અમેરિકાના ટેક્સાસમાં ફરી એકવાર ગોળીબારની લોહિયાળ ઘટના સામે આવી છે. મિડલેન્ડમાં એક હુમલાખોરે રસ્તે ચાલતા લોકો અને પોલીસ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો, જેમાં એક યુવકે જીવ ગુમાવ્યો અને ૧૦ લોકો ઘાયલ થયા છે. પોલીસે જવાબી કાર્યવાહીમાં ૪૫ વર્ષના મોસ્ટ વોન્ટેડ હુમલાખોર વિક્ટર માટા વિલેરિયલને ઠાર કર્યો છે.
અમેરિકામાં ગન કલ્ચરનો આતંક અટકવાનું નામ નથી લઈ રહ્યો. ટેક્સાસના મિડલેન્ડ શહેરમાં થયેલા ભયાનક ગોળીબારમાં એક નિર્દોષ યુવકનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ૧૦ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસે જવાબી કાર્યવાહી કરીને અંધાધૂંધ ફાયરિંગ કરનાર ૪૫ વર્ષીય શંકાસ્પદ હુમલાખોર વિક્ટર માટા વિલેરિયલને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે.
સવારે ૮ વાગ્યે શરૂ થયો મોતનો ખેલ
ટેક્સાસ ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેફ્ટીના અધિકારીઓના જણાવ્યા અનુસાર, સ્થાનિક સમય મુજબ સવારે આશરે ૮ વાગ્યે પોલીસને કંટ્રોલ રૂમ પર શૂટર હોવાની માહિતી મળી હતી. હુમલાખોર વિક્ટર માટા વિલેરિયલે રસ્તે જતા રાહદારીઓ અને ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ ટીમ પર અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ હુમલામાં ૧૧ લોકોને ગોળી વાગી હતી, જેમાંથી એક યુવકનું મોત થયું છે.
હુમલાખોર પહેલાથી જ 'કેપિટલ મર્ડર'ના કેસમાં હતો વોન્ટેડ
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે હુમલાખોર વિલેરિયલ એક રીઢો ગુનેગાર હતો. ચાલુ સપ્તાહની શરૂઆતમાં બુધવારે જ્યારે એક પોલીસ અધિકારીએ તેની કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે તેણે ઓફિસર પર પણ ગોળીઓ ચલાવી હતી અને ફરાર થઈ ગયો હતો. ત્યારથી પોલીસ 'કેપિટલ મર્ડર'ના પ્રયાસના ગુના હેઠળ તેની શોધ કરી રહી હતી. શુક્રવારે થયેલી ફાયરિંગની આ ઘટના પણ જૂની ઘટનાના સ્થળથી બહુ દૂર નહોતી થઈ.
પશુ ચિકિત્સાલયમાં છુપાયો હતો શૂટર
લોકો પર ગોળીબાર કર્યા બાદ હુમલાખોર વિલેરિયલે પોલીસથી બચવા માટે પોતાને એક બંધ પડેલા એનિમલ ક્લિનિક (પશુ ચિકિત્સાલય)ની અંદર લોક કરી દીધો હતો. પોલીસે તાત્કાલિક એક્શન મોડમાં આવીને સમગ્ર બિલ્ડિંગને ઘેરી લીધી હતી અને આસપાસના વિસ્તારને ખાલી કરાવ્યો હતો. ત્યારબાદ થયેલી ભીષણ અથડામણમાં હુમલાખોર પોલીસની ગોળીઓનો શિકાર બન્યો હતો અને ઘટનાસ્થળે જ માર્યો ગયો હતો. હાલ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.