BREAKING NEWS

વાછકપર બેડીમાં સાસરિયા ઘરે આવી યુવાનની પત્નીનું અપહરણ કરી ગયા

  • April 17, 2026 10:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટની ભાગોળે વાછકરપર બેડી ગામે રહેતા અને પ્રેમલગ્ન કરનાર યુવાનની પત્નીને સાસરિયાઓ અહીં આવી અપહરણ કરી ગયા હતા. યુવાનને - આ શખસોએ ઢીકાપાટુનો મારમાર્યો હતો. જે અંગે યુવાને કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વાછકરપર બેડી ગામે રહેતા રોનીલભાઈ અમૃતભાઈ ચંદ્રાલા - (ઉ.વ.૨૭) દ્વારા કુવાડવા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે કિશોર કુકરવાડિયા, જય કુકરવાડીયા (રહે. હરીઓમ પાર્ક, મોરબી) અને આકાશ ગામી, કુલદીપ ઘોડાસરા તથા અન્ય ચાર અજાણ્યા શખસોના નામ આપ્યા છે.
રોનીલભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે મોરબીમાં પીપડીયા ચાર રસ્તા પાસે શિવમ પ્લાસ્ટિક નામના કારખાનામાં એકાઉન્ટ વિભાગમાં નોકરી કરે છે. છ માસ પૂર્વે યુવાન મોરબી હરિ ઓમ પાર્ક કેનાલ રોડ ખાતે રહેતી ઈશિતા કુકરવાડિયાના પરિચયમાં આવ્યો હતો બાદમાં બંને વચ્ચે પ્રેમ સંબંધ થતાં તારીખ ૧૩/૨/૨૦૨૬ ના અમરેલીમાં કુકાવાવ મોટી ગ્રામ પંચાયત ખાતે બંને લગ્ન કરી લીધા હતા. ત્યારબાદ તારીખ ૨૯/૩/૨૦૨૬ ના બંને મોરબીથી ભાગી ગયા હતા. તા.૪/૪ ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે હાજર થયા હતા અને
બાદમાં મોરબી નિવેદન લખાવવા આવ્યા હતા. ત્યારબાદ તારીખ ૭/૪ ના મૂળ ગામ બેડીવાછકપર ખાતે આવેલ મકાને રોકાયા હતા.
તારીખ ૧૩/૪ ના રાત્રીના પોણા એક વાગ્યા આસપાસ કોઈએ દરવાજો ખખડાવતા યુવાનના માતાએ દરવાજો ખોલતા ઘરમાં દેકારો થવા લાગતા તેણે જઈ જોતા ચાર શખસો ઘરમાં ઘૂસી ગયા હતા. જેમાં યુવાનની પત્નીના મોટા બાપુ કિશોરભાઈ તેનો પુત્ર જય, યુવાનની પત્નીના ફઈનો પુત્ર કુલદીપ અને તેની સાથે બીજા ચાર અજાણ્યા શખસો હતા અને તેઓ ગાળો આપવા લાગ્યા હતા. બાદમાં યુવાનની પત્નીને પકડી કિશોરભાઈએ કહ્યું હતું કે, તું ઘરે આવી જા નહીંતર તારા પતિને જાનથી મારી નાખીશું. બાદમાં આકાશ ગામીએ યુવાને ઢીકાપાટુનો માર માર્યો હતો ત્યારબાદ જય તથા કુલદીપે યુવકની પત્ની ઈશીતાને પકડી ઘર બહાર નીકળી ગયા હતા અને બળજબરીથી તેનું કારમાં અપહરણ કરી ગયા હતા.
આ બાબતે ઘરમેળે સમાધાનની વાત ચાલુ હતી જેથી જે તે સમયે ફરિયાદ કરી ન હતી. પરંતુ આજદિન સુધી યુવાનની પત્નીને પરત મૂકવા ન આવતા અંતે તેણે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે કુવાડવા પોલીસે રાયોટીંગ, અપહરણ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News