ટી-20 વર્લ્ડ કપ 2026માં 15 ફેબ્રુઆરીએ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાનારા ભારત અને પાકિસ્તાન વચ્ચેના મહામુકાબલા પહેલા વાતાવરણ તંગ છે. મેચ પૂર્વેની પ્રેસ કોન્ફરન્સમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવને જ્યારે પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવા અંગે સવાલ પૂછવામાં આવ્યો, ત્યારે તેણે ખૂબ જ કુનેહપૂર્વક અને મક્કમતાથી જવાબ આપીને ભારતનું વલણ સ્પષ્ટ કરી દીધું હતું.
સૂર્યાની સિક્સર જેવો જવાબ
પાકિસ્તાની ખેલાડીઓ સાથે 'નો હેન્ડશેક' પોલિસી અંગેના સવાલ પર સૂર્યકુમાર યાદવે હસીને જવાબ આપ્યો કે, "તમે બધા બસ 24 કલાક રાહ જુઓ. અમે અહીં સારું ક્રિકેટ રમવા આવ્યા છીએ અને અમે એ જ કરીશું. તમે બધા સારું જમજો અને સરસ ઊંઘ લેજો. અમે આ બાબતે આવતીકાલે મેદાન પર જ નિર્ણય લઈશું, અને તમને ત્યારે જ જવાબ મળી જશે."
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે દુબઈમાં યોજાયેલા એશિયા કપથી ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓએ એકબીજા સાથે હાથ મિલાવવાનું બંધ કર્યું હતું. પહેલગામ હુમલા અને ત્યારબાદ ભારતીય સેના દ્વારા ચલાવવામાં આવેલા 'ઓપરેશન સિંદૂર' પછી ભારતે આ કડક વલણ અપનાવ્યું હતું.
પાકિસ્તાની કેપ્ટન સલમાન આગાનો સુર
ભારતની આ 'નો હેન્ડશેક' નીતિ પર પાકિસ્તાની કેપ્ટન સલમાન આગાએ પોતાની પ્રતિક્રિયા આપતા ખેલદિલીનો રાગ આલાપ્યો હતો. તેણે કહ્યું કે "આ બાબતે અમે કાલે જોઈશું. મારા મતે કોઈપણ સંજોગોમાં ખેલદિલી જળવાઈ રહેવી જોઈએ. ક્રિકેટ યોગ્ય ભાવના સાથે રમાવું જોઈએ, જોકે શું કરવું એ નક્કી કરવાનું તેમના (ભારત) પર નિર્ભર છે." સલમાન આગાના નિવેદનમાં ભારતની મક્કમતા સામેની લાચારી સ્પષ્ટ દેખાતી હતી.