BREAKING NEWS

પશ્ચિમ એશિયામાં ભારતની નવી કૂટનીતિ: ખમેનીના મોત પર 'મૌન' અને ખાડી દેશો સાથે નિકટતા; શું ભારતની વિદેશ નીતિ બદલાઈ રહી છે?

  • March 03, 2026 11:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખમેનીના મોતને 48 કલાકથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ ભારતે હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈઝરાયેલ ઉપરાંત યુએઈ (UAE), સાઉદી અરેબિયા અને બહેરીનના નેતાઓ સાથે ફોન પર વાત કરી તેમની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે. આ ઘટનાક્રમ સૂચવે છે કે ભારત હવે તેની પરંપરાગત "બેલેન્સિંગ એક્ટ" (બંને પક્ષોને સાચવવાની નીતિ) માંથી બહાર આવીને 'પ્રેક્ટિકલ' અભિગમ અપનાવી રહ્યું છે.


ભારતના આ બદલાયેલા વલણ પાછળનું સૌથી મોટું કારણ તેના નાગરિકોની સુરક્ષા છે. વિદેશ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતની પ્રાથમિકતાઓ હવે સ્પષ્ટ છે. અત્યારે ઈરાનમાં માત્ર 8 થી 10 હજાર ભારતીયો છે. ઈરાન જે દેશો (UAE, સાઉદી, કતાર) પર હુમલો કરી રહ્યું છે, ત્યાં લગભગ 1 કરોડ (10 મિલિયન) ભારતીયો વસે છે. ઓમાનમાં તેલ ટેન્કર પર થયેલા હુમલામાં એક ભારતીયનું મોત થયું છે. જો ખાડી દેશોની અર્થવ્યવસ્થાને નુકસાન થાય, તો તેની સીધી અસર ભારત અને ત્યાં રહેતા કરોડો ભારતીયો પર પડશે.


ઈરાન સાથેના સંબંધોમાં કેમ આવી ઠંડક?
છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અને ઈરાન વચ્ચેના સંબંધોમાં વ્યૂહાત્મક અંતર વધ્યું છે, જેના મુખ્ય કારણો નીચે મુજબ છે:


મુલાકાતોમાં તફાવત: પીએમ મોદી 2016 પછી ઈરાન ગયા નથી, જ્યારે આ દરમિયાન તેઓ 7 વાર UAE અને 3 વાર સાઉદી અરેબિયાની મુલાકાત લઈ ચૂક્યા છે.


તેલની આયાત: 2019 પછી અમેરિકી પ્રતિબંધોને કારણે ભારતે ઈરાન પાસેથી તેલ ખરીદવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું છે.


ચાબહાર પોર્ટ: જે ચાબહાર પોર્ટને ભારત-ઈરાન સંબંધોનો સેતુ માનવામાં આવતો હતો, તેના માટે બજેટ 2026-27 માં ભારત સરકારે કોઈ નાણાકીય જોગવાઈ કરી નથી.


નવી 'ડી-હાઈફનેશન' નીતિ
રાજદ્વારી નિષ્ણાતો માને છે કે ભારત હવે ઈઝરાયેલ અને ઈરાનને એક જ ત્રાજવે તોળવાને બદલે પોતાના આર્થિક અને ઉર્જા હિતોને વધુ મહત્વ આપી રહ્યું છે. ઈઝરાયેલ સાથેની 'સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ' અને ખાડી દેશો સાથે થયેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) એ ભારતના નવા મિત્રોની યાદી સ્પષ્ટ કરી દીધી છે.

"ભારતની કૂટનીતિ હવે લાગણીશીલ નહીં પણ સામરિક (Strategic) બની છે. જે દેશોમાં આપણા કરોડો લોકો રહે છે અને જ્યાંથી આપણું રોકાણ આવે છે, તેમની સુરક્ષા જ ભારતની ટોચની અગ્રતા છે." - રાજદ્વારી વિશ્લેષકો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application