જૂના માર્કેટ યાર્ડમાં શાકભાજીના ધંધાર્થીને વજનિયાથી માર મારી હાથ ભાંગી નાખ્યો

  • October 28, 2024 02:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના જુના માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીનો ધંધો કરનાર યુવાનને બે શખસોએ અહીં પડેલા વજનિયા વડે માર મારી તેનો હાથ ભાંગી નાખ્યો હતો. યુવાને બે વર્ષ પૂર્વે મચ્છાનગરમાં રહેતા શખસ પાસેથી રૂ.50,000 ઉછીના લીધા હોય ધંધામાં મંદિના લીધે આ પૈસા પરત ન કરી શકતા તેનો હાર રાખે આ હુમલો કર્યો હતો.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, આરટીઓ પાછળ શિવમ સોસાયટી શેરી નંબર છ માં રહેતા શાકભાજીના ધંધાર્થી વિજય મનુભાઈ ચુડાસમા(ઉ.વ 37) દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે માર્કેટયાર્ડ પાછળ મનછાનગરમાં રહેતા શાકભાજીના ધંધાર્થી પરબત મમભાઈ ઝાપડા(ઉ.વ 33) અને છગન મમભાઈ ઝાપડાના નામ આપ્યા છે.
યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,તે માર્કેટિંગ યાર્ડની અંદર થળો રાખી શાકભાજી વેચી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેણે બે વર્ષ પૂર્વે પરબત ઝાપડા પાસેથી રૂપિયા 50,000 ઉછીના લીધા હતા. શરૂઆતમાં તેણે દર મહિને તેનો હપ્તો ચૂકવ્યો હતો. પરંતુ બાદમાં ધંધામાં મંદી આવી જતા આ રૂપિયા પરત આપી શક્યો ન હતો જે બાબતે બે દિવસ પહેલા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.
દરમિયાન ગઈકાલ બપોરના યુવાન અહીં શાકભાજીના સ્થળે હતો ત્યારે બંને આરોપી અહીં આવ્યા હતા અને પૈસાની ઉઘરાણીને લઇ ગાળો આપવા લાગ્યા હતા યુવાનના માતા શારદાબેન વચ્ચે પડતા તેમને પણ ગાળો ભાંડી હતી બાદમાં આરોપી પરબતે અહીં પડેલા લોખંડના તોલ માપ્ના વજનિયું ઉપાડી યુવાનને મારી દીધું હતું તેમજ તેને ધક્કો મારી પછાડી દીધો હતો. બાદમાં આ શખસોએ યુવાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ હુમલામાં યુવાનને હાથમાં ફ્રેક્ચર થઈ ગયું હતું. આ અંગે યુવાનની ફરિયાદ પરથી પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

નવા થોરાળામાં જમીન મકાનના ધંધાર્થીને સાળાની જાનથી મારી નાખવાની ધમકી

નવા થોરાળા વિસ્તારમાં ગોકુલપરા શેરી નંબર-5 માં રહેતા જમીન મકાનના ધંધાર્થી દિપક આનંદભાઈ ચાવડા(ઉ.વ 42) દ્વારા થોરાળા પોલીસ સ્ટેશનમાં પોતાના સાળા મનોજ સોમાભાઈ રાઠોડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે,ગઈકાલ ના રાત્રિના તે અહીં ખીજડાવાળા રોડ પર પાનની દુકાને ફાકી ખાવા માટે ગયો હતો ત્યારે તેના સાળા મનોજનો ફોન આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે તું તારા સંતાનને કેમ સાચવતો નથી.તું કેમ તેને ભરણપોષણ કરતો નથી. અને મારી બેન જશોદા ઉર્ફે જ્યોતિ સાથે કેમ અવારનવાર બોલાચાલી કરે છે તેમ કહી બેફામ ગાળો આપવા લાગ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે તું અહીંયા આવે છે કે હું ત્યાં આવું તેમ કહી ગાળો આપી ધમકી આપી હતી. જેથી યુવાને ડરીને ફોન કાપી નાખ્યો હતો. બાદમાં તેણે આ અંગે ફરિયાદ નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application