જામ્યુકોના બજેટમાં કાલે સામાન્ય વેરા સાથે વિકાસના કામોની થશે દરખાસ્ત

  • February 01, 2024 10:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આગામી દિવસોમાં સાયન્સ સીટી ભવન, અદ્યતન ટાઉનહોલ, સ્પોર્ટસ કોમ્પલેક્ષ, નંદઘર, હાપા અને લાલપુર ઓવરબ્રિજ, આશરે રુા.૩૫ કરોડના ખર્ચે પાછલા તળાવનું નવીનીકરણ, ત્રણ હોસ્પિટલોનું કરાશે નિર્માણ: લાંબા સમય બાદ આતુરતાનો અંત: શનિવારે રીંગ રોડનું થશે ખાતમુર્હુત

જામનગર મહાનગરપાલિકાનું સામાન્ય કરવાળુ ફુલગુલાબી બજેટ આવતીકાલે મ્યુ.કમિશ્નર ડી.એન.મોદી સ્ટે.કમીટીમાં રજુ કરનાર છે, આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણીને ઘ્યાનમાં લઇને સામાન્ય વેરા સિવાય કોઇ નવા વેરા નાખવાનું જોખમ નહીં કરવામાં આવે છે, થોડાઘણા વેરાની દરખાસ્ત કરવામાં આવશે, પરંતુ શાસક પક્ષ અમો ગરીબોના બેલી છીએ તેવું માનીને લોકો ઉપર હાથ રાખીને કમિશ્નરે સુચવેલા કર દરને લગભગ ફગાવી દેશે, અનેક નવા વિકાસ કામોની ભરમાળ આ બજેટમાં સુચવવામાં આવશે, ખાસ કરીને લગભગ ૧૫ વર્ષથી જામનગરને સમર્પણથી બેડી ગુલાબનગરનો રીંગ રોડ મળશે એવું વચન મળ્યું હતું અને આ સપનું હવે સાકાર થઇ રહ્યું છે, બજેટમાં પણ આ અંગે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એટલું  જ નહીં આરએનડી વિભાગ દ્વારા આ રીંગ રોડનું શનિવારે ખાતમુર્હુત કરવામાં આવશે તેવી શકયતા છે. કેટલાક કામો પૂર્ણતાના આરે છે અને અનેક નવા વિકાસ કામો આ વર્ષના બજેટમાં સમાવાયા છે, સરકાર પાસે રુા.૧ હજાર કરોડની માંગ કરવામાં આવી છે જેમાં રુા.૬૦૦ કરોડનો મહત્વનો રિવરફ્રન્ટનો પ્રોજેકટ પણ આવી જાય છે.
જામનગરના વિકાસમાં કેટલાક કામો ખુબ મહત્વના છે, ભૂકંપમાં ઘ્વંશ થયેલો ભુજીયો કોઠો હવે ગમે ત્યારે ખુલ્લો મુકાશે, ત્રણ દરવાજા રેસ્ટોરેશન-રિનોવેશનનું કામ પૂર્ણ થયું છે, ટાઉનહોલનું કામ એકાદ મહીનામાં પુરુ થઇ જશે, શહેરમાં ત્રણ હોસ્પિટલો બની રહી છે, એટલું જ નહીં જનરલ બોર્ડનું બિલ્ડીંગ પણ આવનારા વર્ષમાં પુર્ણ થઇ જશે, લાલપુર બાયપાસ ચોકડી પાસે રુા.૬૫ કરોડના ખર્ચે ઓવરબ્રિજ અને હાપા માર્કેટીંગ યાર્ડ પાસે રુા.૩૫ કરોડના ખર્ચે ઓવરબ્રિજનું કામ શરુ થઇ ચૂકયું છે.
મ્યુ.કમિશ્નર પોતાની દરખાસ્તમાં જામનગરના વિકાસના પ્રોજેકટો દર્શાવશે જેમાં બાલ્કનજી બારીની જગ્યાએ આશરે રુા.૧૦ કરોડના ખર્ચે સાયન્સ ભવન, મહાપ્રભુજીની બેઠક પાસે  અદ્યતન ટાઉનહોલ, સમર્પણથી બેડી થઇ ગુલાબનગર સુધીનો લગભગ રુા.૯૦ કરોડના ખર્ચવાળો રીંગ રોડ બનશે જયારે ફલાય ઓવરબ્રિજનું કામ આવતા વર્ષે પુરુ થઇ જશે. આ ઉપરાંત ૫૩ નંદ ઘર બનાવવામાં આવશે, શહેરના મુખ્ય માર્ગોનું પેવરીંગથી નવીનીકરણ કરવામાં આવશે, નવા વિસ્તારોમાં લાઇટ, પાણી, વિજળી સહિતની આનુસાંગીક સેવાઓ કરવા માટેનું બજેટ ફાળવાયું છે. ખાસ કરીને રુા.૩૫ કરોડના ખર્ચે તળાવના બીજા ભાગનું નવીનીકરણ એટલે કે જોગીંગ ટ્રેક સહિતની અન્ય સુવિધા આ પ્રોજેકટમાં કરવામાં આવશે અને આ બજેટમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે.
