દ્વારકા-જામનગરમાં તોફાની પવન: દરિયો ગાંડોતુર: સાંજનો ઇન્તેજાર

  • June 15, 2023 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દરિયો ગાંડોતૂર..
(૧)બિપરજોય વાવાઝોડું દ્વારકાથી ર૧૦ કી.મી. દૂર છે અને આ લખાય છે ત્યારે ૧૧.૧૦ કલાકે દ્વારકા, ઓખાનો દરિયો ગાંડોતૂર થયો છે, ગોમતીઘાટ સહિતના સ્થળો પર ઉંચા ઉંચા મોજાં ઉછળતા જોવા મળ્યા છે, દરિયામાં ભારે કરંટ મહેસુસ કરવામાં આવ્યો છે અને વાવાઝોડા પૂર્વેની સ્થિતિ સર્જાઇ છે. (૨)કચ્છ નજીક પહોંચેલા ચક્રાવાતની ઇન્સેટ તસ્વીર (૩)ડીફેન્સના પીઆરઓ દ્વારા સંબોધન (૪)ગોમતીઘાટ ખાતે આજે સવારે ઉછળતા મોજા નજરે પડે છે.

**
ગરુડ કમાન્ડોની ટીમ પણ સેના દ્વારા તૈનાત કરવામાં આવી: હાલારમાં હજારો લોકોને આશ્રય સ્થાનો પર પહોંચાડી દેવાયા: બારડોલી, છોટા ઉદેપુર, રાજપીપળાથી બચાવ માટે વધુ ટીમો બોલાવાઇ: સતત દિશા બદલી રહેલું રમતીયાળ વાવાઝોડુ

વિકરાળ વાવાઝોડુ બિપરજોય દ્વારકાથી ૨૧૦ કિ.મી. અને જખૌથી ૧૮૦ કિ.મી. દુર છે, આજે સાંજે અથવા રાત્રે વાવાઝોડુ કચ્છની ધરતી પર લેન્ડ ફોલ કરે એવી હવામાન ખાતાએ આગાહી કરી છે અને તેની વ્યાપક અસર દ્વારકા, જામનગર થવાની સંભાવના છે, ગઇકાલ બપોર બાદથી જામનગરમાં તેજ ગતિએ પવન ફુંકાવાનું શરુ થયું હતું, આજ સવારથી પણ દ્વારકામાં ૬૦ કિ.મી.ની ગતિ અને જામનગરમાં ૫૮ કિ.મી.ની ગતિએ પવન ફુંકાયો હતો, સાંજે શું થશે ? તેની ઉચ્ચક જીવે લોકો રાહ જોઇ રહ્યા છે, બીજી તરફ હજારો લોકોનું સ્થળાંતર થઇ ચૂકયું છે, સેનાની ત્રણેય પાંખ, ફાયર બ્રિગેડની વધુ બોલાવવામાં આવેલી ટીમો, તરવૈયાઓ અને એનડીઆરએફ, એસડીઆરએફ સહિતની અનેક ટુકડીઓ  તમામ સાધનો સાથે સજ્જ છે, આફત આવે ત્યારે જાનમાલની રક્ષા કરવા માટે એકશન પ્લાન તૈયાર છે, ગઇકાલે એરફોર્સના ગુજરાતના વિંગ કમાન્ડર દ્વારા એવી પણ જાહેરાત કરવામાં આવી હતી કે, ગરુડ કમાન્ડોને પણ મદદ માટે ઉતારવામાં આવશે, તમામ વેપાર-ધંધા, ઉદ્યોગ બંધ છે, આશ્રય સ્થાનોમાં જામનગરમાં ૧૦ હજારથી વધુ અને દ્વારકામાં ૬ હજારથી વધુ લોકોને ખસેડવામાં આવ્યા છે, દ્વારકા સહિતના મંદિરો આજે બંધ છે, ઝંઝાવાતને પહોંચી વળવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને આ વાવાઝોડુ ધીમી ગતિએ આગળ વધી રહ્યું હોવાથી આજે સાંજે-રાત્રે અને કા આવતીકાલે પણ કદાચ અસર કરી શકે એવી શકયતાઓ પ્રબળ બની છે.
