ઓમાન નજીક ૧૪ ભારતીય ક્રૂ મેમ્બર્સ સાથેનું 'MSV વિરાટ 1' જહાજ ડૂબ્યું. ભારતીય નૌસેના, અમેરિકન નેવી અને એક કોમર્શિયલ જહાજે સાથે મળીને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી છે. અત્યાર સુધીમાં ૧૧ ભારતીયોને સુરક્ષિત બહાર કઢાયા છે, જ્યારે બાકીના ૩ માટે રેસ્કયૂ ઓપરેશન તેજ કરાયું છે.
અરબ સાગરમાં ઓમાનના દરિયા કિનારા નજીક ૧૪ ભારતીય નાગરિકોના ક્રૂ મેમ્બર્સ ધરાવતું માલવાહક જહાજ 'MSV વિરાટ 1' ડૂબી ગયું હોવાના સમાચાર સામે આવ્યા છે. જહાજ ડૂબ્યા બાદ દરિયાની અધવચ્ચે ફસાયેલા તમામ ૧૪ ભારતીયોને બચાવવા માટે અરબ સાગરમાં એક મોટું આંતરરાષ્ટ્રીય સર્ચ એન્ડ રેસ્કયૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
ઓમાનથી મુંબઈ આવી રહ્યું હતું જહાજ
મળતી માહિતી મુજબ, MSV વિરાટ 1 જહાજનો છેલ્લો સ્ટોપ ઓમાનનું સોહર બંદર હતું અને ત્યાંથી તે મુંબઈ તરફ આવી રહ્યું હતું. આ દરમિયાન ઓમાનના 'રાસ અલ હદ' (Ras Al Hadd) થી આશરે ૮૦ નોટિકલ માઈલ (લગભગ ૧૪૮ કિલોમીટર) દૂર દરિયામાં આ જહાજ કોઈ ટેકનિકલ ખામી અથવા મુશ્કેલીમાં ફસાયું હતું અને ધીમે-ધીમે ડૂબવા લાગ્યું હતું. અમેરિકન નેવી પાસેથી એલર્ટ મળતા જ ભારતીય સત્તાધીશો એક્શનમાં આવ્યા હતા અને નજીકના વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા ભારતીય નૌસેના (Indian Navy) ના યુદ્ધજહાજોને તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કર્યા હતા.
અમેરિકન નેવીએ આકાશમાંથી મોકલી મદદ
આ બચાવ અભિયાનમાં અમેરિકન નેવીએ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી છે. યુએસ નેવીનું 'P-8 દરિયાઈ પેટ્રોલિંગ વિમાન' તાત્કાલિક દુર્ઘટનાગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યું હતું. વિમાનના પાયલટોએ દરિયામાં ડૂબી રહેલા જહાજને જોઈને ફસાયેલા ક્રૂ મેમ્બર્સ માટે આકાશમાંથી 'લાઈફ ક્રાફ્ટ' (બચાવ હોડી) નીચે પાડી હતી. સમયસૂચકતા વાપરીને તમામ ૧૪ ભારતીય ક્રૂ મેમ્બર્સ ડૂબતા જહાજમાંથી નીકળીને આ લાઈફ ક્રાફ્ટ પર સવાર થઈ ગયા હતા, જેના પર અમેરિકન વિમાને સતત નજર રાખી હતી.
આંતરરાષ્ટ્રીય જહાજ 'MV જબલ અલી 9' દેવદૂત બન્યું
આ કટોકટીના સમયે સેન્ટ કિટ્સ એન્ડ નેવિસનો ધ્વજ ધરાવતું એક કોમર્શિયલ માલવાહક જહાજ 'MV જબલ અલી 9' (MV Jabal Ali 9) તે જ રૂટ પરથી પસાર થઈ રહ્યું હતું. મેસેજ મળતા જ આ જહાજે પોતાનો રૂટ બદલ્યો અને ભારતીય ક્રૂ મેમ્બર્સની મદદ માટે દોડી ગયું હતું. તાજેતરના અહેવાલો મુજબ, 'MV જબલ અલી 9' એ લાઈફ ક્રાફ્ટ પર સવાર ૧૪ સભ્યોમાંથી ૧૧ ભારતીયોને સફળતાપૂર્વક દરિયામાંથી બહાર કાઢી પોતાના જહાજ પર લઈ લીધા છે.
હાલમાં બાકીના ૩ ક્રૂ મેમ્બર્સને પણ સુરક્ષિત બહાર કાઢવા માટે ઓપરેશન અંતિમ તબક્કામાં છે. ભારતીય નૌસેનાના જહાજો ઝડપથી ઘટનાસ્થળ તરફ આગળ વધી રહ્યા છે અને આંતરરાષ્ટ્રીય દરિયાઈ એજન્સીઓ સાથે સતત તાલમેલ જાળવીને સ્થિતિ પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે.