જતાં તાપમાનને કારણે પર્વતીય હિમનદીઓ અભૂતપૂર્વ રીતે પીગળી રહી છે, જે લાખો લોકો માટે તાજા પાણીના પુરવઠાને અસર કરી રહી છે. પરિણામે, પર્વતીય લોકોને ટકી રહેવા માટે વધુ સંઘર્ષનો સામનો કરવો પડે છે. આ સમસ્યા આપણને બધાને અસર કરે છે. આપણે કાર્બનનું પ્રમાણ ઘટે તે માટે ફળદાયી પગલાં લેવા જોઈએ અને આ કુદરતી ખજાનાની કાળજી લેવી જોઈએ. આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ ઉજવવાનું મહત્વ લોકોને પહાડો અને લેન્ડસ્કેપ્સ વિશે જાગૃત કરવાનો છે. આબોહવા અને ભૂમિ સ્વરૂપના ફેરફારોને કારણે પર્વતોની ભૌગોલિક સ્થિતિ ધીમે ધીમે બદલાઈ રહી છે. પર્વતો કપાઈ રહ્યા છે અને જંગલોનો નાશ થઈ રહ્યો છે. આમ કરવાથી આપણી ભાવિ પેઢી માટે જીવન ખૂબ જ મુશ્કેલ બની શકે છે. આવી સ્થિતિમાં લોકો માટે જરૂરી છે કે તેઓ પર્વતો પ્રત્યેની તેમની જવાબદારીઓ સમજાવવા માટે સંગઠિત થાય.


લોકોને જાગૃત કરવા માટે સમગ્ર વિશ્વ જુદા જુદા પ્રયાસો કરી રહ્યું છે ત્યારે પર્વતોનું મહત્ત્વને સમજીને ભારતમાં તો આદિકાળથી જ આધ્યાત્મિક મહત્વ જોડીને તેનું સંરક્ષણ થઈ રહ્યું છે. ભારતમાં આવેલા દરેક મહત્વના પર્વત જેવા કે કૈલાશ, ગુજરાતમાં ગિરનાર, ચોટીલા, પાવાગઢ, અંબાજી, શેત્રુંજ્ય, ઓસમ સહિતના નાના મોટા પર્વતો સાથે ધાર્મિક મહત્વ જોડીને પર્વતોના સંરક્ષણ માટે સંનિષ્ઠ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. યુવા પેઢી એ દેશનું ઉજ્જવળ ભાવિ છે. આ યુવા પેઢી પ્રકૃતિની નિકટ આવે અને પ્રકૃતિનું જતન કરે, મહત્ત્વ સમજે તે માટે ગુજરાતમાં આવેલા મુખ્યત્વે પર્વતો ઉપર રાજ્ય સરકાર દ્વારા તેમજ જુદી જુદી સામાજિક સંસ્થાઓ દ્વારા આરોહણ-અવરોહણ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવે છે. ભાવિ પેઢી તેમના ભવિષ્ય વિશે વિચારતા થાય, પ્રકૃતિ પ્રેમી બને તે માટે પર્વતો ઉપર ટ્રેકિંગ કેમ્પનું પણ આયોજન કરવામાં આવતું હોય છે. પર્વતોએ આપણા સૌનો કુદરતી અને સમૃદ્ધ વારસો છે, તેનું સંરક્ષણ કરવું એ આપણી નૈતિક ફરજ અને જવાબદારી છે.


રાજ્ય સરકાર દ્વારા પ્રવાસનને વેગ આપવા માટે પર્વતો ઉપર આવેલાં યાત્રાધામોની સુખ સુવિધાઓમાં દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં સુરેન્દ્રનગર એક મહત્વનો જિલ્લો છે, જે પોતાના ધાર્મિક સ્થળો અને સાંસ્કૃતિક વારસા માટે જાણીતું છે. જિલ્લામાં અનેક ડુંગરો આવેલા છે, જે ધાર્મિક અને પ્રવાસનના દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વના છે. સુરેન્દ્રનગરનું સૌથી પ્રખ્યાત ધાર્મિક સ્થળ ચોટીલા ડુંગર છે. આ ડુંગર પર ચામુંડા માતાનું પ્રાચીન મંદિર આવેલું છે. દર વર્ષે લાખોની સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન માટે અહીં આવે છે. ચોટીલા ડુંગરની ટોચ પરથી આસપાસના વિસ્તારનો અદભૂત નજારો જોવા મળે છે. સુરેન્દ્રનગરમાં ચોટીલા ઉપરાંત પણ અનેક નાના-મોટા ડુંગરો આવેલા છે. જેના પર અનેક નાના-મોટા મંદિરો અને તીર્થસ્થાનો આવેલા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application