અરબી સમુદ્રમાં કેન્દ્રીત થયેલું બિપરજોય વાવાઝોડુ પહેલેથી જ સર્પની ચાલે આગળ વઘ્યું છે, ડાયરેકશન સતત બદલાતું રહ્યું છે અને તેના કારણે જ સ્પષ્ટ રીતે જાણી શકાતું ન હતું કે, આખરે આ વાવાઝોડુ કઇ દિશામાં જશે, હવામાન ખાતાની બાજ નજર વાવાઝોડા પર રહી છે અને આજે સવારે એવું જાહેર કરવામાં આવ્યું છે કે, ચક્રાવાત બિપરજોય જખૌ તરફ પ્રતિકલાક ૭ કિ.મી.ની ઝડપે આગળ વધી રહ્યું છે, દ્વારકાથી આ વાવાઝોડુ ૨૧૦ કિ.મી. દુર છે આમ છતાં આજ સવારથી જ દ્વારકામાં ૬૦ કિ.મી.થી વધુ ગતિએ પવન ફુંકાયો હતો, દરિયો ગાંડોતુર થયો હતો, ઉંચા-ઉંચા મોજા ઉછળતા દેખાયા હતાં, ગોમતી ઘાટ અને અન્ય સ્થળોએ પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, સાંજે અથવા રાત્રે શું થશે ? તેને લઇને લોકોમાં ફફડાટ પણ ફેલાયો છે.
વાવાઝોડાની આંખ કચ્છ પર છે અને તેનું પુછડુ દ્વારકા તથા જામનગરને હીટ કરી રહ્યું હોવાથી આજે સાંજે અથવા રાત્રે આ વાવાઝોડુ ધરતી સાથે ટકરાય ત્યારે દ્વારકા અને જામનગરમાં ૧૨૦ અથવા ૧૩૦ની ગતિએ પવન ફુંકાવાની દહેશત છે, જો કે વાવાઝોડુ થોડુ નબળુ પડયું હોવાના સંકેતો પણ અપાઇ રહ્યા છે, આમ છતાં પવનની ગતિ ૯૦ થી ૧૦૦ કિ.મી.ની તો રહેશે જ.
ખુબ ખો-ખો રમ્યા બાદ આ રમતીયાળ વાવાઝોડુ એક ચોકકસ દિશા તરફ આગળ વધી રહ્યું છે, હજુ પણ ફેરફાર થવાની શકયતા નકારી શકાતી નથી, જો કે જાનમાલની ઓછામાં ઓછી નુકશાની માટે તકેદારીના તમામે તમામ પગલા લેવામાં આવી રહ્યા છે.
ગઇકાલે ગુજરાતના એરફોર્સના વિંગ કમાન્ડર અને પીઆરઓ એન.મનીષ દ્વારા એક વિડીયો સંદેશો જાહેર કરવામાં આવ્યો છે, તેમાં જણાવાયું હતું કે, ઇન્ડીયન આર્મી દ્વારા જામનગર, ભુજ, ગાંધીધામ, દ્વારકા, નલીયા, માંડવી વિગેરે માટે ૨૭ જેટલી બટાલીયનો મોકલી છે, મેડીકલની ટીમો પણ તૈયાર રાખવામાં આવી છે.
એમણે કહ્યું હતું કે, આર્મી દ્વારા સ્થાનિક વહિવટી તંત્ર અને એનડીઆરએફની ટીમો સાથે સંયુકત રીતે બચાવનું ઓપરેશન હાથ પર લીધું છે, ઇન્ડીયન આર્મીના અધિકારીઓએ વાવાઝોડા સંદર્ભે બોલાવામાં આવેલી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની મીટીંગમાં પણ ભાગ લીધો હતો અને આ આફતના સમયે જરુર જણાયે સેના તરફથી તમામ મદદ આપવા માટે આશ્ર્વાસન આપવામાં આવ્યું છે.