રીંગ રોડનું સપનું ૨૦૦૫થી જામનગરવાસીઓ જુએ છે અને હવે તો એવું લાગતું હતું કે આ વાત મુંગેરી લાલના સપના જેવી છે પરંતુ આરએન્ડબી વિભાગે ચૂંટણી પહેલા જ લગભગ શનિવારે આ રીંગરોડનું ખાતુમુર્હુત કરવા માટેની જાહેરાત કરી દીધી છે, છેલ્લા પાંચ-છ વર્ષથી બજેટમાં સરલાબેન આવાસ પાસે અદ્યતન સ્પોર્ટસ કોમ્પલેક્ષ બનાવવાની વાત હતી પરંતુ હવે આ જગ્યા બદલી નાખી હોવાનું સુત્રોનું કહેવું છે. હવે વિશાલ હોટલ પાસેની જગ્યાએ અદ્યતન સ્પોર્ટસ કોમ્પલેક્ષ બનશે.
મ્યુ.કમિશ્નર આવતીકાલે સ્ટે.કમિટીમાં ૨૦૨૪-૨૫નું અંદાજપત્ર રજૂ કરશે તેમાં મિલ્કત વેરો, પાણી વેરો, સોલીડ વેસ્ટ ચાર્જ સહિતના કેટલાક ચાર્જ વધારવાની દરખાસ્ત મુકવામાં આવશે તેમ જાણવા મળે છે, જો કે ગયા વખતે મિલ્કત વેરા અને પાણી વેરામાં નજીવો વધારો કરવામાં આવ્યો હતો. આ વધારો કરાય તો પણ શાસક પક્ષ અમે તો લોકોની સાથે છીએ તેમ કહીને લીંબડજશ ખાટવા માટે વધારો રદ પણ કરી શકે છે.
ગયા વર્ષ કરતા આ બજેટ થોડુ મોટુ હશે, રુા.૧ હજાર કરોડથી વધુ રકમનું બજેટ ગયા વખતે મુકવામાં આવ્યું હતું જેને મંજુરીની મહોર મળી ગઇ છે, જામનગરનો વિકાસ કરવો હોય તો થોડાઘણા વેરા માટે લોકોએ તૈયાર રહેવું પડશે તેવી વાત પણ આવતીકાલના બજેટમાં કરવામાં આવી છે, નવા-નવા વિકાસ કામોનું ભરમાળ જોઇને જામનગર કોર્પોરેશન વધુ વિકાસ કામો કરશે તેવું દર્શાવવામાં આવશે, કંન્ઝર્વેશન અને સુઅરેજ ટેકસમાં પણ કદાચ નજીવો વધારો થાય તેવી શકયતા છે. નવા-નવા વિસ્તારોમાં લાઇટ, પાણીની સુવિધા આપવા માટે મહાપાલિકા કટીબઘ્ધ છે તેવી વાતો પણ હોંશે-હોંશે કરવામાં આવશે, નવા વિકાસ કામો સિવાય બીજુ લગભગ કંઇ બજેટમાં ઘ્યાનપાત્ર નહીં હોય.
જામનગર મહાપાલિકાના શાસકોએ રાજય સરકાર પાસે રિવરફ્રન્ટ સહિતના પ્રોજેકટ માટે રુા.૧ હજાર કરોડની રકમ માંગી છે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ માટે હૈયા ધારણા પણ આપી છે, ધારાસભ્ય દિવ્યેશ અકબરી જામનગર કોર્પોરેશનને વધુને વધુ રકમ મળે તે માટે પ્રયાસો કરી રહ્યા છે ત્યારે રુા.૬૦૦ કરોડના વર્ષોથી અટવાયેલા મહત્વના રિવરફ્રન્ટ પ્રોજેકટને પણ આ બજેટમાં વધુ મહત્વ આપવામાં આવશે તેવી શકયતા છે. આવતીકાલે બપોરે મ્યુ.કમિશ્નર સામાન્ય વેરા સાથેનું ફુલગુલાબી સુચીત બજેટ સ્ટે.કમિટીમાં રજૂ કરશે, ત્યારબાદ કમીટીના સભ્યો આ બજેટ ઉપર ચર્ચા-વિચારણા કરશે અને લોકસભાની ચૂંટણીને ઘ્યાનમાં લઇને તમામ સભ્યો પાટલી થપથપાવીને મોટાભાગના નાના-મોટા સુચવાયેલા વેરાઓ પણ નાબુદ કરી આપશે તેમ જાણવા મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application