ભારત-પાકિસ્તાન વર્ષોથી લડી રહ્યા છે, પરિસ્થિતિ પોતાની રીતે ઉકેલી લેશે: ટ્રમ્પ

  • April 26, 2025 10:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી અને તેને 'ખૂબ જ ખરાબ હુમલો' ગણાવ્યો છે. એરફોર્સ વન વિમાનમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે, ભારત અને પાકિસ્તાન આ પરિસ્થિતિનો ઉકેલ પોતાના સ્તરે લાવશે.

તેમણે કહ્યું, હું ભારત અને પાકિસ્તાનની ખૂબ નજીક છું. જેમ તમે જાણો છો. કાશ્મીરને લઈને બંને વચ્ચે વર્ષોથી લડાઈ ચાલી રહી છે. કાશ્મીરનો મુદ્દો વર્ષોથી છે. જે આતંકવાદી હુમલો થયો તે ખૂબ જ ખરાબ હતો. વર્ષોથી ભારત અને પાકિસ્તાનની સરહદ પર તણાવ છે.

જ્યારે તેમને કાશ્મીર મુદ્દા અને ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા તણાવ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જવાબ આપતા જણાવ્યું કે, તે સરહદ પર વર્ષોથી તણાવ છે. તે હંમેશા આવું જ રહ્યું છે. પણ મને ખાતરી છે કે તેઓ એક કે બીજી રીતે તેનો ઉકેલ શોધી કાઢશે. હું બંને નેતાઓને જાણું છું, ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણો તણાવ છે, પરંતુ તે હંમેશા આવું જ રહ્યું છે.

આ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી હતી અને આતંકવાદી હુમલાની કડક નિંદા કરી હતી. તેઓએ ભારતને સંપૂર્ણ સમર્થન આપવાની ખાતરી આપી હતી. તેમણે આ જઘન્ય હુમલાના ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવવામાં ભારતના સમર્થનની ખાતરી આપી છે.

ગત મંગળવારે જમ્મુ અને કાશ્મીરના પર્યટન સ્થળ બૈસરન ખીણમાં 26 લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હુમલો લગભગ બે દાયકામાં કાશ્મીરમાં થયેલો સૌથી ઘાતક હુમલો માનવામાં આવે છે. આ હુમલા બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં તીવ્ર વળાંક આવ્યો છે.

આ હુમલા બાદ ભારત સરકારે અનેક કડક રાજદ્વારી પગલાં લીધાં છે. જેમાં અટારી ખાતેની ઇન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ બંધ કરવી, પાકિસ્તાની નાગરિકો માટે સાર્ક વિઝા એક્ઝેમ્પશન સ્કીમ સ્થગિત કરવી અને બંને દેશોના હાઇ કમિશનમાં અધિકારીઓની સંખ્યામાં ઘટાડો કરવાનો સમાવેશ થાય છે.

ભારતે ૧૯૬૦ની સિંધુ જળ સંધિને પણ સ્થગિત કરી દીધી છે. ગઈકાલે ભારતીય અધિકારીઓએ જણાવ્યું હતું કે, ભારત હવે ખાતરી કરશે કે સિંધુ નદીના પાણીનું એક પણ ટીપું બગાડવામાં ન આવે કે પાકિસ્તાન સુધી ન પહોંચે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application