ઇન્ડીયન નેવી દ્વારા ઓખા, પોરબંદર અને વાલસુરા જામનગરમાં તરવૈયાઓની ૧૦થી વધુ ટીમો તૈયાર કરી છે, એક ટીમમાં ૫ કાબેલ અને નિવડેલા તરવૈયાઓનો સમાવેશ કરાયો છે, જરુર પડયે તરવૈયાઓની વધુ ટીમો સેના દ્વારા મોકલવામાં આવશે. સ્પીડબોટો પણ તૈયાર રખાઇ છે જેમાં એક બોટમાં ૧૦ થી ૧૨ લોકોને ઝડપથી બચાવી શકાય એવી વ્યવસ્થા છે.
ઓખા, પોરબંદર અને આઇએનએસ વાલસુરા ખાતે આશ્રય સ્થાનો પર રહેલા લોકોને ભોજનની પણ વ્યવસ્થા સેના દ્વારા ગોઠવવામાં આવી છે, ભારતીય વાયુ સેનાએ વડોદરામાં એક મોટુ વિમાન, અમદાવાદમાં એક ચેતક હેલીકોપ્ટર, એક ટ્રાન્સપોર્ટ વિમાન દિલ્હી ખાતે તૈયાર રાખવામાં આવેલ છે.
જામનગર, નલીયા અને ભુજ ખાતે બચાવ કામગીરી માટે ગરુડ કમાન્ડોની ટીમ પણ તૈયાર રાખવામાં આવી છે, કોસ્ટગાર્ડ દ્વારા ૧૫ શીપ અને ૭ વિમાન બચાવ કાર્ય માટે તૈનાત કર્યા છે, હજારો લાઇફ જેકેટ તૈયાર રખાયા છે.
આમ, વાવાઝોડાની આફતને પહોંચી વળવા માટે વધુ એક વખત સેનાએ કોસ્ટગાર્ડ, એનડીઆરએફ, વહિવટી તંત્રની સાથે મળીને એક એવું સંયુકત જોઇન્ટ એકશન પ્લાન તૈયાર કરેલ છે જેનાથી જો આ વાવાઝોડુ ખાના ખરાબી વેરે તો વધુને વધુ જાનમાલની રક્ષા કરી શકાય.
જામનગરના ચીફ ફાયર ઓફીસર કે.કે.બિશ્ર્નોઇએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ફાયર બ્રિગેડની ટીમ તમામ સાધનો સાથે સુસજ્જ તો છે જ આ ઉપરાંત બારડોલી, છોટા ઉદેપુર અને રાજપીપળાની નગરપાલિકાઓની વધુ ટીમો પણ સાધનો સાથે બોલાવવામાં આવી છે.
વાવાઝોડા પૂર્વે જ જામનગર શહેરમાં સેંકડો વૃક્ષ પડી ગયા છે, જિલ્લામાં હજારો વૃક્ષનો સોથ બોલી ગયો છે અને એ જ રીતે ઠેકઠેકાણે વિજ પોલ પણ પડયા હોવાના કારણે પાવર સપ્લાયમાં પણ વિક્ષેપ પડી રહ્યો છે.
વહિવટી તંત્રએ બચાવ કામગીરી માટે તમામ તૈયારીઓ લગભગ પૂર્ણ કરી લીધી છે, નિચાણવાળા વિસ્તારોમાંથી હજારો લોકોને સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે, સેનાની મદદ લઇ લેવામાં આવી છે, ઠેર-ઠેર સામાજીક સંસ્થાઓ દ્વારા રસોડા ધમધમી રહ્યા છે, ઘડીયાળનો કાટો આગળ વધતાની સાથે-સાથે સૌરાષ્ટ્રનો દરિયો તોફાની બની રહ્યો છે, દ્વારકાના દરિયામાં પણ ઉંચા મોજા ઉછળી રહ્યા છે, સાંજે અથવા રાત્રે વાવાઝોડુ કચ્છ પર ત્રાટકે ત્યારે દ્વારકા અને જામનગરમાં શું થશે ? તેને લઇને લોકોના જીવ પડીકે બંધાયા છે. જોઇએ આ આફત અને માનવીને બચાવાની આ જંગમાં કુદરત કોનો સાથ આપે છે, ચારેકોર હવે પ્રાર્થના, દુઆ, પ્રે થઇ રહી છે, વાવાઝોડુ પસાર થઇ જાય અને લોકોને નુકશાની ન જાય એવી અપેક્ષા બધા રાખી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application