રાજકોટમાં વર્ષે 1 કરોડનો ખર્ચ છતાં 30000 શ્વાનનો આતંક

  • December 05, 2023 03:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં શ્વાનની વસ્તી નિયંત્રિત કરવા ખસીકરણ અને રસીકરણ પાછળ દર વર્ષે રૂપિયા એક કરોડનો તોતિંગ ખર્ચ કરવા છતાં હજુ પણ શહેરના પોશથી લઇ પછાત વિસ્તારો સુધી 30 હજાર શેરી શ્વાનો આતંક મચાવી રહ્યા છે. રખડું ઢોર મામલે હાઇકોર્ટની ફટકાર બાદ જાગ્યા હવે રખડું કૂતરા મામલે પણ હાઇકોર્ટ ફટકારે તેની મહાપાલિકા તંત્ર રાહ જુએ છે ? તેવો સવાલ રાજકોટની 20 લાખની જનતામાંથી ઉઠી રહ્યો છે. નિર્દોષ બાળકીને કૂતરાએ ફાડી ખાધી છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી.


શહેરમાં ગઇકાલે શેરી શ્વાનોએ બાળકીને ફાડી ખાધાની કરુણ ઘટના બન્યા બાદ વધુ એક વખત મહાપાલિકાની શ્વાન ખસીકરણ અને રસીકરણની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. રાજકોટમાં વર્ષોથી શ્વાન ખસીકરણના ઓપરેશન કરવામાં આવી રહ્યા છે છતાં હાલમાં રાજકોટમાં રખડુ શેરી શ્વાનોની વસ્તી 30 હજાર છે. તંત્ર આ સમસ્યાને નાથી નહીં શકતું હોવાનો પરોક્ષ એકરાર કરતું હોય તેમ વર્ષોથી આરોગ્ય કેન્દ્રોમાં કૂતરું કરડ્યા પછી અપાતા ઇન્જેક્શનો વિનામૂલ્યે આપી રહ્યું છે. એકંદરે વર્ષે એક કરોડનો ખર્ચ કુતરાના ખસીકરણ અને હડકવા વિરોધી રસીકરણ પાછળ થાય છે છતાં સમસ્યા ઉકેલાતી નથી ત્યારે શહેરીજનોમાંથી એવો સવાલ ઉઠી રહ્યો છે કે રાજકોટ સ્માર્ટ સિટી છે કે જંગલ છે ?


દર મહિને શેરી શ્ર્વાનોના આતંકની 150 ફરિયાદો રજિસ્ટર્ડ થાય છે
રાજકોટ મહાપાલિકાના કોલ સેન્ટરના ટેલિફોન નં.0281- 2450077 ઉપર સરેરાશ દરરોજ પાંચ ફરિયાદો શેરી શ્વાનોના આતંકની નોંધાઇ છે, આ મુજબ દર મહિને 150 ફરિયાદ રજિસ્ટર્ડ થાય છે તેમ છતાં આ પ્રશ્નનું કાયમી નિરાકરણ લાવવાનું તંત્ર પાસે કોઇ આયોજન નથી. વર્ષોથી રાજકોટમાં આ પ્રશ્ન લોકોને પારાવાર પીડા આપી રહ્યો છે પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી. રાજકોટમાં છેલ્લા 15 વર્ષમાં શેરી શ્વાનોની વસ્તીને નિયંત્રિત કરવા કોઇ નક્કર આયોજન જ નથી.એકંદરે આ પ્રશ્ન ઉકેલવા તંત્રની ઇચ્છા શક્તિ જ નથી.


સીઝન બદલતા ડોગનો મૂડ સ્વિંગ થાય માટે પાછળ દોડે કે કરડે તેવું બની શકે

રાજકોટ મહાપાલિકાના એનિમલ ન્યુસન્સ ક્ધટ્રોલ ડિપાર્ટમેન્ટના વેટરનરી ઓફિસર ડો.ભાવેશ જાકાસણીયાએ જણાવ્યું હતું કે સીઝન બદલતા ડોગનો મૂડ સ્વિંગ થાય છે તેથી પાછળ દોડે કે કરડે તેવુ બની શકે છે. અચાનક ઠંડી કે ગરમી વધે અને ડોગ આબોહવા સાથે અનુકૂલન સાધી ન શકે તેવા સંજોગોમાં ઉશ્કેરાય જાય છે. હાલમાં માવઠું અને ત્યારબાદ એકાએક ઠંડી વધતા આવા બનાવની શકયતા રહે છે. તદઉપરાંત ડોગને ઉશ્કેરવામાં આવે તો પણ આવા બનાવો બની શકે.


