આજનો ભારત આત્મવિશ્વાસથી છલકાઈ રહ્યો છે. વંદે ભારત ટ્રેનોની સ્પીડ હોય, ડિજિટલ યુપીઆઈ પેમેન્ટ ક્રાંતિ હોય કે પછી વૈશ્વિક મંચ પર ભારતીય પ્રતિભાનો ડંકો, દેશ સતત પ્રગતિ કરી રહ્યો છે. અવારનવાર ચર્ચા થતી હોય છે કે શું ભારત ક્યારેય આર્થિક ક્ષેત્રે ચીનને ટક્કર આપી શકશે? ફ્રાન્સની રાજધાની પેરિસની પ્રખ્યાત 'વર્લ્ડ ઇન-ઇક્વાલિટી લેબ'ના અહેવાલે આ સવાલનો સચોટ જવાબ આપતા ભારતના ઉજ્જવળ ભવિષ્ય પર મહોર લગાવી દીધી છે.
પેરિસના રિપોર્ટનો દાવો
ખરીદશક્તિમાં ભારત બનશે ગ્લોબલ લીડર
આ આંતરરાષ્ટ્રીય અહેવાલમાં કોઈ કાલ્પનિક વાતો નથી, પરંતુ પાકા આંકડાકીય આકલન રજૂ કરવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર, વર્ષ ૨૦૬૦ સુધીમાં પર્ચેઝિંગ પાવર પેરિટી (પીપીપી - આમ આદમીની ખરીદશક્તિ)ના આધારે વૈશ્વિક જીડીપી (GDP)માં હિસ્સેદારીની દ્રષ્ટિએ ભારત ચીનને પાછળ છોડી દેશે. જેને આજે આપણે ચીનનું 'ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ' કહીએ છીએ, તેની આર્થિક ચમક ભવિષ્યમાં ફીકી પડવાની છે અને ભારત વૈશ્વિક અર્થતંત્રનું નવું એન્જિન બનવા જઈ રહ્યું છે.
ચીનનું અર્થતંત્ર કેમ હાંફવા લાગશે અને ભારતને કેવી રીતે મળશે ફાયદો?
નિષ્ણાતોના મતે, ચીનની સૌથી મોટી તાકાત તેની વિશાળ વસ્તી અને સસ્તા મજૂરો હતા, પરંતુ હવે તે પોતાની જ વસ્તી નીતિઓના જાળમાં ફસાઈ ગયું છે.
ચીનની ઘરડી થતી વસ્તી
ચીનમાં વસ્તી ખૂબ જ ઝડપથી ઘટી રહી છે અને વૃદ્ધોની સંખ્યા વધી રહી છે. વર્ષ 1945 માં વિશ્વનો દર ચોથો નાગરિક ચીની હતો (વૈશ્વિક વસ્તીના ૨૩%), જે આજે ઘટીને ૧૭% થઈ ગયો છે અને 21મી સદીના અંત સુધીમાં માત્ર 8 % જ રહી જશે. કામ કરનારા હાથોની અછતને લીધે ચીનની આર્થિક રફતાર ધીમી પડશે.
ભારતનું 'યંગિસ્થાન'
બીજી તરફ, ભારત પાસે વિશ્વની સૌથી મોટી યુવા વસ્તી છે. આ યુવાધન લાંબા ગાળાના આર્થિક વિકાસમાં ભારત માટે સૌથી મોટું પ્લસ પોઈન્ટ સાબિત થશે, જેના કારણે 2050 પછી ભારતનો ગ્રાફ ઝડપથી આકાશ તરફ આગળ વધશે.
આર્થિક રેસનું વર્તમાન રિપોર્ટ કાર્ડ
હાલના વૈશ્વિક આર્થિક મંચ પર દેશોની સ્થિતિ પર નજર કરીએ તો વૈશ્વિક અર્થતંત્ર હવે કોઈ એક દેશના આધારે નહીં ચાલે
અમેરિકા: ૩૨.૩૮ ડોલર ટ્રિલિયન સાથે પ્રથમ સ્થાને છે.
ચીન: ૨૦.૮૫ ડોલર ટ્રિલિયન સાથે બીજા ક્રમે છે.
જાપાન અને બ્રિટન: અનુક્રમે ૪.૩૮ ટ્રિલિયન અને ૪.૨૭ ટ્રિલિયન ડોલર સાથે આગળ છે.
ભારત: ૪.૧૫ ટ્રિલિયન ડોલરની આર્થિક તાકાત સાથે ભારત બહુ ઝડપથી જાપાન-બ્રિટનને પાછળ છોડીને વિશ્વના ટોપ-૩ અર્થતંત્રોમાં સ્થાન મેળવવા જઈ રહ્યું છે.
મહાસત્તા બનવા માટે કયા પડકારો પાર કરવા પડશે?
રિપોર્ટમાં ભારતની પ્રશંસા કરવાની સાથે એક મહત્વપૂર્ણ સલાહ પણ આપવામાં આવી છે. ચીને પોતાના નાગરિકોના શિક્ષણ અને સ્વાસ્થ્ય પાછળ ઘણો ખર્ચ કર્યો છે, જેનાથી તેમની કાર્યક્ષમ વધી છે. ભારતમાં હજુ પણ અમીર અને ગરીબ વચ્ચે મોટી ખાઈ છે. જો આપણે નિર્ધારિત સમય કરતાં વહેલા ચીનને પછાડવું હોય, તો દેશના અંતરિયાળ ગામડાઓ સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ અને કૌશલ્ય પહોંચાડવા પડશે, જેથી દેશનો દરેક નાગરિક આર્થિક મહાસત્તાના નિર્માણમાં ભાગીદાર બની શકે.