જામનગરમાં ગઠીયાએ એટીએમ બદલાવીને ૪૦ હજાર ઉપાડી લીધા

  • April 12, 2025 12:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માતાની સારવાર માટે બેડથી જામનગર આવેલા યુવાન સાથે છેતરપીંડી


જામનગર નજીક બેડમાં રહેતો એક યુવાન પોતાની માતાની સારવાર કરાવવા માટે જામનગર આવ્યો હતો, અને એટીએમમાં પૈસા ઉપાડવા માટે એક શખ્સની મદદ લેતાં  ગઠીયાએ એટીએમ કાર્ડ બદલી નાખી પાસવર્ડ જાણી લીધા બાદ ખાતામાંથી ૪૦ હજાર ઉપાડી લીધાની પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.

જામનગર તાલુકાના બેડમાં રહેતો દીપક તુલસીભાઈ સોનગરા નામનો ૪૬ વર્ષનો યુવાન પોતાની માતાની સારવાર કરાવવા માટે જામનગર આવ્યો હતો, અને ઓશવાળ હોસ્પિટલમાં માતાને દાખલ કર્યા પછી પૈસાની જરૂરિયાત ઊભી થતાં નજીકમાં જ આવેલા બેંકના એટીએમમા પૈસા ઉપાડવા માટે ગયો હતો, જે દરમિયાન એટીએમ મશીન પાસે ઉભેલા એક યુવાનની મદદ લીધી  હતી.

જેણે પૈસા ઉપાડવામાં મદદ કરતી વખતે એટીએમ કાર્ડ બદલી નાખ્યું હતું, અને સાથે સાથે પાસવર્ડ પણ જાણી લીધો હતો. ત્યારબાદ દિપક સોનગરા હોસ્પિટલમાં જતાં થોડીવાર મા તેના ખાતામાંથી કટકે કટકે બે વખત વીસ વીસ હજારની રકમ ઉપડી લીધાનું ધ્યાનમાં આવ્યું હતું જેથી તેણે તરત જ બેંકનો સંપર્ક સાધ્યો હતો.

જે દરમિયાન બેંકવઅધિકારીએ તેનું એટીએમ કાર્ડ બદલી ગયું હોવાનું જણાવ્યું હતું. અને એટીએમ મશીન પાસેના સીસીટીવી કેમેરામાં શખ્સ દ્વારા એટીએમ કાર્ડ બદલી નાખ્યાનું ધ્યાનમાં આવ્યું હતું. જેણે બોગસ એટીએમ કાર્ડ આપીને બેડના યુવાનના કાર્ડનો ઉપયોગ કરી ખાતામાંથી પૈસા ઉપાડી લીધા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેથી આ મામલો સિટી એ. ડિવિઝન પોલીસ પથકમાં લઈ જવાયો છે, અને આશરે ૪૦ થી ૪૫ વર્ષના એક અજ્ઞાત શખ્સ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી તેની ઓળખ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application