ખંભાળિયા નગરપાલિકામાં સત્તાધિશો વચ્ચે આંતરિક સખળ-ડખળ

  • September 26, 2024 10:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સભ્યોમાં નારાજગી, જનરલ બોર્ડના મુદ્દે મુળુભાઈ બેરા દ્વારા જરૂરી ચર્ચાઓ થશે: રાજ્યમંત્રીની ખાસ બેઠક



ખંભાળિયા નગરપાલિકા દ્વારા વિકાસ કાર્યો કરવામાં નિરસતા તેમજ જનરલ બોર્ડ બોલાવવામાં વિલંબ તથા ગ્રાન્ટનો વિકાસ કાર્યો માટે ઉપયોગ ન થવા સહિતના મુદ્દે શહેરભરમાં ભારે ચર્ચા પ્રસરી જવા પામી છે. ત્યારે આ મહત્વના મુદ્દે અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા દ્વારા ખાસ બેઠક યોજવામાં આવી હતી.


ખંભાળિયા નગરપાલિકા વિસ્તાર માટે કરોડોની ગ્રાન્ટ ઉપલબ્ધ હોવા છતાં શહેરમાં વિકાસના કામો ટલ્લે ચડતા હોવા ઉપરાંત પાલિકાના સદસ્યો અને ચીફ ઓફિસર વચ્ચે કહેવાતા મતભેદ (સંઘર્ષ) સહિતના મુદ્દે નગરપાલિકા વર્તુળોમાં ચર્ચા સાથે સખળ-ડખળનો માહોલ જોવા મળી રહ્યો છે.


આ વચ્ચે છેલ્લા સાતેક માસથી નગરપાલિકાની સામાન્ય સભા બોલાવવામાં આવી નથી. તે ગંભીર મુદ્દા વચ્ચે તાજેતરમાં યોજાયેલી સંકલન બેઠકમાં પણ મોટાભાગના સભ્યો ગેર હાજર રહ્યા હતા. આ મહત્વના મુદ્દે નગરપાલિકાના હોદ્દેદારો તથા શહેર ભાજપ પ્રમુખ દ્વારા અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં ખાસ બેઠક યોજવામાં આવી છે. જેમાં સ્થાનિક હોદ્દેદારો, સભ્યોની ઉપસ્થિતિમાં જરૂરી ચર્ચા વિચારણાઓ કરવામાં આવશે.


ખંભાળિયા નગરપાલિકાની મુદત પૂરી થવાના હવે માત્ર દોઢ વર્ષ જેટલો સમય બાકી છે. ત્યારે અગાઉના સમયમાં ચૂંટણી નજીક આવે ત્યારે જ સારા કામો થતા હોય છે. કારણ કે નગરજનોએ વિશ્વાસ રાખીને આ ટર્મમાં 28 માંથી 26 બેઠકો ભાજપને આપી છે. ત્યારે આવી તોતિંગ બહુમતી છતાં પણ નગરમાં વિકાસ કાર્યો ન થાય તો પ્રજાની અપેક્ષા નિષ્ફળ જાય તેવી પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે. આ મુદ્દે રાજ્યમંત્રી દ્વારા નક્કર કાર્યવાહીની માંગ પણ ઊઠવા પામી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application