જુનાગઢના ગુજસીટોકના બે આરોપીના ડિફોલ્ટ જામીન હાઇકોર્ટ દ્વારા મંજુર

  • April 26, 2025 02:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
જૂનાગઢમાં લુખ્ખાગીરી આચરી ખંડણી ઉઘરાવવા સહિતના કેસોમાં સંડોવાયેલી કુખ્યાત ડાબરા ગેંગ સામે ગુજસીટોક ગુનો નોંધાતા પકડાયેલા પાંચ આરોપી પૈકી મોહસીન ઉર્ફે હોલે હોલે ફિરોઝભાઈ મલેક અને શાહરૂખ ઉર્ફે બાપુ હનીફમિયા કાદરીના ગુજરાત હાઇકોર્ટ દ્વારા શરતી જામીન મંજૂર કરવામાં આવ્યા છે. આરોપીઓની ધરપકડના લગભગ ત્રણ વર્ષ પછી જેલમાંથી મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. તેમાં તપાસકર્તા નિર્ધારિત સમયગાળામાં ચાર્જશીટ દાખલ કરવામાં નિષ્ફળ ગયા હોય અને ટ્રાયલ કોર્ટે આરોપીને જાણ કર્યા વિના તપાસનો સમયગાળો લંબાવ્યો હોવા બાબતે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ અગાઉ ટ્રાયલ કોર્ટે યોગ્ય પ્રક્રિયાનું પાલન કર્યા વિના ડિફોલ્ટ જામીન નામંજૂર કર્યા હતા, હાઈકોર્ટે જણાવ્યું હતું કે, જ્યારે કોઈપણ માનવ અધિકાર, વ્યક્તિનો બંધારણીય મૂળભૂત અધિકાર કાપવામાં આવે છે, ત્યારે આવા અધિકારને કાપતો કાયદો કડક રીતે વાંચવો જોઈએ.

આ અંગેની હકીકત મુજબ 2022માં જૂનાગઢ સી. ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા અપહરણ અને ખંડણી માંગવાના સહીતના આરોપો બાબતે સરફરાઝ ઉર્ફે ડાબરો ગુલામ નબી બુખારી, અકરમ ઉર્ફે પટેલ ઈકબાલભાઈ જેઠવા, સોહીલ જમાલભાઈ શેખ, મોહસીન ઉર્ફે હોલે હોલે ફિરોજભાઈ મલેક અને શાહરુખ ઉર્ફે બાપુ હનીફ મિયા કાદરી નામના શખ્સો વિરુદ્ધ ઘ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝડ ક્રાઈમ એટલે ગુજસીટોક અન્વયે કાર્યવાહી કરવામાં આવી હતી. આ ગેંગના પાંચેય શખ્સો સામે અત્યાર સુધીમાં રાયોટિંગ, ખૂનની કોશિશ, અપહરણ, લુંટ, આર્મ્સ એક્ટ, મારામારી, મિલકતને નુકશાન, ધાક–ધમકી સહિતના ગુન્હાઓ નોધાયેલ હોય, તેમની ગુજસીટોક હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. તેમાં તપાસનીશ દ્વારા તેમની ધરપકડના 90 દિવસ પછી પણ પોલીસ ચાર્જશીટ દાખલ કરી શકી નહીં, આથી ચાર મહિનાથી થોડો વધુ સમય જેલમાં રહ્યા પછી, મલેક અને કાદરીએ ડિફોલ્ટ જામીન માટે અરજીઓ સેશન્સ કોર્ટે રદ કરતા આરોપીઓએ ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી, તેમાં સેશન્સ કોર્ટે તેમને સાંભળ્યા વિના જ અરજી ના મંજૂર કરી હોવા ઉપરાંત

તેમને જાણ કર્યા વિના તપાસનો સમયગાળો લંબાવવામાં આવ્યો હતો, તેથી ચાર્જશીટ દાખલ ન કરવા બદલ તેઓ સીઆરપીસીની કલમ 167 (2) હેઠળ ડિફોલ્ટ જામીન માટે પાત્ર હતા. આ સુનાવણી બાદ ન્યાયાધીશ ડી. એ. જોષીએ બંને આરોપીઓને ડિફોલ્ટ જામીન પર જેલમાંથી મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. આ કામમાં હાઈકોર્ટના એડવોકેટ આશીષભાઈ ડગલી , રાજકોટના યુવા ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયા, ખોડુભા સાકરીયા, જયવિર બારૈયા, મીલન જોષી, દીપ વ્યાસ, રવિરાજસિંહ જાડેજા, જયપાલસિંહ સોલંકી, સાગરસિંહ પરમાર સહિતના રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application