પ્રધાનમંત્રીના રાજકોટ કાર્યક્રમ અનુસંધાને આજે સાંજે કલેકટરના અધ્યક્ષ સ્થાને મિટિંગ

  • February 12, 2024 04:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી આગામી તા.25 ફેબ્રુઆરીના રોજ રાજકોટ ખાતે ત્રણ મેગા પ્રોજેક્ટના લોકાર્પણ માટે આવી રહ્યા છે ત્યારે તેમના કાર્યક્રમને અનુલક્ષીને કોઇપણ પ્રકારની કચાશ ન રહી જાય તે માટે સમગ્ર કાર્યક્રમનું પ્લાનિંગ કરવા તેમજ હાલ સુધીમાં કરેલી તૈયારીઓનો રીવ્યુ લેવા માટે આજે સાંજે કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેકટર પ્રભાવ જોષીના અધ્યક્ષ સ્થાને એક મહત્વપૂર્ણ મિટિંગ રાખવામાં આવી હોવાનું જાણવા મળે છે.

વિશેષમાં કલેકટર કચેરીના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ રૂ.1100 કરોડથી વધુ રકમના ખર્ચે નિર્મિત 250 બેડની હોસ્પિટલ સાથેની એઇમ્સ, 100 કરોડના ખર્ચે નિર્મિત 11 માળની જનાના હોસ્પિટલ તેમજ રાજકોટ મહાનગરપાલિકાના સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત રૂ.136 કરોડના ખર્ચે નિર્મિત અટલ સરોવર સહિતના પ્રોજેક્ટનું તા.25 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રીના હસ્તે લોકાર્પણ થનાર છે ત્યારે લોકાર્પણ સમારોહની પૂર્વ તૈયારી માટે આજે સાંજે મળનારી ઉપરોક્ત મિટિંગમાં એઇમ્સ તેમજ સિવિલ હોસ્પિટલ અને રાજકોટ મહાપાલિકાના સંબંધિત વિભાગોના અધિકારીઓ તેમજ ઇજનેરો પણ ઉપસ્થિત રહેનાર છે.


રાજ્યના આરોગ્ય સચિવ ધનંજય દ્વિવેદીએ નવનિર્મિત એઇમ્સ અને જનાના હોસ્પિટલની સાઇટ વિઝીટ કરી
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગના સચિવ ધનંજય દ્વિવેદી આજે સોમવારે રાજકોટ આવી એઇમ્સ અને જનાના હોસ્પિટલ અંગેની સમીક્ષા કરનાર હતા પરંતુ આજે યોજાયેલા રાષ્ટ્રપતિના કાર્યક્રમના અનુસંધાને તેઓ એક દિવસ વહેલા ગઈકાલે રવિવારે જ રાજકોટ આવી ગયા હતા અને ઉપરોક્ત બંને પ્રોજેક્ટ એઇમ્સ અને જનાના હોસ્પિટલની સાઇટ વિઝિટ કરી જરૂરી સુચનાઓ જારી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application