કૂતરું કરડતું હોવાની ફરિયાદો મળે તો ઉપાડી માધાપરના ડોગ ફ્રેન્ડલી સેન્ટરમાં મુકાય છે !
રાજકોટ શહેરના કોઈ વિસ્તારમાં શેરી શ્વાનો કરડતા હોવાની કે પાછળ દોડતા હોવાની ફરિયાદો મળે તો તે વિસ્તારમાંથી તેને ઉપાડી લઇ માધાપર પાસે મહાપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે નિર્મિત ડોગ ફ્રેન્ડલી સેન્ટરમાં મુકવામાં આવે છે અને ત્યાં તેની ટ્રીટમેન્ટ કરાય છે અને ફરી તેના મૂળ વિસ્તારમાં પરત મુકવામાં આવે છે. જો કોઇ વિસ્તારમાં કૂતરા કરડતા હોવાની કે પાછળ દોડતા હોવાની ફરિયાદો હોય તો મહાપાલિકાના કોલ સેન્ટર નં. 0281 2450077 ઉપર ફરિયાદ નોંધાવવા અપીલ કરાઇ છે.


રાજકોટમાં 78,247 શ્ર્વાનોનું ખસીકરણ કર્યાનો દાવો; ખસી કરી હોય તો વસતી વધે છે ક્યાંથી ?
રાજકોટ શહેરમાં છેલ્લા 15 વર્ષમાં 78,247 શ્વાનોનું ખસીકરણ કર્યાનો મહાપાલિકા તંત્રનો દાવો છે ત્યારે એવો સવાલ ઉઠ્યા વિના રહેતો નથી કે જો ખસી કરવામાં આવી હોય તો વસ્તી વધે છે ક્યાંથી ? ખસીકરણનું ઓપરેશન કર્યું હોય તેવા કુતરા પ્રજનન કરવા માટે સક્ષમ હોતા નથી તેમ છતાં શહેરમાં શ્વાનની વસ્તી વધી રહી છે તે બાબત ભારે આશ્ચર્યજનક છે. શું ખસીકરણના ઓપરેશન નિષ્ફળ જઈ રહ્યા છે કે પછી ખોટા આંકડા જાહેર કરવામાં આવી રહ્યા છે તેવો સવાલ લોકોમાંથી ઉઠી રહ્યો છે.


રાજકોટમાં એક વર્ષમાં 10374 લોકોને કૂતરા કરડ્યા; 15 વર્ષમાં દોઢ લાખને દાઢ બેસાડી

રાજકોટ શહેરમાં આતંક મચાવી રહેલા શેરી શ્વાનો છેલ્લા એક વર્ષમાં 10,374 લોકોને કરડ્યા છે અને 2006થી 2023 સુધીના 15 વર્ષમાં કુલ દોઢ લાખથી વધુ લોકોને કરડયા છે તેવો સત્તાવાર જવાબ તંત્રવાહકોએ જનરલ બોર્ડ મિટિંગના એક સવાલના પ્રત્યુત્તરમાં આપ્યો છે.


નોનવેજ ફૂડ વેસ્ટના નિકાલ સ્થળો, ઝુંપડપટ્ટી, અને વોંકળા છે શેરી શ્ર્વાનોના નિવાસ સ્થાનો
રાજકોટ શહેરના રાજમાર્ગો, મુખ્ય ચોક તેમજ સોસાયટીની શેરીઓમાં રાત્રે સિંહ અને વાઘની જેમ રખડતા ડાઘીયાના મુખ્ય નિવાસ સ્થાનો જ્યાં આગળ નોનવેજ ફૂડ વેસ્ટનો નિકાલ થતો હોય તેવા સ્થળો, ઝુંપડપટ્ટીઓ અને વોંકળા વિસ્તારો છે. દિવસે આ શેરી શ્વાનો આરામ ફરમાવે છે અને સાંજ ઢળતાની સાથે પડમાં આવે છે અને સામાન્ય રીતે શ્વાન તેણે નિશ્ચિત કરેલા હદ વિસ્તારની બહાર જતા નથી.

શેરી શ્ર્વાનોનો આતંક વધવા માટે દૂધ-બિસ્કિટ આપતા જીવદયા પ્રેમીઓ પણ જવાબદાર !
રાજકોટ મહાપાલિકાના એનિમલ ન્યુસન્સ ક્ધટ્રોલ ડિપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ લેવલની કામગીરી કરતા સ્ટાફના સૂત્રોએ જણાવ્યું હતું કે શેરી શ્વાનોનો આતંક વધવા પાછળ દરરોજ સવાર સાંજ શ્વાનોને દૂધ અને બિસ્કિટ ખવડાવવા નીકળતા જીવદયા પ્રેમીઓ પણ જવાબદાર છે! આવા લોકો પોતે રહેતા હોય તે વિસ્તારના બદલે અન્ય વિસ્તારોમાં જીવદયા કરવા નીકળી પડે છે અને પરોક્ષ રીતે રખડુ શ્વાનોના ઉછેરને પ્રોત્સાહન આપે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application